ચકરાવા ચોરાશી ફરવા ને રહેવું ઠેરના ઠેર
ફાંફાં ફોગટના મારવા ને સહેવો કાળનો કેર
પળ ના પ્રભુ કાજે ને મથે કરવા ત્રણના તેર
મનવા તું શીદ કરે દેર? અંતે જવું હરિને ઘેર
લભે ભોગ ભરપૂર ને ભળે ભાવની ભેળસેળ
રસિક રસના રોગમય ને મળ થાયે ઘી કેળ
સાચવ મહા મનુજદેહ વ્યર્થ વીતી જતી વેળ
મુક્તિ માટે કર મથામણ તો પડશે તુજ મેળ
પંચેન્દ્રિયે પાપ પ્રજળે ઘટ પાંગરે વાસનાવેલ
ખોટી લક્ષ્મી દઈ ધર્માદે ખેલતો ખુદાથી ખેલ
વિત્ત વિષયે વેડફી મનડે માણતો માયા મેલ
પુણ્યપાળ ક્યારે બાંધીશ? તરવી ભવની રેલ
બ્રહ્મ થઈ પરબ્રહ્મમાં ભળવા કરવું જગત ઝેર
ધર્મ ભક્તિ સેવા કરી થવું મહારાજ માળામેર
આજ્ઞા ઉપાસના ઉર ધારી ના લેવો જનમ ફેર
પી અક્ષરઅમી ઘટ પ્રભુપ્રગટ પામો બેઠાં ઘેર
દિલીપ ર. પટેલ
IT IS A GREAT TEACHING TO SELF.
TULSIDAL THANKS TO KAVILOK AND DILIP R.PATEL.