ગર્વ હું કરતો નથી, એ વાતે હું મગરૂર છું;
જાણતો ના હું જ મુજને, એટલો મશહૂર છું.
તારી પાસે પ્ હોંચવાની વાત કોરાણે પડી,
હું જ મારાથી હજી તો કેટલોયે દૂર છું!
આંખડીનાં તેજ મારાં સાવ છીનવાઈ ગયાં,
અંધ થઈને આથડું છું તોય તારું નૂર છું.
કાં તો હું તારી દઈશ, ને કાં તો હું તાણી જઈશ,
દર્દનો દરિયો છું ને હું પ્રીત કેરું પૂર છું.
સાંભળી તું ના શકે તો વાંક છે તુજ કાનનો,
બંધ હોઠે રાતદિન ગુંજી રહેલો સૂર છું.
હું જ સૂફી-સંત છું, જલ્લાદ કાતિલ હું જ છું,
જેટલો હું છું દયાળુ, એટલો હું ક્રૂર છું.
હાથ મુજ લોખંડી કિસ્મત, આખરે હેઠા પડ્યા,
જેટલો મજબૂત છું હું એટલો મજબૂર છું.
‘કિસ્મત’ કુરેશી ( ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી)
જીવનકાળ: મે 20, 1921- જાન્યુઆરી 8, 1995
ખૂબ સુંદર ગઝલ.
એમની જ બીજી અનન્ય ગઝલ જુઓ
-
http://layastaro.com/?p=2191