હેલે ચઢી તમારી યાદ - રમેશ પટેલ ‘આકાશદીપ’

હેલે ચઢી તમારી યાદ

સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહૂંક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે
લઈ દિલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દિવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા ,આજ હેલે ચઢી તમારી યાદ

રંગીલી રંગોળીથી શોભે આંગણિયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ

રમેશ પટેલ ‘આકાશદીપ’

કરોના, કેલિફોર્નીયા
વતન: મહીસા જિ. ખેડા
જન્મ: 16 જુન 1948
અભ્યાસ: બીઈ (ઈલેક્ટ્રીકલ)

Rameshchandra J. Patel  ‘Aakashdeep’
Native place: Mahisa Di: Kheda
Birthdate : June 16th, 1948
Education: Bachelor of Engineer (Electrical)
Current Address : 550 Bucknellway, Corona, CA

Published in: on March 31, 2008 at 2:37 pm Comments (1)

અમે - નવનીત ઠક્કર

અમે…(ગઝલ)

આવો કહ્યું ને આવતાં આવી ગયા અમે,
ટાણા વિના આવ્યાં છતાં ફાવી ગયાં અમે..

હસવું પડે એવું કશું કારણ ન’તું કને,
મલક્યા જરાક તે છતાં ભાવી ગયાં અમે..

એવા જ કંઈક વાંકની ધારી સજા મળી,
મમળાવવાની વાતને ચાવી ગયા અમે..

કોનો થયો વિજય કહો, કોનું થયું પતન!
તાકી રહ્યાં તમે અને તાવી ગયા અમે..

ફોરી ઉઠે સઘળું ગમન, પગલાં ભૂસાય છો,
એવાં એકાદ-બે બિયાં વાવી ગયા અમે..

નવનીત ઠક્કર

ગુજરાતી વેબ-જગતમાં ઠકકર ફેમિલીનો  ગુજરાતી કાવ્યોના બ્લોગની મુલાકાત લેવા  નિતનવશબ્દ… http://www.neetnavshabda.blogspot.com/  લિંક પર ક્લિક કરશો.

Published in: on March 27, 2008 at 7:59 pm Comments (0)

ગઝલ - ડૉ જગદીપ નાણાવટી

તસુએ ભાર એ હરદમ ન ખસતો
છતાં મંઝિલ સુધી લઈ જાય રસ્તો

સુરજની આંગળી આભે અડી ત્યાં
ભર્યો સંસાર આખો થાય હસતો

ભલે પડછાયો મોંઘો ભર બપોરે
સવારે ને, ઢળી સાંજે એ સસ્તો

ખબર છે દિલમાં તારા ક્યાંય છું ના
લટારો મારતો શમણે અમસ્તો

થયો છું સ્થિર મયખાને, હું ઉલટો
ઘણી વારે મસીદોમાં લપસતો

જીવન આખું જીવ્યો બાંધી કફન હું
મરણ પર જાળવી રાખ્યો શિરશ્તો

ડૉ. જગદીપ નાણાવટી

જંગ ખેલીએ - રમેશ પટેલ ‘આકાશદીપ’

જંગ ખેલીએ

આવો આવો જુવાન જંગ ખેલીએ
પ્રગતીના પાવન પંથે પુરુષાર્થ પલાણીએ

હાથધરીએ સુદર્શન ચક્ર વિગ્યાનનું
રણે રમીએ બાણ લઈ વિકાસનું

શૌર્યના શણગારે પાર્થ થઈ ઘૂમીએ
જગના જૂઠા વ્યવહાર ભ્રમણા ભાંગીએ

બાંધી કફન શીરે નવયુગને આવકારીએ
ભયના ઓથારને ભડવીર થઈ ભેદીએ

ના છીએ કાયર અધર્મીઓને પડકારીએ
સદાચારના હથીયાર સજી સંસારે ઘૂમીએ

કુસંગ ત્યાગી સત્સંગની રાહે દોડીએ
વિશ્વ કલ્યાણે સાહસના સથવારે ઝઝૂમીએ

આવો આવો જુવાન જંગ ખેલીએ
ત્યજી લાચારી નફરતને રણે રોળીએ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on March 26, 2008 at 2:53 pm Comments (1)

સૈયર, શું કરિયેં ? - અનિલા જોશી (Anila Joshi)

સૈયર, શું કરિયેં ?

કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરિયેં ?

આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરિયેં ?

ઊંઘમાં જાગે ઉજાગરો
ને સમણાંની સોગાદ
સૈયર, શું કરિયેં ?

મૂગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરિયેં ?

પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈયર, શું કરિયેં ?

પગમાં હીરનો દોર વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
સૈયર, શું કરિયેં ?

તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરિયેં ?

અનિલા જોશી
જન્મ: મે 2, 1935
બૃહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિમાંથી સાભાર

Published in: on March 24, 2008 at 3:45 pm Comments (0)

સંસારી રંગ નહી લાગે… - ડૉ જગદીપ નાણાવટી

સંસારી રંગ નહી લાગે…..

કેસુડો કરગરતો, ગદગદ ગુલાલ થાય
હરીયાળી કરતી’તી રૂદન અફાટ

આસમાની આભ અને રાતો ગુલમ્હોર
ઓલી કાળી કોયલડીઓ ટહુકે કકળાટ

પીળી ચટ્ટક એવી ખિલતી કરેણ અને
ધવલા એ હંસલાઓ કરતાં ફફડાટ

ઓણુકી હોળીએ ચડતાં નથી રે રંગ
જાત મારી રહી ગઈ છે કોરી કટ્ટાક

પ્રેમ કેરાં રંગોથી લથબથ આ કાયા રે
દુનિયાના રંગ કેરી ઉપસે ના છાંટ

હરિયાની ભક્તિનો રંગ એવો પાક્કો
હવે ઝાંખો લાગે છે સંસારી ચળકાટ

let us celebret holy like this…..

ડૉ જગદીપ નાણાવટી

Published in: on March 21, 2008 at 6:14 pm Comments (2)

કોણ કહે હું કડકો… ડૉ. જગદીપ નાણાવટી

It is said that kavi is always kadakaa……
As a kavi (!).. I narrate my wealth…I have…
Bolo sab kavi ki jay……!!!!

કોણ કહે હું કડકો…..

ચપટી ધરતી, નભ આંખોમાં, વાયુ કેરો ઝટકો
ઝાકળ નામે જળ લીધું મે અગન સરીખો તડકો
વાલમ કોણ કહે હું કડકો….

કલરવ છે કલદાર અમારા, ગિરી કંદરા મહેલો
સમજણ ને સથવારે ચાલું, પંથ નથી કંઈ સહેલો

હરિયાળી પાથરણું મારું, સહેજ ન લાગે થડકો
વાલમ કોણ કહે હું કડકો…

.લાગણીઓના તોરણ લટકે, પ્રેમ અમારા વાઘા
સૂર્ય ચંદ્ર ની સાખે જીવીયે , ભલે રહ્યા સૌ આઘા

ધક ધકતી છાતીએ અમને એક વખત તો અડકો
વાલમ કોણ કહે હું કડકો…

આંસુના તોરણ બંધાયા, ધૂપસળી મઘમઘતાં
કાંધે લેવા મને નગરજન, હુંસા તુસી કરતાં

સન્નાટો છે ગામ ગલીમાં, સૂની છે સૌ સડકો
વાલમ કોણ કહે હું કડકો…..

ડૉ. જગદીપ નાણાવટી  http://www.jkshabdasoor.blogspot.com/ 

Published in: on March 17, 2008 at 12:24 pm Comments (1)

નવા યુગનો ચેલો છું - રમેશ પટેલ ‘આકાશદીપ’

નવા યુગનો ચેલો છું

હું ભાઈ નવા યુગનો ચેલો છું
પવન પ્રમાણે શઢ ફેરવી,
લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો..

ભવ્ય આશ્રમ નજરે પડતાં
તુરત જ ડેરા ડાલું છું
ગુરુની પાસે કંઠી બંધાવી
મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા..

જેની હાકો વાગે સરકારમાં
એ નેતાને પીંછાણું છું
ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે
વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..

છપ્પન ભોગના થાળ દેખીને
દંડવતે ભગવંત શરણું શોધું છું
ભજન ધૂનો ગાઈ માઈકમાં
ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..

એડમીશન ટાણે શાળામાં જઈ
મુખ્ય શિક્ષકને વધાવું છું
ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને
લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..

મેવા માટે કરવી સેવા
એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે
પવન પ્રમાણે શઢ ફેરવી
લાભ મળે ત્યાં લોટું છું
હું ભાઈ નવા યુગનો ચેલો છું.

રમેશ પટેલ ‘આકાશદીપ’

તમે ટહુક્યાં ને.. - ભીખુ કપોડિયા (Bhikhu Kapodiya)

તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું…

ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
        આખું ગગન મારે ઝોલે ચડ્યું… તમે..

લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો’ સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉર મારું
          વાંસળીને જોડ માંડે હોડ
તરસ્યા હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું… તમે..

મોરનાં તે પીંછામાં વગડાની આંખ લઈ
            નીરખું નીરખું ન કોઈ ક્યાંય
એવી વનરાઈ હવે ફાલી
સોનલ ક્યાંય તડકાની લાય નહીં ઝાંય
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં..ય
         વન આખું રે લીલેરા બોલે મઢ્યું… તમે..

ભીખુ કપોડિયા

Published in: on March 14, 2008 at 2:38 pm Comments (0)

શબ્દ રણકે - રમેશ પટેલ ‘આકાશદીપ’

શબ્દ રણકે

શબ્દ રણકે સંગીત છલકે, શબ્દથી શોભે સકળ સંસાર
શત્રુ મિત્ર પ્રીતમ પ્યારો, વિશ્વે કરે વિજય ટંકાર

વિચાર વિહારે નીપજે શબ્દ, અવિનાશી અક્ષય ભંડાર
શબ્દ જાણે નગદ નાણું, કરે ગર્જીલો જગ વ્યવહાર

શબ્દ સ્ફૂરણા થઈ ચિરંજીવ, રમાડે ચિત્તે મહા ચૈતન્ય
શબ્દ ઉછાળે દેશ દાઝને, સમર્પી સર્વસ્વ થાય ધન્ય

શબ્દ રમાડે હોળી દિવાળી ને વહાવે પશ્ચાતાપની ધાર
પરમ પથ દર્શક પ્રેમાળ શબ્દની શક્તિ જગે અપાર

ધર્મ ધારક જીવન ઉધ્ધારક, કરે પુનીત મંજુલ ગુંજારવ
આકાશદીપ ગાયે મહીમા માણી મીઠી સંગતના પગરવ

રમેશ પટેલ ‘આકાશદીપ’