બંદર છો દૂર છે! -સુંદરજી બેટાઈ (Sundarji Betai)

બંદર છો દૂર છે!

અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!

બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયે મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે!

આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને છડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
બંદર છો દૂર છે!

અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!

બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!

સુંદરજી બેટાઈ
જીવનકાળ: ઓગષ્ટ 10, 1905 થી જાન્યુઆરી 16, 1989

Published in: on September 11, 2007 at 3:50 pm

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/09/11/%e0%aa%ac%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0-%e0%aa%9b%e0%ab%8b-%e0%aa%a6%e0%ab%82%e0%aa%b0-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%b8%e0%ab%81%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%aa%9c%e0%ab%80-%e0%aa%ac%e0%ab%87%e0%aa%9f/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment