સ્વાસ્થ્યનું દેવું
ખાવા ખાતર જીવવું આજ કે જીવવા કાજ ખાવું કાઠું?
ભોગ લાલસા લોભ લભવા શહેર ભણી ગામડું નાઠું
કીધું સ્વાસ્થ્યનું દેવું સંપત્તિ કેરું સપનું કરવા સાકાર
સુખ નામે એ તો દુ:ખની કમાણી- ગણિત કેવું કાચું!
હોજરી રિક્ત હો જરી કે આચરકૂચર ભર્યું જે કૈં ભાયું
ટીવી નેટ વીડીયોગેમ શું સોફા માંહે જ મેદાન માયું
પેટ ગાગરડી પગ સુકલકડી છતાં જડી ના જડીબુટ્ટી
એશઆરામ માયા મેદ ભરી મનુજતન મલિન થાયું
અંતરનાડી અશ્વવેગથી ભાગી ચુકવવા ભોગનું ભાડું
મેદવૃધ્ધિથી દેહ ન હાલે કે લાકડી પકડે હાથનું કાંડુ
લહુ નાડીમાં મધુપ્રમેહે કરી કેદ જીવતર કેરી મિઠાશ
સમય દોડે ગાડી સંગે પણ જીવન તો રગશિયું ગાડું
દારૂ તમાકુ શીઘ્ર આહારે તબિયત તણું લિલામ થાવું
મુક્ત મિજાજી મનને જ જાણે સ્વાદુ જીભલડીનું ખાવું
આરામ કરે હરામ પથારીમાં પાથરેલ ચિંતાની ચિતા
તંદુરસ્તી કાજે તનતંબુરનું કાં ન પરસેવા પાડી ગાવું?
ખાણીપીણી રહનસહને દિલસંદૂકનું બંદૂકમાં પલટાવું
ગરથનું ગાંઠ થૈ દિલદર્દ લકવા દૈ દેહને ખાવા ધાવું
શાકાહાર શ્રમ તજ્યાં વળી ન વાપર્યું તબીબીવિજ્ઞાન
લખ ચોરાશી ચગડોળે જીવનું જલ્દી ફેરાં ફરવા જાવું
દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા
સરસ રચના