ચટાકેદાર ચૂંટણી – ડૉ. જગદીપ નાણાવટી

ચટાકેદાર ચૂંટણી

નર્યા આશ્વાસનોના હર દુકાને સેલ લાગ્યા છે
“વચન બે ફ્રી મળે છે એક ઉપર” બોર્ડ ટાંગ્યા છે

અચાનક પૂર આવી , લાગણીના નીર છલકાશે
ભલે ફીટકારશો, ચહેરા સદા હસતા જ રાખ્યા છે

કરી લહાણી મૃદુ વાણી થકી લઈ જાય મત તાણી
પછી હું કોણ , ને તું કોણના રીશ્તા નિભાવ્યા છે

સમજતા નહી હવે કે બોર એંઠા રસ મધુરા છે
હવે શબરીએ સઘળી, બોર પહેલા ’રામ’ ચાખ્યાં છે

ન અંગુઠા, સમજદારીની સહુએ ચાંપ દાબી છે
જરૂરી હોય તો કરશું ડીલીટ આ હાથ આપ્યા છે

_______________________________________

….ચૂંટણી….ટાણે….

ભલે સોડમ હશે સૌ ભાષણોમાં લાગણીઓની
મને તો બૂ સતત આવી રહી છે માગણીઓની

ન જાણે સા રે ગ મ પ ધ ની સા કઈ રીતે રચશે
અસૂરો શી દશા કરશે બિચારી રાગિણીઓની

ચડીને પીઠ પર, મૃગજળ સુધી દોડાવશે નક્કી
પછી કરશે ઊજાણી, ખાલ ચીરી, સાંઢણીઓની

નર્યા નફ્ફટ ફુગા અણઘડ હવાથી ખૂબ ફુલ્યા છે
જરુરી છે સમજદારી તણી બસ ટાંકણીઓની

જરા આળસને ખંખેરી જજો મતદાનને મંદિર
કરી ઘંટારવો નીંદર હણો સમરાંગણીઓની

ડૉ. જગદીપ નાણાવટી
Dr.Jagdip Nanavati

Published in: on April 19, 2009 at 10:21 pm  Leave a Comment  

ચૂંટણી જંગ – રમેશ પટેલ ‘આકાશદીપ’

ચૂંટણી જંગ

આવી છે ચૂંટણી ને જામ્યો છે જંગ
ઉમેદવારના ઉરમાં ઉછળે ઉમંગ

રાજકારણના રસિયા સાથ માણજો રે સંગ
દોસ્ત દુશ્મનના ન પરખાશે રંગ

પક્ષા-પક્ષીના ભારે મંડાશે ખેલ
ભોળાને ભરમાવશે ચાતુરી ખેલ

વાતોની વડાઈથી સૌ કરશે બડાઇ
દિવા સ્વપ્નોમાં નીરખતા થાશો સચ્ચાઈ

મત છે કીમતી ન થાશો અજાણ
રુડા રાજકર્તાઓ જ કરશે કલ્યાણ

વાપરજો વિવેકથી મતનો અધિકાર
વિકાસની કેડીઓ પર ચમકશે ચાંદ

ભારતે ગૂંજ્યો છે નવયુગનો જંગ
ચાલો ચટપટી ચૂંટણીનો માણી એ રંગ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on April 19, 2009 at 10:09 pm  Comments (2)  

સાથે – રુચિર વ્યાસ (Ruchir Vyas)

તારી કેડ્યે કુંડળાયેલાં
મીઠાં મરોડ
ભલાં પુછી બેઠાં કે મને
શાનાં છે કોડ
એનો દીધો જો સાચો
જવાબ તો તું લજ્જાઇ
બોલી ઉઠીશ કે ‘હવે છોડ!’

હરીયાળી વાતોનાં ખેતર વાવ્યાં છે
મારી આંખોએ પાંપણ પછાડે
જ્યાં સૂરજ જરી ન રંજાડે
એવાં ધુમ્મસમાં બોળેલાં ખેતર લણતી
તું તારી આંખોના એક-એક ઉલ્લાળે
તારી આંખોના અણિયાળાં
દાતરડાં મારીતે
ઉગતી નિંદર્યુંને નહિં ભાળે

તારી સાથેની મારી રાતે વરસતાં
પાણી વિનાના કોઈ મેહ
મારી બાજુમાં રહે સૂતેલી તું
મને હળવા અડક્યાંનો દઈ છેહ
તારા હળવાં અડક્યાંથી ભીનો
આખ્ખોએ દેહ

ઊઠતાં જોઉં તો મારાં રુંવેરુંવે
ફરે તડકાનાં ઝેરીલા સાપ
જાઉં જો દુર તો તુંયે રુઠે
ને વળી રોવે તો થઈ જાયે પાપ
તારા આંસુના વણઝારાં ગાતાં જે ગીત તે
મારી આંખોને લખી આપ

રુચિર વ્યાસ

રુચિર વ્યાસના બ્લોગ પર એમના કેટલાંક કાવ્યો, પ્રસિદ્ધ અપ્રસિદ્ધ અવતરણો અને વિનોદિકાઓ માણવા એમના beutiful blog ની મુલાકાત આ લીન્ક http://ruchirvyas.wordpress.com/પર ક્લિક કરશો.

Published in: on April 3, 2009 at 6:01 pm  Comments (1)  

બે ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

અક્ષરો બિંદુ હતાં ને શબ્દ રેખાંકિત હતાં
ભાવ મારી હર ગઝલમાં એટલે ચિત્રીત હતાં

મુઠ્ઠીઓ વાળી સતત જીવ્યો છું હું માટેજ આ
હાથ મારા, દસ્તખત તકદીરથી વંચિત હતાં

બાણ શય્યા હૂંફ કેરી ના કદી પામી શક્યો
આપ સૌની લાગણીના તીર બહુ કુંઠીત હતાં

જ્યારથી હાંફ્યો હતો વાયુ વસંતી ત્યારથી
પાનખરમાં બેફીકર થઈ પાન સહુ નિશ્ચિંત હતાં

કાળજી પૂર્વક બધાંયે અસ્થિઓ વીણી લીધાં
રાખમાંથી ઉઠવાની વાતથી ચિંતીત હતાં

___________________________________________

ઘટના વચ્ચે, અનુભવોની કેડી ચોખ્ખી ચટ હતી
સમજ્યા નહી ?, એ માથા પર એક શ્વેત મઝાની લટ હતી

પીપળ, પૈડું, કાચ લખોટી, પગ તળીયે પાદર હતું
દોરા મુછના ફુટ્યા સુધી, શૈષવની રમઝટ હતી

તહેવારે ’પરસાદી’ લેતા, દોસ્ત તને પણ યાદ હશે
ભૂંડા બોલી, ચોક ગજવતી વાત્યુ પણ લંપટ હતી !!

બિલ્લી પગલે ચાતરતુ’તું હૈયુ તારી શેરીને
શરણાયુ વાગી ને મારે આંગણ તું, ઘુંઘટ હતી

મંઝિલ, નામે મોત, ઘણીયે દુર હજો ઇચ્છું એવું
મારી ઇચ્છા ઉપર તારી ઇચ્છા ઉપરવટ હતી

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on April 3, 2009 at 5:42 pm  Comments (1)  

અજર અમર પદ દાતા રામ – રમેશ પટેલ ‘આકાશદીપ’

રામનવમીના શુભ દિને ચાલો શ્રી રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’ની તાજેતરની રચના માણીએ.

અજર અમર પદ દાતા રામ

ઢોલ ધબૂક્યા અવધપૂરીએ ,પધાર્યા રઘુકુળે ચારો ચંદ
રાય દશરથ હરખ વધાવે,પ્રગટ ભયો કૌશલ્યા નંદ
અંતર ચેતના કરે આરતી, મંગલ સુમંગલ દિસે ચોદિશ
ધન્ય ધરાતલ પૂણ્ય ભૂમિ તું, રામ થઈને આવ્યા ઈશ

ગગન ગોખે ઘૂમતા ગરુડે,
રમતા સદા તમે અંતરિયાળ

ચૈત્ર સુદ નવમીએ થયા રામજી,
તો જાણ્યા કે કેવા હોય ભગવાન

ચૌદ લોકના નાથ વિધાતા
ઘૂમાવો વિશ્વ અવિરત દિનરાત

થયા શીશુ રામ,પણ ન ભૂલ્યા
માગ્યો રમવા બ્રહ્માંડનો ચાંદ

ગુરુ વિશ્વામિત્ર સંગ વને ચાલ્યા
હણ્યા આતતાયી એકલ હાથ

રઘુકુળ રીતિ સદા પ્રમાણી
અજર અમર પદ દાતા રામ

સ્વયંવરે કીધું શીવ ધનુષ્ય ભંગ
માત જાનકીના થયા ભરથાર

ત્યજ્યું રાજસુખ જગત કાજે
અર્પ્યું સુખ રામ રાજ્યનું સંસાર

રાજધર્મ રઘુકુળ વચન વ્યવહારે
નગર ત્યજી ચાલ્યા વનવાસ

કેવટ અહલ્યા ને માત શબરીના
ભાવે ભીંજાયા લક્ષમણ ભ્રાત

ધનુર્ધારી રઘુવીર ધર્મ ધુરંધર
હણ્યો દશાનન લંકા ધામ

મંગલ પર્વ દિપાવલી હરખે
જનજન સ્મરે જય સીતા રામ

રામ નામમાં સઘળાં તીરથ
ગાયે વાલ્મિકી રામનાં ગાન

રામ લખન જાનકીના નાથ
પાજો સદા પ્રેરક અમૃત પાન

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on April 3, 2009 at 5:40 pm  Comments (2)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers