જૂનું પિયેર ઘર – બળવંતરાય ક. ઠાકોર ( Balvantrai Thakor)

જૂનું પિયેર ઘર
(છંદ: મંદાક્રાંતા)

બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂં કંઠ જૂના,
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂના:
ભાંડૂ ન્હાનાં; શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ
જ્યાંત્યાં આવી વય બદલિ સંતાય જાણે પરીઓ.
તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાધિ લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી:
ચૉરીથી આ દિવસ સુધિમાં એવિ જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!

બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતી, નાથ મ્હારા, ત્ હમારી.

બળવંતરાય ક. ઠાકોર
જીવનકાળ: ઓક્ટોબર 23, 1869 – જાન્યુઆરી 2, 1952

Published in: on July 30, 2007 at 8:42 pm Comments (1)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/07/30/%e0%aa%9c%e0%ab%82%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%aa%bf%e0%aa%af%e0%ab%87%e0%aa%b0-%e0%aa%98%e0%aa%b0-%e0%aa%ac%e0%aa%b3%e0%aa%b5%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0%e0%aa%be%e0%aa%af-%e0%aa%95/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. કાવ્યના છંદને અનુરૂપ ઉચ્ચાર સૌષ્ઠવનું મહાત્મ્ય પ્રગટ કરતું બ.ક.ઠા. નું સુંદર સોનેટ.


Leave a Comment