હરિ! આવોને!- ન્હાનાલાલ કવિ

આ વસન્ત ખીલે શતપાંદડી, હરિ! આવોને!
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવોને!

આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવોને!
આવી વાંચો અમારાં સૌભાગ્ય; હવે તો હરિ! આવોને!

આ ચન્દરવો કરે ચન્દની, હરિ! આવોને!
વેર્યાં તારલિયાનાં ફૂલ; હવે તો, હરિ! આવોને!

પ્રભુ પાથરણાં દઇશ પ્રેમનાં, હરિ! આવોને!
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ! આવોને!

આ જળમાં ઊઘડે પોયણાં, હરિ! આવોને!
એવા ઊઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવોને!

આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવોને!
એવા આવો જીવનમણિ માવ! હવે તો હરિ! આવોને!

આ ચન્દની ભરી છે તલાવડી, હરિ! આવોને!
ફૂલડિયે બાંધી છે પાજ; હવે તો હરિ! આવોને!

આ આસોપાલવને છાંયડે, હરિ! આવોને!
મનમહેરામણ મહારાજ! હવે તો હરિ! આવોને!

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવોને!
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવોને!

મ્હારા કાળજ કેરી કુંજમાં, હરિ! આવોને!
મ્હારા આતમ સરોવરઘાટ; હવે તો હરિ! આવોને!

- ન્હાનાલાલ કવિ

કવિ પરિચય

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/05/28/hari_avone_nanalal/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. [...] “આ વસન્ત ખીલે શતપાંદડી, હરિ! આવોને! આ સૃષ…“ [...]

  2. સુંદર કાવ્ય… આભાર…


Leave a Comment