એ પાનખર – ડૉ. જગદીપ નાણાવટી

મિત્રો,
થોડા સમય પહેલા મે એક ગઝલમાં લખ્યું હતું
કે….
પાન એકાદું ખરે એ પાનખર કહેવાય નહીં…..

સાચું, પણ તો પછી ખરેખર પાનખર કોને કહેવાય ?
આમ જુઓ તો દરેક ક્ષેત્રમાં જે થવું જોઈએ
તે ધારણા મુજબ ન થાય તેનુ નામ પાનખર…
તેવુંજ કંઈક કહેતી આ રચના તમારા માટે…

વૃક્ષ લીલું સહેજ પણ ફરકે નહીં….એ પાનખર
સાવ અંગત, હોઠમાં મલકે નહીં….એ પાનખર

વાયરો ચૂમે અને ઝાકળ કરે અભિષેક, પણ
સુર્યના સ્પર્શે પ્રથમ, મહેકે નહી….એ પાનખર

હોઠ તરસ્યા, મસ્ત સાકી, ને છલોછલ જામને
મૈકદે મૈકશ, છતાં ઉચકે નહી….એ પાનખર

કેટલાં કામણ કરે પ્રશ્નોત્તરી સામે ઉભી
ને અચળ દર્પણ કદી બહેકે નહી….એ પાનખર

ઢોલ ધ્રબકે, હોંશ વરસે, ધૂળ ઉડતી પાદરે
મોરલા ચિતરેલ જો ગહેકે નહી…. એ પાનખર

વણફળી ઈચ્છાઓ, શમણાં, ઓરતા ભારેલ છે
તોય પણ મારી ચિતા ચહેકે નહી….એ પાનખર

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on February 24, 2009 at 11:15 pm  Comments (1)  

પ્રેમની રે વાત – રમેશ પટેલ ‘આકાશદીપ’

પ્રેમની રે વાત

આજ પ્રેમ તને પૂછું,
કે કેવા તારા રુપ રંગ
તો કહે જા પૂછ ફૂલને,
કેમ મ્હેંકે લઈ ઉમંગ

પ્રેમ તું તો આતમનું નૂર
જાણવા મારે તારા સરનામાને પંથ
સાંભળ તું બંસરીના નાદ,
બતાવશે તને રાધાને ગોકુળનો નંદ

આવો માંડીએ પ્રેમની રે વાત
પ્રેમ એ તો ઉગતું પ્રભાત
ભીંજે તો ઝરમર વરસાદ
તરસે તો છોડે મરજાદ

સ્નેહ એ તો તપતું કુંદન
પીસાયે તો મ્હેંકતું ચંદન
ઉડે પ્રેમ પંખી ગગન
ના ગમે કોઈનું બંધન

પ્રેમ ઝૂરે તો અંધારી રાત
પ્રેમ ઝૂમે તો સાગરની જાત
ચાંદ ચમકેને સાગર રેલાય
પ્રેમ કદી પીંજરે ના પૂરાય

પ્રેમ તું તો વહાલો વંટોળ
જગ જાણે તારા રે મોલ
ચાહ એ તો જીવનની આશ
છીપે ના છીપાયે એવી પ્યાસ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on February 24, 2009 at 11:12 pm  Comments (2)  

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

સવારે ૬ વાગે કંઈક લખવા માટે પેન્સિલ
અને કાગળ લીધા અને એક વિચાર સ્ફૂર્યો,
તમારા સમ , તમે માનશો નહીં પણ એક
અસ્ખલિત પ્રવાહની જેમ આ ગઝલ
ફક્ત ૩ મિનિટમાં લખાઈ ગઈ….સાલું
સ્ફુરણાંનુ તો આવું છે…આ ઝટ પટ ગઝલ
તમારી સાથે શેર કર્યા વગર મને ચેન નહી પડે…

a fastest written gazal, a single
stroke gazal for you……

છોલતાં પેંસિલ અમોને કંઈક એવું થાય છે
ક્ષણ અને ઘટનાની ધારે જીંદગી છોલાય છે

શ્વાસ છે લોલક સમા, જીવન દીસે ચાવી રૂપે
કોણ જાણે કોણ કોનાથી સતત લંબાય છે

જોડણીની હર ક્ષતિ આરામથી ભૂંસી શકું
પણ તમે કર્મો કરેલા એમ ક્યાં ભૂંસાય છે

ઘર ભરી દો આજ ખુશ્બુથી, અમે કાલે નથી
જીંદગી કેવી જીવો, એક ફુલ પણ કહી જાય છે

દાદ પામે હર ગઝલ, એવું ખુદા મુમકીન નથી
હુંય છું તારી ગઝલ, ક્યા એટલી વંચાય છે…!!!!

સાર…..ગઝલ લખવી તો સવારે ૬ વાગે લખવી…!!!!!

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on February 5, 2009 at 9:08 pm  Comments (3)  

વસંતના વ્હાલ – રમેશ પટેલ ‘આકાશદીપ’

વસંતના વ્હાલ

આ મ્હેંક્યા વસંતના વ્હાલ
કે સહિયર શું કરીએ
આ મ્હેંદી મૂકી હાથ
કે સહિયર શું કરીએ

આ નીકળ્યાં ઝરણાં તોડી પહાડ
ને વાગી વાંસલડી રે વાટ
કે સહિયર શું કરીએ
આ ફૂલે મઢ્યા ગાલ
કે સહિયર શું કરીએ

આ આભે ખીલ્યો ચાંદ
ને ફાગણ ખેલે ફાગ
કે સહિયર શું રમીએ
આ કોટે વળગ્યા વહાલ
કે સહિયર શું કરીએ

આ યૌવનનો ઉભરાટ
ને કોયલ બોલે ઊંચે ડાળ
કે સહિયર શું કરીએ

આ મ્હેંદી મૂકી હાથ
ને ખૂલ્યાં પ્રેમનાં દ્વાર
કે સહિયર સાથ રમીએ(૨)

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on February 5, 2009 at 9:04 pm  Comments (2)  

વસંત પંચમી – રમેશ પટેલ ‘આકાશદીપ’

વસંત પંચમી

આજ ગગને ઉત્સવ કોના?
કે સૂરજદેવ શણગાર કરે
ઢળતી સંધ્યા એ વાયા વાયરા
ને વિધાતા ચાંદાનો ઉપહાર ધરે

આજ ધરતી એ ઉત્સવ કોના?
કે વસંત દેવ ફૂલહાર ભરે
મંદમંદ મલકે મરુત દેવ
ને હળવે સુગંધનો થાળ ધરે

આજ ઘૂઘવતા ઉત્સવ કોના?
કે સાગર મોતીથાળ સજે
ઝરમર ઝરમર ધોયા આંગણાં
ને મંજરી કલરવ પ્યાર ધરે

મન મંદિરના દ્વાર ખૂલ્યા ને
વસંત પંચમી વધામણી દે
માત સરસ્વતી પ્રગટ્યાં જગેને
વિચાર વૈભવના નીધિ ધરે

આજ ગગને ઉત્સવ શારદાના
ત્રિદેવ પાવન પાઠ પઢે
વાગી વીણા ને બોલ્યા મોરલા
વસંત પંચમી વરદાન ઝીલે(૨)

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on February 5, 2009 at 8:57 pm  Comments (2)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers