નિનુ મઝુમદાર
પુન: – પુન: – પુન: – પુન: -
(છંદ: મંદાક્રાંતા)
ઠંડી રાતો ગઈ શિશિરની, કૈંક વીતી વસન્તો,
સેવી ગ્રીષ્મે તપતી ધરતી કૈંક વેળા ફરીને,
ઝંઝાવાતો ફરી ફરી લઈ નિત્યની આવી વર્ષા,
ભાળ્યા ચંદ્રો શરદઋતુના, હૂંફ હેમન્ત લાધી, -
બારે માસો સતત ફરતા વર્ષમાં એ જ રીતે;
પ્રાત: સંધ્યા સરકતી પુન: રેલતી એ જ રંગો,
ઊગ્યો પાછો દિનકર અને આથમ્યા એ જ તારા,
વ્યોમે નિત્યે રટણ કરતી નીરખી એ જ માળા
જાગ્યો સૂતો, દિવસ રજની જેમ વીત્યાં, વિતાવ્યાં;
જન્મ્યો, જીવું ભ્રમણ કરતો એકનાં એક ચક્રે :
ચાલે જ્યાંથી ફરી અટકતી જિન્દગી પાછી ત્યાંથી-
-ચાલે જ્યાંથી ફરી અટકતી જિન્દગી પાછી ત્યાંથી-
-ચાલે જ્યાંથી ફરી અટકતી જિન્દગી પાછી ત્યાંથી-
કાળે જાણે બગડી ગયલી કોઈ રેકર્ડ મૂકી
નિનુ મઝુમદાર
જીવનકાળ: નવેમ્બર 9, 1915 – માર્ચ 3, 2000
જાણીતા ગીતકાર અને સંગીતકાર; ‘નિરમાળ’ એમનો કાવ્યસંગ્રહ.
વધુ માહિતી માટે http://www.kaumudimunshi.com/ninu.html