હરીરસનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા

હરીવર ઉતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.

ફુંક હરીએ હળવી મારી, ગાયબ ખળભળ લુ,
શ્વાસ હરીના પ્રસર્યા, માટી સ્વયં બની ખુશબુ ,
ખોંખારો હરીએ ખાધો ને વાદળ ગરજ્યા ઘોર;
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહુક્યા મનભર મોર.

ત્રીભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર;
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.

વાદળમાં ઘોળાયો હરીનો રંગ સભર ઘનશ્યામ;
હરી-પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ.
પ્રેમઅમલરસ હરીને હૈયે, તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે શબ્દે નભ ને નેણથી વહેતાં આંસુ.

મેઘધનુષમાં મોરપીચ્છના સર્વ રંગ સાકાર;
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.

- ભગવતીકુમાર શર્મા 

કવી પરીચય

           આ ગીત અત્યંત સુંદર સ્વર-રચનામાં સુરતના નયના ભટ્ટ અને હરીશ ઉમરાવના મધુર કંઠે ગવાયેલું છે. આ સ્તુતી-ગીત સાંભળીએ ત્યારે પ્રતીતી થાય છે કે, આવા શબ્દો પરાવાણીમાંથી જ નીપજે. આવી સ્તુતી હૃદયના પુર્ણ ભાવથી ગવાય તો જ તેને પ્રાર્થના કહેવાય. આ ગીત ગવાતું સાંભળી વેદકાળના બહુ પુજ્ય દેવ – વરૂણનું આવાહન થતું આપણે અનુભવી શકીએ છીએ.
          અંતરની વાણીને ઉજાગર કરતા શબ્દો, ગરજતા અને વરસતા મેઘને અનુરુપ સંગીત અને તેવા જ મીજાજથી સભર, ઝમકદાર સ્વર આ ગીતને     ગુજરાતી સુગમ સંગીતનું એક અમુલ્ય નજરાણું બનાવી દે છે.

——————————

         આદરણીય શ્રી. ભગવતીભાઇનો તેમની રચનાઓ ઉંઝા જોડણીમાં નેટ ઉપર પ્રસીધ્ધ કરવા માટે અમે આભાર માનીએ છીએ.

2 Comments

  1. AFTER READING YOUR POEM,
    I FELT THAT “HARIVAR TUZANE HARI GAYO…”

  2. સુરેશભાઈ,

    હરીવર ‘આપ’ને વર્ષારુપે ફળ્યા ? આશા રાખીએ એની કૃપા આપણી ક્ષુલ્લકતાઓને ધોધમાર વર્ષાજલથી ધોઈ નાખે.

    તમને ભગવતી’પ્રસાદ’ પણ પ્રાપ્ત થઈ ગયાની ખુશાલી-વધાઈ ! હજી થોડી રાહ જુઓ બીજા અનેકો આવી જ રીતે તમારી મહેનતને અને નીષ્ઠાને સરાહવા તૈયાર છે.


Comments are closed.