ગઝલ- ડૉ જગદીપ નાણાવટી

1

આમ તો વર્ષો સુધી લંબાય છે
જીંદગી ભાગ્યેજ કોઇ, જીવાય છે

પુષ્પ ખિલ્યું, જો ઉપેક્ષિત થાય તો
ભીતરેથી બાપડું કરમાય છે

હર કોઈ વસતું અમારા દિલ મહીં
એજ ભ્રમમાં આયનો હરખાય છે

તડ પડેલાં સ્વપ્નની આગોશમાં
કોઈની યાદો સતત સચવાય છે

સાદ જે દરિયાએ દીધાં ગ્રીષ્મમાં
તે બધાં વરસાદમાં પડઘાય છે

જામની વાતો બધી પોકળ હતી
આંખથી, આંખો બધી છલકાય છે

———————

2

વ્યર્થ એની જીવવાની હર ક્ષણો
અર્થ જે સમજે નહીં જીવન તણો

આંસુઓને પણ વિસામો જોઈએ
એટલે તો હોય બન્ને પાંપણો

ઘાવ તેં દીધા નથી ઓછા મને
સાચવ્યા સઘળાં, ગણીને થાપણો

લ્યો હુલાવ્યું પીઠમાં ખંજર અમે
કોઈ તો અમને હવે માણસ ગણો

આંખ લૂછવી કોઇની, બાજુ રહી
લઈને ઉભા એ, ચિતાએ વિંઝણો

————–

3

છે અષાઢી વાદળો, ને આ કલમ
માંડજે તું મીટ આભે ઓ સનમ

સ્પર્શને સૂરમાં મઢી, દેતો ભ્રમર
ચુંબને એકેક કહેતો એ નઝમ

મન ખુદા તારું, ને દિલ સાજણ તણું
કેમ ફંટાશે કહો, બન્ને કદમ

સ્વપ્નમાં તું જે રીતે તરછોડતી
વાસ્તવિકતા ના હશે આથી અધમ

જીવવાનું ઠોસ કોઈ કારણ નથી
ક્યાં સુધી જીવ્યા કરું આમજ મભમ

ફાયદો બસ મોતનો એકજ હતો
ના કોઈ ખાતું હવે મારી કસમ

ડૉ જગદીપ નાણાવટી

Published in: on May 2, 2008 at 4:51 pm Comments (2)