ભભૂતી- રમેશ પટેલ ‘આકાશદીપ’

મહાદેવજી અંગે ભસ્મ લગાવી અક્ષર અને ક્ષરના ભેદ બતાવે છે.ભભૂતિ નાથનો સૂક્ષ્મ સદેશ ઝીલીએ.

ભભૂતી

રાખ રાખોડી ભસ્મ ભભૂત, નિર્મળ નામશેષ મહા લીલા
તપતા તપતા સંસાર અગનમાં,પરખ્યા ભેદ ભરમ ભાવિના

રાખ તારા લાખ સવાયા, મૂલ મોંઘેરા આજ દીઠા
શિવ અંગે ભભૂત થઈ દિવ્ય સત્સંગ તમે કંઈ કીધા

માયા મૂકી રાખ જ થાતા ભૂપતિ જતિ સતી અવતારી
સંગ ના આવે સગપણ અમારા દેખી તારી ભભૂતી

યજ્ઞ વેદી સ્મશાન ઘાટ કે હોય ઘર ચૂલાની રાખોડી
સંદેશ દેતી સકળ સંસારે, પંચભૂતોની સર્જન વિલયની જોડી

વૃક્ષો બની ખનીજ ખડક ને ભળભળ ભડકે બળતા
મૂઠીભર રાખોડી બનીને પથપથ પવને ઉડતા

રૂપ રૂપૈયા મહેલ મહેલાતો ને કુદરત કરિશ્મા અનંત અનંતા
ભસ્મ રુપે વિલિન થાતા જ્યાંથી ઉદ્ ભવી વિધાતાની ગાથા

આજ રાખની જાણી મહાશાખ વિધ વિધ ઉપભોગે ભંડારી
રાખ રૂપાંતરે બની સિમેન્ટ ને નગરે નવનિર્માણની કેડી કંડારી

સૂક્ષ્મ ભેદ તત્ત્વોનાં ખોલ્યાં, રાખની શક્તિ આજ પિછાણી
રાખ નથી કંઈ અંત, નવ સર્જનની દેવી જાણી

શિવજી મહિમા

વહે ગંગની ધાર, ચમકે બીજનો ચંદ્ર જટાએ
ફણિધર દે નાગચૂડ , અંગે ભસ્મ ભભૂતિ દમકે
પિનાકીન પાશુપતિ,તાંડવ નર્તક,હળાહળનો હરનાર
ગણેશ કાર્તિકેય પુત્રસહ માત પાર્વતી શોભે તમ દરબાર
ત્રિશૂળ ધારી, ત્રિલોચન,મૃત્યુન્જય મહાદેવ તું દાતાર
નમીએ તુજને, તુજ કૃપાથી પામીએ કૈલાશ દ્વાર

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on March 8, 2008 at 2:11 pm Comments (2)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/03/08/%e0%aa%ad%e0%aa%ad%e0%ab%82%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%86%e0%aa%95%e0%aa%be%e0%aa%b6%e0%aa%a6%e0%ab%80%e0%aa%aa/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. ભભૂતિ-સુંદર વિચાર ની અતી સુંદર રજૂઆત.વિષયને ન્યાય આપવાની કલમની શક્તી
    અભિનંદનને પાત્ર.આકાશદીપની રચના ગમી.
    સ્વેતા પટેલ

  2. Well said and its depth makes poem to be of high level.
    Neil Patel


Leave a Comment