ભોમિયા વિના - ઉમાશંકર જોશી

 ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા,

જંગલની કુંજ કુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી ‘તી કંદરા,

રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

                                      

સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે

અંતરની વેદના વણવી હતી.

                            

એકલા આકાશ તળે ઊભીને એકલો

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

એકલો અટૂલો ઝાંખો પડ્યો.

                                  

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજ કુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.                                

-   ઉમાશંકર જોશી  

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/07/29/bhomiya_vina_umashankar/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment