મારા રે હૈયાને તેનું પારખું
ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટિર ?
કઈ રે ઋતુના આભે વાયરા, કઈ મેં ઝાલી છે દિશ ?
નહીં રે અંતર મારું જાણતું.
કેવાં રે વટાવ્યાં વન મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ ?
કેમ રે વટાવી, ઊભી માર્ગમાં, અંધારાની એ આડ ?
નહીં રે અંતર મારું જાણતું.
વગડે ઊભી છે નાની ઝૂંપડી, ઘર ઘર થાયે છે દીપ;
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત :
મારા રે હૈયાને તેનું પારખું.
પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.
ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર ;
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર !
મારા રે હૈયાને તેનું પારખું.
પ્રહ્ લાદ પારેખ
મારા રે હૈયાને તેનું પારખું - પ્રહ્ લાદ પારેખ (Prahlad Parekh)
The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/01/13/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b9%e0%ab%88%e0%aa%af%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a4%e0%ab%87%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0%e0%aa%96/trackback/
saras Kam karo chho…. kahevu pade…
Lat Hirani
saras kam karo chho… kahevu pade..
Lata Hirani