ફૂલ પર ઝાકળ - હરીશ પંડ્યા

જળ નથી, રેલાય છે મૃગજળ બધે,
ને પરોઢે ફૂલ પર ઝાકળ બધે.

શબ્દ લીલાછમ મળે ક્યાં વાંચવા,
સાવ કોરા છે અહીં કાગળ બધે.

એક વળગણને હજી છોડ્યું હતું,
ત્યાં નવાં વળગણ મળે આગળ બધે.

સૂર્ય જાણે જળ બધાંયે પી ગયો,
સાવ ખુલ્લાં છે સરિતનાં તળ બધે.

કેમ સામે પાર જાવું, એ કહો,
જ્યાં ચરણ મૂકું, ગ્રસે જ વમળ બધે.

લોક તરસે એક ટીપાં કાજ પણ,
શ્વેત દેખાતાં અહીં વાદળ બધે.

- હરીશ પંડ્યા

….. ને સમય છે - ડો. દિલીપ મોદી

એક તું છે, એક હું છું ને સમય છે. - એક.
થાક છે, ચરણો છે, રસ્તો છે, સફર છે. - એક.
કેમ શંકા ને કુશંકાનો અમલ છે ? . - એક.
હા, ઋણાનુબંધની ભીની અસર છે. - એક.
સૌ ચિરંજીવ ખેવનાઓનું ગગન છે. - એક.
આપણી વચ્ચે તો થીજેલો બરફ છે. - એક.
ચાહવા લાયક અજાયબ આ નગર છે. - એક.
આંખ સામે મુક્તિ – બંધનનાં પડળ છે. - એક.
સગપણોનાં- વળગણોનાં કૈં વચન છે. - એક.
છે નદી સંવેદનાની ને ખડક છે. - એક.
આમ જોવા જાવ તો, મંઝિલ તરત છે. - એક.
ધડકનોની ધરતી પર લીલી ગઝલ છે. - એક.

- ડો. દિલીપ મોદી
‘ઉદ્દેશ’ મે – 2005 માંથી સાભાર

ગઝલ- બીમલ દેસાઈ (Bimal Desai)

બીમલ દેસાઈ 

  

દિલનું દર્દ હવે ઘેરું બને છે
મન પણ મેરું જેવું બને છે.

પળ પળ મને ડંખ્યા કરે છે
ઝંખના ઝેરી એરું બને છે.

હ્રદય વચોવચ ચાસ પાડે છે
આ લાગણીઓ પણ ખેડું બને છે.

ખાઈ ખાઈને સમ ભોળપણના
કોણ આટલું ભોળુ બને છે?

નીર નીતરતી કાયાનું કામણ
એક એક અષાઢી ફોરું બને છે.

લાખ યત્નો છતાંયે જીવતરમાં
કયાં આપણું ધાયુઁ બને છે.

કોઈ બને છે પ્રીતમાં પાગલ
ને કોઈ રુપનું ઘેલું બને છે.

શ્રદ્ધા સબુરી ને હો મસ્ત ફ્કીરી
તો દિલ ઇશ્વરનું દેરું બને છે.

“નારાજ” લઈએ જો પીડ પરાઈ
તો ઉપચારો ઘરેલુ બને છે.

 વતન રુપાલ …ગુજરાતના પાટ્નગર ગાંધીનગરથી..૧૫ કિં.મી.ના અંતરે..જે મા “વરદાયિની” ના “પલ્લી” મેળાને…કારણે જ્ગ વિખ્યાત થયું છે.હું ગુજરાત પોલીસમાં છેલ્લા છ વરસથી ફરજ બજાવું છું…રસરુચીથી બિલકુલ વિપરીત વાતાવરણમાં પણ…શબ્દની સરવાણી અવિરત આપ સરખા…મિત્રોને સહકારે નીતરતી રહી છે….જે મા શારદાની ક્રુપા વિના શક્ય નથી…હું નારાજ ઉપનામથી ગઝલ..લખું છુ…ગુજરાતી ગઝલનું બ્લોગ જ્ગત જોયું ..મને મારો સ્વરચીત ગઝલનો …અંગત બ્લોગ http://naraj.wordpress.com બનાવવાની સ્ફુરણા થઇ…જે કોમ્પ્યુટરની ઓછી જાણકારી હોવા છતાં મેં માત્ર કોશીશ કરી.. છે.. આપનો સહકાર મળતો રહેશે. એજ આશા. મારી ગઝલ વિશે ટીકાને આવકારું છું…જે જરુરી પણ છે…મને વધારે શીખવા માટે…તો તૈયાર છો ને મને સહકાર આપવા….જ્ય ગરવી ગુજરાત…….http://naraj.wordpress.com બાબુ ઉફેઁ બીમલ દેસાઈ 

શ્રાવણ નીતર્યો - બાલમુકુન્દ દવે (Baalmukund Dave)

શ્રાવણ નીતર્યો

      

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી,
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.

આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે  ધોયા  ડુંગરા  કોઈ  ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

       

બાલમુકુન્દ દવે

જીવનકાળ: માર્ચ 7, 1916- ફેબ્રુઆરી 28, 1993          

ચાંદની રાત ને કેસરિયા તારા -અરદેશર ખબરદાર (Aradeshar Khabardaar)

ચાંદની રાત ને કેસરિયા તારા

        

ચાંદની રાત ને કેસરિયા તારલા,

રાસે રમવા આવજો જી રે !

સરખી સમાણી સૌ સહિયર સાહેલીઓ

સાથે તેડી લાવજો જી રે !

           

આણી મેર ગંગા ને પેલી મેર જમના,

વચ્ચે વૃંદાવન ચોક છે જી રે;

ગોકુળ ને મથુરા ને વ્રજ ને વૈકુંઠ,

આવ્યાં ચૌદે લોક છે જી રે.

        

પગલે-પગલે ઝબૂકજો વીજળી,

ફૂલડાં ફૂટજો હાથમાં જી રે;

રાસે રમતાં ને ઘૂમરી ઘૂમતાં

તાળી પૂરજો સાથમાં જી રે !

        

નંદનવનથી મોંઘી છે ગુર્જરી

ગરબા ગરબી રાસથી જી રે;

ગુર્જરી કુંજ છે દેવોને દોહ્યલી

ગુર્જરી રાસના ઉલ્લાસથી જી રે !

         

સારા સંસારના તાપથી તારવા

સૂરના ફૂવારા ઉડાડજો જી રે;

કંઠે કલ્લોલતાં, હૈયાં હીંચોળતાં,

રસની પરબ કંઈ માંડજો જી રે !

         

આભે લખ્યા કંઈ અક્ષર ઉકેલતાં

હાથમાં આવ્યા તારલા જી રે:

રસની રસીલી સૌ સજનીઓ ! આવજો,

કંઠે ઝુલાવજો એ હારલા જી રે !

          

ચાંદની રાત ને કેસરિયા તારલા;

રૂમઝૂમ રૂમઝૂમ ખેલજો જી રે :

ઉરને આંગણ ધમકે ધમકતાં

અદલ આનંદે રેલજો જી રે !

       

અરદેશર ખબરદાર

જીવનકાળ: નવેમ્બર 6, 1881- જુલાઈ 3, 1954  

  

અવગતની એંધાણી

અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
કે ચાતક પીએ એંઠું પાણી.

રાજના રાજ એવા મેઘરાજાને ઘર
એની પરબ મંડાણી;
સોનેરી દોરથી ને હેમલા હેલથી
રૂપેરી ધાર રેલાણી:
હે સંતો, તો ય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એંઠું પાણી.

માનસર છોડીને આવ્યો હું હંસલો
માછલીએ મન આણી !
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
આગિયે આંખ ખેંચાણી !
હે સંતો, આતમજ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એંઠું પાણી.

કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા,
સંતની નિષ્ફળ વાણી;
દાસીય નો’તી મનમોલમાં એ થઇ
માયા આજ મહારાણી !
હે સંતો, આવે પ્રલય લો જાણી,
કે ચાતક પીએ એંઠું પાણી.

- સરોદ ( મનુભાઇ ત્રિવેદી )  :   કવિ પરિચય

સંબંધ -જગદીશ જોશી, Jagdish Joshi

મને તો લાગી’તી
વિશાળીશી પૃથ્વી જલધિભર આ કુંભ સરખી !
ખીલેલાં પદ્મોની પગથી પર શી ચન્દ્ર સુરભિ.

ત્યહીં વેગે વાયા શિશિર–વરણા વાયુ, હમણાં
ખરેલાં પર્ણોમાં વ્યરથ ભટકે મુગ્ધ હરણાં
તિરાડે પૃથ્વીની સ્વપન સમ એ ક્લાન્ત રઝળે;
હવે તો મારો આ સૂરજ શમતો ર્ હે મૃગજળે.

પલાણે અશ્વોને પવન ત્યમ સંબંધ સરતો…

ધસી આવેલાં હ્યાં સમદર તણાં જે જલ, હવે
કિનારે રેતીમાં અરવ થઇ રેખા, તગતગે.
વ્રણોમાં વ્યાપેલું, સ્મરણ-રણ આખુંય સળગે.

- અને ફૂલો, વૃક્ષો, 000000 તે શુ હવે
રહ્યાં જૂના કેલેન્ડર સમ દીવાલે લટકતાં.

- જગદીશ જોશી

યુવાનીમાં જે સંબંધ સ્વર્ગીય લાગતો હોય, જીવનની એક સોહામણી છબી ચીતરી હોય;   તે કાળક્રમે કેવું શુષ્ક સ્વરૂપ ધારણ કરે છે તેનું આ શબ્દ ચિત્ર કવિતાને વાસ્તવિકતાના સ્તરે ખેંચી જાય છે.

સમુદ્રને- જેઠાલાલ ત્રિવેદી

વસંત તિલકા ?  

દીધેલ ત્હેં અમિ પિધૂં મળિ દેવલોકે,
ને દ્વાર આ અમ તણાં હજિ મૃત્યુ ઠોકે;
દીધો મનોહર મહા વળિ ચન્દ્રમા તે
આવે ન કામ અમને કદિ કૃષ્ણ-રાતે.

મોહાવતી મન ત્રિભૂવનનાં રુપાળી,
સૌંદર્યમાં કમલ- સત્વ સમી સુંવાળી
દીધેલ લક્ષ્મિ તુજ કો જન વિષ્ણુ જેવા
લેઇ જતા, અવરને મળતી ન જોવા.

ના રત્ન કો તુજ તણાં અમ રંકભોગ્ય,
તૂં ગર્વથી ઉછળતો દિસતૂં અયોગ્ય :
ત્યારે કહૂં ક્યમ ત્હને દીન -હીન વંદે?
ખારાશ જે હૃદયની ગમતી ત્હને ના,

જેને કલંક ‘કડવું’ દધિ! તું ગણે છે.      ( ‘ઉ’ અધ્યાહાર છે -  છંદ જાળવવા )
‘મીઠું’ બની અમ જગ રસે તે ભરે છે.

- જેઠાલાલ ત્રિવેદી     :   કવિ પરિચય

           સમુદ્ર મંથનની પૌરાણિક કથાના જૂના પરિપ્રેક્ષ્યમાં ગઇ પેઢીના આ કવિએ એક સાવ નવો જ વિચાર આપણી સમક્ષ મૂક્યો છે.
            મીઠા જેવી ક્ષુલ્લક ચીજને અહીં કેન્દ્રસ્થાને મૂકી કવિએ ‘ Small is beautiful. ‘ એ વિધાનને પ્રમાણિત કર્યું છે.