માનવી - દિલીપ આર. પટેલ

 પોપચાં  ક્યારે  ઢળે?  સમણાં બસ  ઈંતેજાર  કરે

નિશા સમે શાંતિ તોયે માનવી બસ પડખાંભેર ફરે.

                                                                   

ટેસ્ટ ટ્યુબ બેબી કે “ડૉલી”નું પ્રભુ બની નિર્માણ કરે

બાયોટેરરીઝમના નામે  માનવી તું હેવાનિયત કરે. 

                                                              

વિજ્ઞાન  કેટલું  વિકસ્યું!   અંતરિક્ષે  હરણફાળ  ભરે

કૂપમંડુક થૈ “હું” “તું” માં માનવી બસ અટવાયા કરે.

                                                              

ઈન્ટરનેટ આગમને ગ્લોબલ વિલેજ જ્યાં શક્ય બને

ધર્મ-વર્ણ નામે ઝનૂન કરી  માનવી જ ભાગલા કરે.

                                                             

વિશ્વ સમૃધ્ધિ  શિખરે  છતાં  અશાંતિ  ચહુદિશે  રહે

કપોતો પંપાળી શાંતિદંભે માનવી જ માનવીને હણે.

                                                                

મરકટ થયેલું  આ  મનડું  ભૂલ-ભૂલામણીમાં  ભમે

ભોમિયો બની પ્રભુ બસ  માનવી પર અહેસાન કરે.

                                                          

દિલીપ આર. પટેલ

 

અંતરે ઉભરો ઓમકાર

દિલીપ આર. પટેલ

સૃષ્ટિને સમાવવા લાલચું લોચન ને પાંપણ ભૂલે પલકાર

લાલાશ લટકતી આંખોને આંગણ, દર્શન દોને પલવાર. 

                                                                    

લાવણ્ય લોભમાં લલના લાચાર ને રટણે રામ રણકાર

લાળે ટપકતી લંબાતી લાંઘણ, પ્રસાદ પીરસો તલભાર.

                                                                

પરમને પામવા પાગલ પગલાં ને ઝાંઝર તજે ઘરબાર

ભવાટવીએ ભટકી ઘસાતી ઢિંચણ, શ્રીપદ કરો સારવાર.

                                                                        

આતમનાં તાગવા તર્જનીથી ઊંડાણ ને હથેળી આપે આવકાર

આડશે અહંકારી પોલાદી પાષાણ, અમૃતે ઓગળો આરપાર.

                                                                       

મોહન મિલનના  મનડે  મંડાણ ને  ઉરે  ઉછળે  ધબકાર 

મલિન માયાના  દિલડે  દબાણ,  અંતરે ઉભરો ઓમકાર.

                                                                  

દિલીપ આર. પટેલ

ઓરેન્જ, કેલિફોર્નીયા.

કૃષ્ણ-રાધા - પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી

      ને ચાંદની તે રાધા રે,

આ સરવર જલ તે કાનજી

      ને પોયણી  તે  રાધા રે,

આ બાગ ખીલ્યો તે કાનજી 

      ને લ્હેરી જતી તે રાધા રે,

આ પરવત-શિખર કાનજી

       ને  કેડી ચડે  તે રાધા રે,

આ ચાલ્યાં ચરણ તે કાનજી

      ને પગલી પડે તે રાધા રે,

આ કેશ ગૂંથ્યા તે કાનજી

      ને સેંથી પૂરી તે રાધા રે,

આ દીપ જલે તે કાનજી

        ને આરતી તે રાધા રે,

આ લોચન મારા કાનજી

     ને નજરું જુએ તે રાધા રે! 

-  પ્રિયકાંત મણિયાર

ઊંડું જોયું - ચંદ્રકાંત શેઠ

ઊંડું જોયું, અઢળક જોયું;

મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,

કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;

ઊંડે જોયું,  અઢળક  જોયું.

માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;

એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!

જળમાં  જોયું, ઝગમગ જોયું;

ઊંડે  જોયું,  અઢળક  જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;

ધૂણી-ધખારે  ઘટ  ઘેર્યો  પણ અછતો  રહે  કે તણખો? 

પલમાં જોયું, અપલક જોયું;

હદમાં જોયું, અનહદ જોયું;

ઊંડું જોયું, અઢળક જોયું.

 

ચંદ્રકાંત શેઠ

હરિને ભજતાં - ગેમલ

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

જેની સુરતા  શામળિયા સાથ,  વદે વેદ વાણી રે.

વહાલે  ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;

વિભીષણને  આપ્યું રાજ, રાવણ  સંહાર્યો રે.      હરિને…

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.    હરિને…

વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;

પંચાળીનાં  પૂર્યાં  ચીર,  પાંડવકામ  કીધાં  રે.       હરિને…

વહાલે આગે  સંતોનાં કામ, પૂરણ  કરિયાં રે;

ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે.    હરિને…

-  ગેમલ

રમીએ- ગની દહીંવાળા

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,

ચાલ  મજાની  આંબાવાડી! આવળબાવળ રમીએ.

 

બાળસહજ  હોડી  જેવું  કંઈ  કાગળ કાગળ રમીએ,

પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

 

માંદા  મનને  દઈએ  મોટું   માદળિયું  પહેરાવી,

બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

 

તરસ  ભલેને  જાય  તણાતી  શ્રાવણની  હેલીમાં,

છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

 

હોય  હકીકત  હતભાગી  તો સંઘરીએ  સ્વપ્નાંઓ,

પ્રારબ્ધી  પથ્થરની  સાથે  પોકળ પોકળ  રમીએ. 

 

ફરફર  ઊડતું  રાખી પવને  પાન સરીખું પહેરણ,

મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

 

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,

અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

 

ગની દહીંવાળા