‘જલાલ’ના ચુંટેલા શેર

ભેગાં કરીશ બોર તો એ કામ આવશે,
ક્યારેક તો આ ઝૂં૫ડીએ રામ આવશે.
        * *  *
છાની રહી શકી ન સિકન્દરની આબરૂ,
મુઠ્ઠી ખૂલી કે ગઇ છે બરાબરની આબરૂ.
 
ઉ૫ર સપાટી ૫ર કદી તરશે ન મોતીઓ,
પેટાળમાં રહે છે સમન્દરની આબરૂ.
       * * *
સરજી જહાન આંખથી ઓઝલ રહી ગયો,
ઇન્સાનને ખુદાએ ભટકતો કરી દીધો.

       * * *
એક શેર અહીં ‘જલાલ’ બીજો શેર હોય ત્યાં!
આ કાવ્યની કલાએ ભટકતો કરી દીધો.

- જલાલ મસ્તાન ‘જલાલ’

આ મસ્ત કવિના થોડાક શેર છે. તેમના કાવ્ય સંગ્રહ ‘ ખેરિયત’ માંથી….

Published in: on May 29, 2008 at 2:38 pm Comments (3)

કાચનદીને પેલે કાંઠે - સંદીપ ભાટિયા (Sandip Bhatiya)

કાચનદીને પેલે કાંઠે

કાચનદીને પેલે કાંઠે શબ્દ ઊભો અજવાળાં લઈને
થરથરતા હિમયુગોને છેડે સપનાંઓ હૂંફાળાં લઈને
 
કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે
ચાલ આંખમાં ભીનાશ લઈને
છાતીમાં ગરમાળા લઈને
 
કાચનદીને પેલે કાંઠે નામ ધૂંધળું ચહેરા ઝાંખા
આ કાંઠે ચૂપચાપ ઊભો છું
શ્વાસોની જપમાળા લઈને
 
કાચનદીને પેલે કાંઠે કોની પહેલી તરસ પહોંચશે
જલપરીઓની રાણી ઊભી હાથોમાં વરમાળા લઈને
 
કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામાં
તરી ગયા એ શૂન્ય ઊંચકી ડૂબી ગયા સરવાળા લઈને
 
કાચનદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે
ડાહ્યા લોકો ભેટ આપવા આવે કૂંચીતાળાં લઈને
 
સંદીપ ભાટિયા 
  
દિવ્ય ભાસ્કરમાંથી સાભાર.
” દિવ્ય ભાસ્કર માં આજે જ સુરેશ દલાલની કોલમમાં કવિ સંદીપ ભાટિયાનું એક સરસ કાવ્ય છે. ગમી ગયું એટલે તમને મોકલું છું” - હરસુખભાઈ થાનકી
દિવ્ય ભાસ્કરની  http://www.divyabhaskar.co.in/literature/gazal-kavita/ લિંક પર ક્લિક કરીને ઘીના દીવાનું અજવાળું   પર જઈ મુરબ્બી શ્રી સુરેશભાઈ દલાલનું આ કાવ્યનું રસદર્શન અને એના કવિ શ્રી સંદીપ ભાટિયા વિશેની વિશેષ માહિતી મેળવો. દિવ્ય ભાસ્કરની સાઈટ પર કવિતાઓનો ખજાનો ભરેલો જોઈ અનહદ આનંદ અનુભવ્યો.  આ રીતે કાવ્યોની દુનિયા પર પણ પ્રકાશ પાથરી રહ્યું છે જાણી સંતોષ અનુભવાય છે.   
આ કાવ્ય મોકલવા બદલ મુરબ્બીશ્રી હરસુખભાઈ થાનકીનો હાર્દિક આભાર. ગુજરાતી બ્લોગજગતનો નવોસવો અને  આજની સાંપ્રત સમસ્યાઓ તેમજ ઘટનાઓમાં ડોકિયું મરાવતો, અને એમની રોચક કલમની લિજ્જત માણતાં લટાર માર્યાનો આહ્લાદ ઉપજાવતો એવો એમનો બ્લોગ માણવા આ લિંક પર http://thankibabu.wordpress.com/ ક્લિક કરવાનું રખે ચૂકતા.   
Published in: on May 19, 2008 at 5:12 pm Comments (2)

મમતાના મોલ - રમેશ પટેલ ‘આકાશદીપ’

માનું રુપ એટલે કલ્યાણ સ્વરુપ ભગવાનનું પ્રાગટ્ય.આવો મમતાની છાયા માણીએ.

મમતાના મોલ

અષાઢી મેઘ ગજાવે અંબર,માડીની મમતાના મેઘ અનરાધાર
જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર

નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ
સાંભળી કંઠે હાલરડાંના બોલ, ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ

સાગર સરીખાં માનાં હેતડાં, જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ
સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ

ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ
જાણે રમે ચાંદની છોડી ગગન, એવા માના છે શીતળ રૂપરંગ

માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ

કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ

સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ
મા જશોદાને ખોળે ભૂલ્યો’તો શામળો, વૈકુંઠના વૈભવના તોલ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on May 9, 2008 at 5:00 pm Comments (4)

ગઝલ- ડૉ જગદીપ નાણાવટી

1

આમ તો વર્ષો સુધી લંબાય છે
જીંદગી ભાગ્યેજ કોઇ, જીવાય છે

પુષ્પ ખિલ્યું, જો ઉપેક્ષિત થાય તો
ભીતરેથી બાપડું કરમાય છે

હર કોઈ વસતું અમારા દિલ મહીં
એજ ભ્રમમાં આયનો હરખાય છે

તડ પડેલાં સ્વપ્નની આગોશમાં
કોઈની યાદો સતત સચવાય છે

સાદ જે દરિયાએ દીધાં ગ્રીષ્મમાં
તે બધાં વરસાદમાં પડઘાય છે

જામની વાતો બધી પોકળ હતી
આંખથી, આંખો બધી છલકાય છે

———————

2

વ્યર્થ એની જીવવાની હર ક્ષણો
અર્થ જે સમજે નહીં જીવન તણો

આંસુઓને પણ વિસામો જોઈએ
એટલે તો હોય બન્ને પાંપણો

ઘાવ તેં દીધા નથી ઓછા મને
સાચવ્યા સઘળાં, ગણીને થાપણો

લ્યો હુલાવ્યું પીઠમાં ખંજર અમે
કોઈ તો અમને હવે માણસ ગણો

આંખ લૂછવી કોઇની, બાજુ રહી
લઈને ઉભા એ, ચિતાએ વિંઝણો

————–

3

છે અષાઢી વાદળો, ને આ કલમ
માંડજે તું મીટ આભે ઓ સનમ

સ્પર્શને સૂરમાં મઢી, દેતો ભ્રમર
ચુંબને એકેક કહેતો એ નઝમ

મન ખુદા તારું, ને દિલ સાજણ તણું
કેમ ફંટાશે કહો, બન્ને કદમ

સ્વપ્નમાં તું જે રીતે તરછોડતી
વાસ્તવિકતા ના હશે આથી અધમ

જીવવાનું ઠોસ કોઈ કારણ નથી
ક્યાં સુધી જીવ્યા કરું આમજ મભમ

ફાયદો બસ મોતનો એકજ હતો
ના કોઈ ખાતું હવે મારી કસમ

ડૉ જગદીપ નાણાવટી

Published in: on May 2, 2008 at 4:51 pm Comments (2)