યશવંતી ગુજરાત - રમેશ પટેલ ‘આકાશદીપ’

યશવંતી ગુજરાત

ગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
રાજવી સાક્ષર સંત મહાજન, ધરે રસવંતા થાળ
જય જય યશવંતી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ

જનમ્યા ગુર્જર દેશ, સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડમે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ
વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત, તવ ચરણે મલ્યો અવતાર

રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
ગરબે ઝગમગે જીવનદીપને, જગત જનનીનો સાથ
ધરતી મારી કુબેર ભંડારી, ભરશું પ્રગતિ સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ

રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર
મૈયા નર્મદા પુનિત દર્શિની, ભરે અન્ન ભંડાર
માત મહીસાગર મહિમાવંતી, તાપી તેજ પ્રતાપ
જય જય રસવંતી ગુજરાત, ધન્ય ધન્ય ગુર્જરી માત

પાવન તીર્થ, તીર્થંકરની કરુણા, અર્પે જ્ઞાન અમાપ
અનુપમ તારી શાખ ઝગમગે, જાણે તારલિયાની ભાત
સહજાનંદ યોગેશ્વર વસે અંતરે, સુખદાતા મીરાં દાતાર
વહાલો વલ્લભ સરદાર, ગજવે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ

ભારતવર્ષે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
સપ્ત સમંદર સવારી અમારી, દરિયા દિલ વિશ્વાસી
ધન્ય ધીંગી ધરા સલૂણી, પુણ્ય પ્રતાપી રંગ
‘આકાશદીપ’ વંદે ગીરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
તારે ચરણે નમીએ માત, આશિષ માગે તારાં બાળ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on April 30, 2008 at 6:48 pm Comments (3)

એક ગઝલ - જ્યોતિર્ધર કે. ઓઝા ( Jyotirdhar K. Oza)

જઈ ચમનમાં એક’દી ચૂંટી ગઝલ
વેદનાની લઈ ખરલ ઘૂંટી ગઝલ.

ને નશો એવો થયો કે શું કહું ?
કે સુરાલયમા બધે ખૂટી ગઝલ.

રૂપની લોભામણી ગલીઓ મહીં
જે લુટાયા એમણે લુંટી ગઝલ.

કાચની બોતલ સરીખી સાચવો
જામ ગળશે જો કદી તૂટી ગઝલ

આંખ દાબી આંસુઓને રોકતાં
લો હ્ર્દયમાંથી હવે ફૂટી ગઝલ

જીવવાનુ કોઈ કારણ ક્યાં રહ્યું
શ્વાસ છૂટ્યા કેમકે છૂટી ગઝલ.

જ્યોતિર્ધર કે. ઓઝા

Published in: on at 6:47 pm Comments (1)

શ્વાસમાં વાગે શંખ - ધીરેન્દ્ર મહેતા ( Dhirendra Mehta )

શ્વાસમાં વાગે શંખ

શ્વાસમાં વાગે શંખ,
એ જી રે શ્વાસમાં વાગે શંખ…

ઘડિયા-ચોઘડિયાંની વાત નથી આ કાંઈ ઘડીએ ઘડીની છે વાત;
ફૂંકની પેર હું તો ફૂંકાતો ચાલું ને ફેલાતી ચાલે મારી જાત!
રૂંવા રૂંવામાં ઝાલર બાજે ને ગવાય રૂડા છંદ!
હો જી હો ગવાય રૂડા છંદ…
એ જી રે શ્વાસમાં વાગે શંખ!

બત્રીસે કોઠામાં ઝગમગતા દીવડાનો આઠે પહોર અજવાસ;
ચઢ ને ઊતર કરે રગમાં રુધિર એની આરતી ફરે બારે માસ!
ધજાની પેર મારા અંગ ઊડે ને કાંઈ ફરફરતો આનંદ!
હો જે હો ફરફરતો આનંદ…
એ જી રે શ્વાસમાં વાગે શંખ!

ધીરેન્દ્ર મહેતા
પવનના વેશમાં માંથી સાભાર.

Published in: on April 28, 2008 at 9:06 pm Comments (0)

સંકટ મોચન - રમેશ પટેલ ‘આકાશદીપ’

સંકટ મોચન

અંજની જાયો કેસરી નંદન, ભગવદ્ ભક્ત મહાન
બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન
જન્મ સાથે પરાક્રમ પ્રગટે, બળ બુધ્ધિ અમાપ
ચૈત્ર પૂનમે અવતરીયા, પવન પુત્ર પ્રખ્યાત

સરપાવ દીધા દેવ ગણોએ, કરવા જગ હિતકારી કામ
ગતિ સામર્થ્ય ગરુડરાજનું, અંજની સુત મહાન
ઋષ્યક પર્વતે શુભ મિલને, પુલકિત કેસરી નંદ
પૃથ્વી પટે ભાર ઉતરશે, પ્રભુ સંગ શોભે બજરંગ

વાત સુણી સીતાજી હરણની, સંચર્યા દક્ષિણ દેશ
સીતામાતાની ભાળ કાજે ધરીયું રુપ વિશેષ
વીર મારુતીની ભક્તિ શક્તિ,કંપ્યો મહેન્દ્ર ગિરિવર
વાયુવેગે આકાશે વિચરે, રામ મુદ્રા સંગ કપિવીર

છાયા પકડી લક્ષ્ય શોધતી સિંહકાને સંહારી
કર્યો પરાભવ લંકાદેવીનો, હુંકાર ભરિયો લંકા નગરી
શુરવીરોને દીધો પરિચય, હણ્યા ધુમ્રાક્ષ નિકુંભ
અક્ષયરાજને પળમાં રોળ્યો, સેના શોધે શરણ

ઈન્દ્રજિતના બ્રહ્મપાશે બંધાયા, મુક્ત થઈને કીધો પ્રતિશોધ
રાવણરાજની સભા મધ્યે, રામદુતે દીધો મહા ભોધ
પૂંછ પર લપેટી અગન જ્વાળ, કીધું લંકાનગરી દહન
સીતામાતને રામ મુદ્રા આપી પૂછ્યા ક્ષેમ કુશળ

પ્રભુ રામે સમરિયા સદાશીવ, રામેશ્વરે દીધા આશિષ
રાજ તિલકે શોભે વિભીષણ,અટલ વિશ્વાસુ છે રઘુવીર
સુગ્રીવ સેના જાણે સાગર, ભક્તિભાવે ભીંજાયે ધીર
રામ કાજ કરવા અંગદ સંગ, હનુમંત દીસે વીરોના વીર

નલ નીલ બજરંગી સેના, બાંધે સેતુ સાગરે રમતાં
પથ્થર પાણી પર તરતા, નીંદર છોડી લંકેશ ભમતા
કુંભકર્ણ માયાવી ઇન્દ્રજીત, યુધ્ધે દીશે અતિ દુષ્કર
અતિ સંહારી પ્રલય શક્તિથી,વેરે વિનાશ અવનિ અંબર

મેઘનાદ રચે માયાવી જાળ, ઘવાયા રણમધ્યે લક્ષ્મણ ભ્રાત
મૂર્છિત લક્ષ્મન શોકાતુર રામ, વિષાદના વાદળ ઘેરાયાં આજ
ઔષધી સહ ઊંચક્યો પર્વત, મૃત સંજીવનિ લાવ્યા હનુમંત
સંકટ ઘેરા પળમાં ટાળ્યા, યુધ્ધે ટંકાર કરે લક્ષ્મણ

રામ પ્રભુનો ધનુષ્ય ટંકાર, કંપે દિશાઓ અપરંપાર
સેવક ધર્મ બજાવે હનુમંત, જામ્યો સંગ્રામ કંપે સંસાર
યુધ્ધ કૌશલ્ય રામનું અમાપ,હણ્યો દશાનન કુંભકર્ણ સાથ
હનુમંત સુગ્રીવ વિજય વધાવે, ધર્મ પથ પર વરસે પુષ્પ

રામ મુખે વહી પ્રશસ્તી, પરમવીર છે પવન પુત્ર
વીર મારુતી થકી મળીયા, ભાઈ ભાર્યાને મિત્ર

રામ કથા સંસારે ગવાશે ,અમરપટ ભોગવશે હનુમંત વીર
શ્રીફળ સિંદૂર આકડાના ફૂલે, રીઝશે મહા મારુતી ધીર
સીતામાતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે તમ પાસ
અયોધ્યા મધ્યે હનુમાન ગઢીમાં, આજ પણ પ્રગટે તમારો વાસ

સ્નેહે સમરીએ સંકટ મોચન, પ્રત્યક્ષ પરચો પામે ગુણીજન
પંચાયતમાં સ્થાન તમારું, ભગવંત સંગ શોભે હનુમંત

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on April 21, 2008 at 5:48 pm Comments (2)

હઝારોં નામ વાલે - રઝિયા અકબર મિર્ઝા

હઝારોં નામ વાલે

દાતા તેરે હઝારોં હૈ નામ
કોઈ પુકારે તુજે, કહેકર રહીમ
ઓર કોઈ કહે તુજે રામ…..દાતા..

કુદરત પર હૈ તેરા બસેરા,
સારે જગ પર તેરા પહેરા,
તેરે ઈશારે હોતા સવેરા,
તેરે ઈશારે હોતી શામ…દાતા..

આંધી મેં તુ દીપ જલાયે,
પથ્થર સે પાની તું બહાયે,
બિન દેખે કો રાહ દીખાયે,
વિષ કો ભી અમૃત તૂ બનાયે,
તેરી કૃપા હો ઘનશ્યામ…. દાતા..

કુદરત કે હર સુ મેં બસા તુ,
પત્તોં મેં પોંધોં મેં બસા તુ,
નદીયા ઓર પર્બત મેં બસા તુ,
દીન-દુ;ખી કે ઘર મેં બસા તુ,
ફિર ક્યોં મેં ઢુંઢું ચારોં ધામ?…દાતા..

યે ધરતી યે અંબર પ્યારે,
ચંદા સૂરજ ઓર યે તારે,
પતઝડ હો યા ચાહે બહારેં,
કુદરત કે સારે યે નઝારે,
દેખું મેં લે કે તેરા નામ…દાતા….

રઝિયા અકબર મિર્ઝા

Published in: on April 14, 2008 at 4:55 pm Comments (2)

ભારત ભોમની ચેતના રામ - રમેશ પટેલ ‘આકાશદીપ’

ભારતની ચેતના રામ છે.રામ મંદિર જન્મ સ્થાન, રામ સેતુ,રામાયણ ધારાવાહીક એ બધાયે ભેગા મળી શ્રી રામ ને હૃદયમાં રમતા રાખ્યા છે.આવો શ્રી રામજીને ભાવે ભજીએ.

ભારત ભોમની ચેતના રામ

કૌશલ્યા દશરથ નંદન રામ, પરદુઃખ ભંજક ભ્રાતૃ રામ
અભિમાનીઓના અંતજ રામ, હનુમંત બોલે જય સીતારામ

ઉઠતાં રામ સંવરતાં રામ, જનજન જીવનમાં વસતો રામ
દાતા રામ શાતા રામ, દીન દુઃખીયાંનો બેલી રામ

રાજા રામ વનવાસી રામ, ઋષીઓની શ્રધ્ધા છે રામ
શબરીનો રામ અહલ્યાનો રામ, ધર્મ ધારક પંચવટીનો રામ

ધનુષ્ય બાણે શોભે શ્રી રામ, રામ સેતુએ રામેશ્વર પૂંજે રામ
હૃદયે રાજ કરે શ્રી રામ, રામમય સંસારે રમતો રામ

ઋષી વાલ્મીકિએ જાણ્યો રામ, દૈવી પથે દોરે અયોધ્યા રામ
સુગ્રીવનો રામ જટાયુનો રામ, જીવન મંત્ર વિભીષણનો રામ

જીવન શ્રધ્ધા જીવન સત્ય, ભારત ભોમની ચતના રામ
ભલો રામ ભોળો રામ, અજર અમર પદ દાતા રામ

રમેશ પટેલ ‘આકાશદીપ’

ધુમ્મસ - રમેશ પટેલ ‘ આકાશદીપ’

ધુમ્મસ

વાલમના પડદા વિરાટ,સંતાયા ઝાડવાને જહાજ
ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ

દૃ ષ્ટિ અને દૂરબીન લાચાર, ક્યાં સંતાયા તમે રાજ?
કુદરતનું કૌતક મહાન, ધુમ્મસે ઢંકાયા પહાડ

વગડાની વાટે તું જાશે, અંધારી આલમે અટવાશે
મગરુર ધુમ્મસ છાનું હરખે, હસતી નીયતિ રે નીરખે

પૂર્વમાં પધાર્યા રે ભાણ, તાકતા તીખા રે બાણ
ભાનુના ઉભર્યા રે વહાલ, વરસાવે ઉર્જાની લ્હાણ

કિધા અલોપ રે ધુમ્મસ, દર્શન રમતા ચોપાસ
ભૂધરનો ભાળ્યો અહેસાસ, અંતરે પ્રગટ્યો ઉજાસ

સન્મુખ છે પરમેશ્વર રાય,કર્મ-ધુમ્મસના છાયા અંતરાય
રમતા રામ ના પરખાય, અંધારે આલમ અટવાય

જાજો રવિ સંતને ચરણ, ઝીલજો ગ્યાનના અવતરણ
ઝબકારે થાશે રે દશન, મળશે અવિનાશીનું શરણ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on April 7, 2008 at 7:02 pm Comments (1)

ધુમ્મસ - ડૉ. જગદીપ નાણાવટી

આંખોમાં ઉભર્યું આ ધુમ્મસ
કે નભથી વરસ્યું આ ધુમ્મસ

ઉષાનો ઉચ્છવાસ થઇને
શ્વાસોમાં સરક્યું આ ધુમ્મસ

કૂંપળ પર ઇશ્વરનું જાણે
વ્હાલ સમુ નિતર્યું આ ધુમ્મસ

સુરજની સંતાકુકડીમાં
આજ ફરી છટક્યું આ ધુમ્મસ

દિલ મેલા ચશ્મા ને કાઢી
દેખ , હવે વિખર્યું આ ધુમ્મસ

ડૉ. જગદીપ નાણાવટી

એક હઝલ - આશિત હૈદરાબાદી (Aashit Hyderabadi)

માથું ભમી ભમીને કહો કેટલું ભમે?
ડિસ્કો ગમી ગમીને કહો કેટલું ગમે?

આ તો ચુનાવનો જ ચમત્કાર માત્ર છે,
નેતા નમી નમીને કહો કેટલું નમે?

શ્રોતાઓ ‘બોર’ થઈને વગાડે છે તાળીઓ,
ભાષણ ગમી ગમીને કહો કેટલું ગમે?

ભણતરથી ભાર કેટલો પુસ્તકનો થૈ ગયો,
બાળક ખમી ખમીને કહો કેટલું ખમે?

કહેતા હતા કે વૃધ્ધ ને બાળક સમાન છે,
ઘરડાં રમી રમીને કહો કેટલું રમે?

કોન્ટ્રાક્ટથી ચણેલ મકાનો પડી ગયાં,
ચણતર નમી નમીને કહો કેટલું નમે?

આંખો ચડી ગઈ અને નાડી મળે નહીં,
‘આશિત’ જમી જમીને કહો કેટલું જમે?

આશિત હૈદરાબાદી
પરણવાની સજા દીધી
માંથી સાભાર

Published in: on April 3, 2008 at 5:41 pm Comments (0)

ઉધામા - ચંદ્રેશ ઠાકોર (Chandresh Thakor)

ઉધામા

રેતીને
જો
આસાનીથી ઓગાળી શકાય
તો સહરાનું રણ
એટલાંટિક સમુદ્રની હરીફાઈ કરી શકે
અને કદાચ જીતી પણ જાય!

પાણીની જો ઢગલી કરી શકાય
તો એટલાંટિક સમુદ્ર
હિમાલયની હરીફાઈ કરી શકે
અને કદાચ જીતી પણ જાય!

પણ, સબૂર!
અશક્ય પાછળની
એ આંધળી દોટના ઉધામા પછી શું?
એક ડહોળો દરિયો, અને
એક પાણીપોચો પર્વત?!

ચંદ્રેશ ઠાકોર
ડેટ્રોઈટ