11 - ડીસેમ્બર : ‘રૂસવા’ મઝલૂમીનો જન્મદિન

આજે પાજોદ દરબાર શ્રી.  ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રૂસવા’ મઝલૂમી-  નો 91 મો જન્મદિન છે. 
તેમના જીવન વિશે જાણવા અહીં ‘ક્લીક’ કરો.
તેમની યાદમાં આપણે તેમની ત્રણ રચનાઓનો આસ્વાદ માણીએ.

——————————————————

થઇ જાય નિછાવર સ્મિત સઘળાં એવાં હું ક્રંદન લાવ્યો છું,
ફૂલોની ધડકન લાવ્યો છું, ઝાકળનાં સ્પંદન લાવ્યો છું.
નરસિંહની ઝાંખીમાંથી હું મોહનની મઢૂલીમાં ધરવા,
ચેતનના ચંદન લાવ્યો છું, આતમના વંદન લાવ્યો છું.

જેને ‘માણસ’ કહી શકાય તેવા આ નવાબી શાયરની ધર્મનિરપેક્ષતાનું આનાથી વધારે સારું ઉદાહરણ શું હોઇ શકે? આમાં એક પણ ફારસી કે ઉર્દૂ શબ્દ શોધી શકશો? નરસિંહ અને મોહનને વંદન કરતા આ કવિને વંદન કરવાનું આપણને મન થઇ જાય છે.

—————————————————- 

વિચારો વિણ કલમ કરમાં નથી ધરતો કવન માટે,
ગગન પેદા કરી લઉં છું પ્રથમ ઉડ્ડયન માટે.

અભાગી લાશ રખડે જેમ જંગલમાં કફન માટે,
વતનમાં એમ ભટકું છું શરણ માટે, જતન માટે.

નથી આવ્યા અમે કેવળ અહીંયાં પર્યટન માટે,
વસાવ્યું છે વતનને તો મરીશું પણ વતન માટે.

તમે સોગંદનામું શું જુઓ છો, કાર્ય ફરમાવો !
બંધાયો છું ગમે તે કાર્ય કરવા હું વતન માટે.

નિરાશ્રિતથી વધુ આશ્રિત તણી સ્થિતિ કફોડી છે,
અવર માટે બધું છે ને નથી કંઇ આપ્તજન માટે.

તમે ના બોલવાનું આજ પણ બોલી ગયા ‘રૂસ્વા’
કદી તો પૂર્વ તૈયારી કરો કૈં પ્રવચન માટે.

ભારતને સ્વતંત્રતા મળી તે સમયમાં જ્યારે સૌરાષ્ટ્રના બધા મુસ્લીમ રાજવીઓ પાકિસ્તાનમાં ભળવા તલપાપડ હતા ત્યારે આ ભડવીરે વતન-પરસ્તી નિભાવી , સમસ્ત નવાબી જમાતનો રોષ વહોરી, ભારતીય સંઘમાં જોડાવા દસ્તખત કર્યા હતા. 
તે વખતની તેમની દ્રઢ મનોદશા આ ગઝલમાં ચિત્રિત થાય છે.

——————————————————

રૂપનો આવો અધિકાર મને માન્ય નથી,
હરઘડી પ્રેમ હો લાચાર, મને માન્ય નથી.

સંકુચિત દરિયાદિલી આવી? અને દરિયાની?
એક ડૂબે ને બીજો પાર, મને માન્ય નથી.

માન અપમાન તણું ભાન નિરંતન શાને?
પ્રેમમાં આવો અહંકાર, મને માન્ય નથી.

કોઇ આકાર બની જાય તો ખોટું શું છે?
તું રહે નિત્ય નિરાકાર, મને માન્ય નથી.

શક્ય છે રૂપ તણી હોય કશી મર્યાદા,
સંકુચિત પ્રેમનો હો વિસ્તાર, મને માન્ય નથી.

દીપમાળામાં સજાવીશ નયનમાં ‘રૂસ્વા’ !
વિરહમાં ચન્દ્રનો ચમકાર, મને માન્ય નથી.

નિરાકારની બંદગી જે ધર્મનો મૂળ વિચાર છે તે ધર્મના બાશીંદા એવા આ શાયરના પ્રેમનો વિસ્તાર કેટલો વ્યાપક છે?

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/12/11/rooswaa_birthday/trackback/

RSS feed for comments on this post.

3 Comments Leave a comment.

  1. On December 11, 2006 at 6:45 pm Dilip Patel Said:

    પાજોદ દરબાર શ્રી. ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રૂસવા’ મઝલૂમી- ને 91 મા જન્મદિને શુભેચ્છાઓ. આ મુસ્લીમ રાજવીની વતન-પરસ્તીને સવિશેષ વધાવવાની ને આ ગઝલને વારે વારે વાગોળવાની ઈચ્છા રોકી શકાતી નથી. આભાર.

  2. On December 12, 2006 at 5:36 pm profitfromprices Said:

    Wow!!!

    I have created a full page at:
    http://www.kavilok.com/kavi_rusva.html

  3. On February 14, 2008 at 11:52 am ‘રૂસવા’ મઝલૂમી, Rooswa Majhaloomi « ગુજરાતી સારસ્વત પરિચય Said:

    [...] #    91મા જન્મદિને શુભકામનાઓ …………..       લયસ્તરો       :       કવિલોક  [...]

Leave a Comment