પરમને પંડમાં ચાખ
આતમ આરસીમહીં નીરખ મનવા તું ખોલીને અંતર આંખ
નહીં કોઈ દીસે તહીં તવંગર કે નહીં કોઈ મહારાજા કે રાંક
ભેદભાવ તો ભ્રમણામાં આવ્યા સાથ લાવ્યા કબર ને કાંધ
અહીં ના મારું-તારું ન જાત નૂર ભરપુર થશે દ્રષ્ટિની ઝાંખ
રંગ રૂપ બાળ વૃધ્ધ યુવાન જાન જાતાં રળશે રજ ને રાખ
જગતની પેલી પાર જવાશે ધારીશ જો પ્રેમ રહેમની પાંખ
જનમાનસ્ તો સમ સર્જાયા ભેદમાં છે જોગ સંજોગનો વાંક
જગ સંસાર જનમાં બસ સમાયા તેજ ધરા વારિ વા આભ
ઘટ કટોરી રંગી છોને લાલ બહારે તો ઢોળજે અમી ગુલાલ
રણદ્વીપમાંય એતો ગુલાબ ખીલવશે વળી રેત બનશે કાંપ
મોહ મમત માયા જો મરશે ખુદગરજી ખરશે થઈને ખાખ
બ્રહ્મમય ‘દિલ’ રોમ રોમ બનશે પ્રીત્યે પરમને પંડમાં ચાખ
દિલીપ પટેલ