ખરાં છો તમે - કૈલાસ પંડિત

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે. 

- કૈલાસ પંડિત

     રીસામણાં અને મનામણાંની સામાન્ય વાત કહેતી હળવી શૈલીની આ ગઝલ, કવિની ગંભીર ગઝલોમાં જુદી જ ભાત પાડી જાય છે.  પણ પ્રિયાની જગ્યાએ પરમ તત્વને આ સંબોધન છે એવો અર્થ કાઢવા બેસીએ તો પણ આપણે બહુ ખોટા ન પડીએ !

     શ્રી. પંકજ ઉધાસે ગાયેલી બહુ ઓછી ગુજરાતી બંદીશોમાંની આ એક મજાની રચના સાંભળતાં ઝૂમી ઊઠીએ તેવી છે.

Published in: on April 23, 2007 at 10:09 am

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/04/23/khara_chho_kailas_pandit/trackback/

RSS feed for comments on this post.

9 Comments Leave a comment.

  1. On April 23, 2007 at 10:40 pm વિવેક Said:

    ટૂંકી બહેરની સુંદર ગઝલ… બીજા શેરમાં કાફિયો તૂટે છે. મારા માનવા પ્રમાણે એ શેર આ પ્રમાણે હોવો જોઈએ:

    ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
    અમસ્તા મુંઝાવું, ખરાં છો તમે.

  2. On April 24, 2007 at 9:51 am Vinay Khatri Said:

    વિવેકભાઈ, તમે ખરા છો!

  3. On April 24, 2007 at 8:59 pm Rajiv Said:

    સુંદર રચના, વિવેકભાઈનુ સુચન બરાબર છે

  4. On April 24, 2007 at 9:25 pm કુણાલ Said:

    હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
    નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

    વાહ… ખુબ સુંદર…

  5. On April 26, 2007 at 5:32 am વિવેક Said:

    સુખનવર શ્રેણીની ચિનુ મોદી અને કૈલાસ પંડિત સંપાદિત પુસ્તિકા - “સુખનવર: કૈલાસ પંડિત”ના પૃષ્ઠ 22 પર આ ગઝલનો શેર મારી શંકાને ખરી ગણાવે છે :

    ન પૂછો કશું યે, ન બોલો કશું,
    અમસ્તા મુંઝાવું, ખરાં છો તમે.
    (અહીં કાફિયો તો આ મુજબ છે જ પણ ઊલા મિસરામાં -પહેલી કડીમાં- વાક્યાંતે જે “યે” શબ્દ પોસ્ટમાં વાપર્યો છે, તે પણ વધારાનો છે).

    એ જ પ્રમાણે -

    ન આવો છો મળવા, ન ઘરમાં રહો, (આ “છો” પણ વધારાનો છે!)
    અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

    અને ગઝલમાં બીજા નંબરનો શેર જે સમૂળગો જ રહી ગયો છે તે આ છે:

    હજી આવી બેઠાં ને ઊભાં થયાં !

    અમારાથી આવું ? ખરાં છો તમે.

  6. On April 26, 2007 at 5:36 am વિવેક Said:

    આખી ગઝલ પ્રશ્નાર્થચિહ્નો અને ઉદગાર ચિહ્નો સાથે આ પ્રમાણે છે:

    ઘડીમાં રીસાવું ? ખરાં છો તમે !
    ઘડીમાં મનાવું ! ખરાં છો તમે.

    હજી આવી બેઠાં ને ઊભાં થયાં !
    અમારાથી આવું ? ખરાં છો તમે.

    ન પૂછો કશું યે, ન બોલો કશું !
    અમસ્તા મુંઝાવું ! ખરાં છો તમે.

    ન આવો છો મળવા ન ઘરમાં રહો,
    અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

    હતી ભાગ્યરેખા, ભુંસાઈ ગઈ. (બંને દીર્ઘ ઈ છે!)
    નવી ક્યાંથી લાવું ! ખરાં છો તમે.

    - સુરેશભાઈ ! ખરા છો તમે ! (-: (-:

  7. On April 26, 2007 at 9:21 am સુરેશ જાની Said:

    અરે બાપલીયા! આ તો કેસેટ પરથી સાંભળી, તે ગમી ને લખી !
    અને આ ડોહાના કાને ય થોડા રીહાયેલા સં - પાવર હાઉસમોં 35 વરહ કામ કરવાથી !!
    પણ આટલી બધી મહેનત કરી આને મઠારી તે બદલ આભાર.

  8. On April 26, 2007 at 9:56 am Jayesh Patel Said:

    અહીં કોઇ ડોહો નથી! એક જવાન ડોસલો જરુર છે જે અમારા જેવાઓને ઘણી પ્રેરણા આપ્યા કરે છે.

    આભાર સુરેશકાકા.

    -જયેશ

  9. On April 26, 2007 at 11:15 pm વિવેક Said:

    પ્રિય સુરેશભાઈ,

    સોથી વધારે બ્લૉગ આજે અસ્તિત્વ ધરાવે છે અને મોટાભાગના ઘણી બધી ભૂલો કરતાં હોય છે પણ હું હસ્તક્ષેપ કરું છું માત્ર એ જગ્યાએ, જ્યાં હું મારો અધિકાર ગણું છું. તમારા ઉત્સાહ અને ધગશની કાયાના હું નખ બરાબર પણ નથી અને એટલે જ તમારી કૃતિમાં હું સંપૂર્ણતા વાંખું છું. તમે કદાચ એક દીવાદાંડી સમાન છો અને એટલે જ તમારો પ્રકાશ ક્ષતિરહિત હોય એવી લાગણીને હું રોકી શક્તો નથી…

Leave a Comment