શ્વાસમાં વાગે શંખ
શ્વાસમાં વાગે શંખ,
એ જી રે શ્વાસમાં વાગે શંખ…
ઘડિયા-ચોઘડિયાંની વાત નથી આ કાંઈ ઘડીએ ઘડીની છે વાત;
ફૂંકની પેર હું તો ફૂંકાતો ચાલું ને ફેલાતી ચાલે મારી જાત!
રૂંવા રૂંવામાં ઝાલર બાજે ને ગવાય રૂડા છંદ!
હો જી હો ગવાય રૂડા છંદ…
એ જી રે શ્વાસમાં વાગે શંખ!
બત્રીસે કોઠામાં ઝગમગતા દીવડાનો આઠે પહોર અજવાસ;
ચઢ ને ઊતર કરે રગમાં રુધિર એની આરતી ફરે બારે માસ!
ધજાની પેર મારા અંગ ઊડે ને કાંઈ ફરફરતો આનંદ!
હો જે હો ફરફરતો આનંદ…
એ જી રે શ્વાસમાં વાગે શંખ!
ધીરેન્દ્ર મહેતા
પવનના વેશમાં માંથી સાભાર.