શ્હેરની ઘડીઓ ગણતાં - હસમુખ પાઠક

કેવું પરોઢ ઊઘડે ( શિશુનું બગાસું! )
આ શ્હેરનું; લથડિયાં ભરતા જતા સૌ
(શું રાતપાળી કરતા મજદૂર?) તારા;
ને સૂર્ય લાલ તીરછી નજરે નિહાળે
હોટેલ લાઇટ્સ હજીયે ભભકી રહેલી.

કેવી બપોર ( ઘરડી પણ વાંઝણી સ્ત્રી)
ચીસો વડે સમૂહને સળગાવી દેતી;
ચારે દિશા તરફથી પવનોય શુષ્ક
બેડોળ વ્યંઢળ તણા હિહિકાર દેતા.

ને સાંજ ( લિપ્સ્ટિક વડે શણગારી ઓષ્ઠ)
ચૂમી રહી સડકને, ગલીકૂંચીઓને;
જાઝી મ્યુઝિક પર સૌ મર્ક્યુરી લેમ્પ્સ
નાચી રહ્યા, ગટરમાં ઠલવાય તેજ.

આ રાત્રિમાં ભમી રહેલ અનાથ સ્વપ્નો
(ભૂલાં પડ્યાં શિશુ) ઘડી, રડી, જંપી જાતાં.

- હસમુખ પાઠક

કવિતામાં કૌંસનો ઉપયોગ આ કવિની વિશિષ્ઠતા છે ! જાણે કવિતાનો પાઠ કરતાં કરતાં આપણને ખાનગીમાં બીજી કોઇ આનુષંગિક વાત ન કરતા હોય! આ શૈલી, અને પ્રચલિત અંગ્રેજી શબ્દોનો છૂટથી ઉપયોગ કરીને શહેરની નિર્જીવ જેવી સૃષ્ટિનું વર્ણન, અને પ્રણાલિકાગત વસંતતિલકા છંદ આપણા મન પર એક અજાયબ છાપ પાડી જાય છે.

ગઝલ - ભૂમિ એસ. ભટ્ટ (Bhumi S. Bhatt)

નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.
   
આંખો જો હોય કોઈની દર્પણ સમી,
અંતરના બધાં ભેદ કળાય છે.
     
અંશ મળે જો આ નયનમાં પ્રેમ તણો,
કંઈક સરિતાના વ્હેણ રચાય છે.
     
જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે.
      
પામી જો એ સરિતા પંથ સાગર ભણી,
જોજો તો ખરા કેવી મલકાય છે.

Published in: on April 28, 2007 at 12:19 pm Comments (1)

એક ક્ષણિકા - ચિનુ મોદી

કરે છે કેમ સેતુ બાંધવાના યત્ન અંધારે?
દીવાલોની નદીમાં પૂર ક્યાંથી આવવાનાં છે?

તરસની હદ વટાવી ચાલો સવારે આંખ ખુલ્લામાં
કહો, આ ઓસનાં બેચાર બુંદો પી જવાનાં છે?

ભરેલા શ્વાસનું ધુમ્મસ મને ઘેરી શકે છે ક્યાં?
વીંઝાઇ અટકી અટકી જાય એ પથ્થર હવાનાં છે?

દદડતી રેતીમાં ડૂબી જવાની વાત ભૂલી જા
હલેસાં શોધનારાં વ્હાણ પાછાં આવવાનાં છે?

- ચિનુ મોદી ( ઇર્શાદ)

કવિ પરિચય

ગઝ્લના મૂળ સ્વરૂપને હાની ન પહોંચે છતાં નવા પ્રયોગો કરવામાં સતત પ્રયત્નશીલ આ કવિની આ ‘ ક્ષણિકા પ્રકાર ’ ની રચના છે.  

એક મુક્તક - મરીઝ

પરિશ્રમ, જાગરણ -  સાહિત્યના કાનૂન માંગે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, જીગરનું ખૂન માંગે છે.
નથી સાહિત્યને સ્પર્શી શકાતું, અલ્પ માનવથી,
કદી આકાશ ભીંજાતું નથી, વાદળના પાણીથી.
- મરીઝ

Published in: on April 24, 2007 at 1:00 am Comments (1)

ખરાં છો તમે - કૈલાસ પંડિત

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે. 

- કૈલાસ પંડિત

     રીસામણાં અને મનામણાંની સામાન્ય વાત કહેતી હળવી શૈલીની આ ગઝલ, કવિની ગંભીર ગઝલોમાં જુદી જ ભાત પાડી જાય છે.  પણ પ્રિયાની જગ્યાએ પરમ તત્વને આ સંબોધન છે એવો અર્થ કાઢવા બેસીએ તો પણ આપણે બહુ ખોટા ન પડીએ !

     શ્રી. પંકજ ઉધાસે ગાયેલી બહુ ઓછી ગુજરાતી બંદીશોમાંની આ એક મજાની રચના સાંભળતાં ઝૂમી ઊઠીએ તેવી છે.

નોરીશ નામે હોલ

Go to fullsize image 

ગત સોમવારે એટલે કે એપ્રિલની સોળમી તારીખે વર્જિનિયા ટૅક યુનિવર્સિટીના કેમ્પસમાં ત્યાંના જ વિદ્યાર્થીએ પેનને બદલે પિસ્તોલ પકડીને આચરેલી નિર્દયી ઘાતકી ઘટનાથી વિદ્યાવિશ્વ જ નહીં સર્વત્ર જે શોકનો ભાર ને ગમગીનીનું વાતાવરણ વર્તાતું હતું એ હજુયે વ્યથાથી ભરેલું છે ને વિસરવાનું નામ નથી લેતું. શું આના માટે આજનું સ્વાતંત્ર્યના નામે મેળવાતું સ્વાર્થીલું શિક્ષણ કે ટીવી- વીડિયોના વિષમય વાતાવરણથી વિસ્તરેલું ‘ગન કલ્ચર’ જવાબદાર નથી? ચાલો મા સરસ્વતી પાસેથી જ આનો ઉત્તર માગીએ.
સર્વે મૃતાત્માઓને શાંતિ મળે ને એમના પરિવારજનો તેમજ આ ઘટનાથી વ્યથિત ને પીડિત સહુકોઈને આ દુ:ખ જીરવવાનું બળ મળે એ માટે ‘કવિલોક’ની અંતરતમથી પ્રાર્થના.

નોરીશ નામે હોલ        

વર્જિનિયા ટૅકના વિદ્યા મંદિરે નોરીશ નામે હોલ
સરસ્વતી તારા શિષ્યે પેન તજી પકડી પિસ્તોલ
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ

મેલી મુરાદો ડગલે પગલે એ પાગલે પણ ખોલી
ઉપરીનાં ઉપલક પગલાં કે ધમકી જાણી પોલી?
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ

ડહાપણ દાઢ એ શિષ્યની કાઢવામાં તેં કરી દેરી
રક્ત એથી આરોગી તોડી એણે બત્રીસ બત્રીસી
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ

બાલ યુવાનને મન માનવ આજ રમકડાંને તોલ
વીડિયોગેમ શી ગમ્મતે બંદૂક છોડે કાંકરાને મોલ
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ

ટીવી રેડિયો ઈંટરનેટ પીટે ઢંઢેરો વગાડીને ઢોલ
ભુલકાં ભુલ કરશે ફરી દેખી આ સાંત્વનનો ડોળ
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ

ગુરુ ના મારી શકે ધોલ ને શિષ્યો ફોડે પિસ્તોલ
સ્વાતંત્ર્ય નામે જ્ઞાનદેવી તું શું કરે આવો તોલ?
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ

દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલીફોર્નિયા

એક ગુજલિશ ગઝલ - અદમ ટંકારવી (Adam Tankarvi)

એક પૉએટ એટલે મૂંઝાય છે
ભાષાબાઈ એઈડ્ઝથી પીડાય છે

વૅર ધ શુ પિન્ચીઝ ખબર પડતી નથી
બ્લડસ્ટ્રીમમાં પીડા જેવું થાય છે

એઈજ સિક્સટીની થઈ ગઈ એ ખરું
કિન્તુ તું સિક્સ્ટીનની દેખાય છે

હું લખું ઇંગ્લિશમાં તારું નામ ને
એમાં સ્પૅલિંગની ભૂલો થાય છે

શી વુડન્ટ લિસન ટુ ઍનિવન અદમ
આ ગઝલને ક્યાં કશું કહેવાય છે

અદમ ટંકારવીની ગુજલિશ ગઝલોમાંથી સાભાર
પ્રકાશક: આર. આર. શેઠની કપની

http://www.rrsheth.com/

..રસ્તો — ગઝલ - ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ (Bhikhubhai Chavada)

તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો

તમે ચેતાવતા રહો છો છતાં પણ ઠેશ વાગે છે
તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો

કહો આ આપણા સંબંધની ના કઈ રીતે કહેશો?
કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો

તમારી સોબતી છે એ, તમે આ ટેવ પાડી છે
નજરથી દૂર જઈને એટલે સંતાય છે રસ્તો

જતો’તો એમને ત્યાં, એ રીતે સામા મળ્યા તેઓ
પૂછીપૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો

જતું રહેવું તમારું પગ પછાડીને જતું રહેવું
અહીં હું ખાલીખમ બેઠો અને પડઘાય છે રસ્તો

પ્રતીક્ષા નહિ કરો તો પણ એ કરવાની ફરજ પડશે
જુઓ ‘નાદાન’ બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો

ભીખુભાઈ ચાવડા ‘નાદાન’
જન્મ: સપ્ટેમ્બર 7, 1934
ગઝલસંગ્રહ: રજ રજ અચરજ

ઠેસ - પ્રફુલ્લા વોરા (Prafulla Vora)

ઠેસ

અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું ડરું ?

અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈયર શું કરું ?

સૈયર મૂકી હથેળીયું પર અમથી મ્હેંદી ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાનીછપની વાત.
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ધૂધળમાળ,
કે સૈયર શું કરું ?

સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે.
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું ?

પ્રફુલ્લા વોરા
જન્મ: જાન્યુઆરી 6, 1951

સીમાડા - હરિશ્ચન્દ્ર ભટ્ટ (Harishchandra Bhatt)

સીમાડા

હૈયાના બારણાની ભોગળો ભેદવી,
ઉંબર સીમાડો ઓળંગવો જી.
અજવાળી રાતડીએ શેરીઓ છોડીને
ચોક ને ચૌટામાં ભમવું જી.
વહેલે પરોઢિયે કૂકડો બોલાવે
ગામના સીમાડા એ છોડવા જી.
કપાસકાલાંનાં ખેતરો ખૂંદતાં
ઊંડાં તે વનમાં ચાલવું જી.
વનના સીમાડા એ છોડવા છે મારે
રણની વાટડીએ દાઝવું જી.
રણની તે રેતીમાં ભૂલા પડીને
સાગરને સીમાડે પહોંચવું જી.
સાતે સાગરને ખૂંદી વળીને
ધ્રુવનું નિશાન મારે ધરવું જી.
ધરણી સીમાડા એ છોડવા છે મારે
ઊંચા ગગનમાં જાવું જી.
પહેલો સીમાડો આ હૈયાનો છોડવે
એને આપું ભવોભવની પ્રીતડી જી.

હરિશ્ચન્દ્ર ભટ્ટ
જીવનકાળ: ડિસેમ્બર 6, 1906- મે 18, 1950