કોલમ્બસની કલ્પેલી એ ભારત ભોમકા- દિલીપ પટેલ (Dilip Patel)

કોલમ્બસની કલ્પેલી એ  ભારત  ભોમકા

ક્રિસ્ટોફર કોલમ્બસ ભડવીર થઈને ભારતભૂમિની તલાશમાં નીકળીને શું ભુલથી જ કે પછી સમૃધ્ધિથી લલચાઈને અમેરિકાને તીર આવ્યો?  ભારતની ભોમકાને શોધવાના એ સાગરખેડુના સોનલ શમણાં જ્યારે સાકાર નથી થયા ત્યારે ભારતથી આવતા ને આવીને અમેરિકામાં વસવાટી થયેલા ભારતીયજનો  જ અહીં સનાતની સંસ્કૃતિ સેવીને, સદાચારી સંસ્કાર સજીને તેમજ અમેરિકાની અનુકરણીય નીતિ-રીતિને અપનાવીને  ભારત ભોમને અમેરિકાલોકમાં ઉતારી શકે તો કેવું ! આ રીતે જ કોલમ્બસને એની યાદગીરીમાં ઉજવાતા કોલમ્બસ ડે (ઓક્ટોબરનો બીજો સોમવાર)ના દિવસે ભવ્ય અંજલિ આપી શકાશે.  આજના અહીં આવતા ને વસતા બધા ભારતીય અમેરિકન કોલમ્બસ દ્વારા કોલમ્બસની એ કલ્પનાને કંડારવા મથતું, સાગરખેડુના શમણાંને સાકાર કરવા મથતું દિલ  આમ ગૂંજે છે…          

કોલમ્બસની કલ્પેલી એ  ભારત ભોમકા
ચાલો રે ઉતારીએ આજ યુએસ લોકમાં

આવ્યો કોલમ્બસ યુએસને તીર વહાણવટીની ભણી લકીર
સ્થિર થયો શું સંસ્કૃતિ સમીર  કે ચુંબક સમૃધ્ધિ કેરું સલિલ
ભુલથી જ શું ભુલીને દિશ  યુએસ લાંગર્યો કોલમ્બસ વીર?
કોલમ્બસની કલ્પેલી…

ભુલથી જ ન ભુલી ભારત-નીર  યુએસ લાંગર્યો  એ વીર !
હાલો રે ભેરુ હિન્દ કેરું જે હીર બસ ઉતારીએ યુએસ તીર
ગ્લોબલ ગામ સાગર ગીર વસુધા કુટુમ્બે એક જ હો પીર
કોલમ્બસની કલ્પેલી…

થાન ભુલનારો એ ભડવીર લાંગરી યુએસ ન થયો અમીર
સદાચારે થઈ સંકૃત ખુલ્લેદિલ છેડીએ સત્ સંસ્કાર સમીર
દઈ સંસ્કૃતિ સનાતની સ્થિર ખુદ ખીલવીએ ખુશી ખમીર
કોલમ્બસની કલ્પેલી…

ભોગ વાસના વિવેકે સેવી   યોગ સાધના  આતમને દેવી
કુટુમ્બભાવના છે રક્તે વણી સ્મરીએ એ સદા ભણી-ગણી
ગાંધી શા ગુણલા દેહમાં દળી મરીએ રે દેશદાઝથી બળી
કોલમ્બસની કલ્પેલી…

યુએસના અજોડ ઉત્તમ કાયદા સ્નેહે સેવી લભીએ ફાયદા
હિન્દના પારસી જ્યમ ભળી ના રહીએ પરદેશે અલાયદા
સમય પાલન અભિવાદન  આભાર વદી  પાળીએ વાયદા
કોલમ્બસની કલ્પેલી…

ગ્રહી અમેરિકી આયોજન રીત ગુણીએ મહીં પૂર્વનું ગણિત
સંગ સ્વચ્છ પર્યાવરણ સંગીત ગુંજીએ રે ગીત વેદ વદિત
દયા દુઆ સ્નેહ સેવા સલિલે જીવતરે સિંચીએ સત્ સરિત
કોલમ્બસની કલ્પેલી…

કોલમ્બસે કલ્પેલો પેલો દેશ ચાલો કંડારીએ વસી યુએસ
તજી ભાષા ભજન ભોજન વેશ નીતિ-નેમને ન દૈએ ઠેસ
સાગરખેડુનો સોનલ ઉન્મેષ   સંસ્કૃતિ સેવી પૂરીએ ઉદ્દેશ
કોલમ્બસની કલ્પેલી…

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/10/19/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%b8-%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%aa%e0%aa%bf%e0%aa%a4/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment