હરિ ભજી લેવાં
જગ જંજાળ બધી પરહરી હરિ ભજી લેવાં
ભૂલભૂલામણી ભવની ભુલાવે ભાન ભગવાન
ભગવાધારી ભોમિયો કરી હરિ ભજી લેવાં
વિષય વાસના વિષ કરી હરિ ભજી લેવાં
નશાભરી નિશામયી માયાની મનમાં મનવાર
ચમકાવી ચૈતન્યમાં ચાંદ હરિ ભજી લેવાં
કુટુમ્બ કબીલા ખોટા કરી હરિ ભજી લેવાં
કોટિ કલ્પથી સંકૃત થયેલી વર્ણોની વણઝાર
અમીરસે આતમ ઉધ્ધારી હરિ ભજી લેવાં
દેહ કેરી દાદાગીરી હરી હરિ ભજી લેવાં
લાડ કોડ લોભામણાં લગાડે રોગની લંગાર
પંચ-વર્તમાન ઉર ધરી હરિ ભજી લેવાં
મારું-તારું બિમારી મારી હરિ ભજી લેવાં
ભાઈચારો બગાડી તોડાવે પૃથ્વીનો પરિવાર
મન દિલમાં મંદિર કરી હરિ ભજી લેવાં
દિલીપ પટેલ