ચટાકેદાર ચૂંટણી – ડૉ. જગદીપ નાણાવટી

ચટાકેદાર ચૂંટણી

નર્યા આશ્વાસનોના હર દુકાને સેલ લાગ્યા છે
“વચન બે ફ્રી મળે છે એક ઉપર” બોર્ડ ટાંગ્યા છે

અચાનક પૂર આવી , લાગણીના નીર છલકાશે
ભલે ફીટકારશો, ચહેરા સદા હસતા જ રાખ્યા છે

કરી લહાણી મૃદુ વાણી થકી લઈ જાય મત તાણી
પછી હું કોણ , ને તું કોણના રીશ્તા નિભાવ્યા છે

સમજતા નહી હવે કે બોર એંઠા રસ મધુરા છે
હવે શબરીએ સઘળી, બોર પહેલા ’રામ’ ચાખ્યાં છે

ન અંગુઠા, સમજદારીની સહુએ ચાંપ દાબી છે
જરૂરી હોય તો કરશું ડીલીટ આ હાથ આપ્યા છે

_______________________________________

….ચૂંટણી….ટાણે….

ભલે સોડમ હશે સૌ ભાષણોમાં લાગણીઓની
મને તો બૂ સતત આવી રહી છે માગણીઓની

ન જાણે સા રે ગ મ પ ધ ની સા કઈ રીતે રચશે
અસૂરો શી દશા કરશે બિચારી રાગિણીઓની

ચડીને પીઠ પર, મૃગજળ સુધી દોડાવશે નક્કી
પછી કરશે ઊજાણી, ખાલ ચીરી, સાંઢણીઓની

નર્યા નફ્ફટ ફુગા અણઘડ હવાથી ખૂબ ફુલ્યા છે
જરુરી છે સમજદારી તણી બસ ટાંકણીઓની

જરા આળસને ખંખેરી જજો મતદાનને મંદિર
કરી ઘંટારવો નીંદર હણો સમરાંગણીઓની

ડૉ. જગદીપ નાણાવટી
Dr.Jagdip Nanavati

Published in: on April 19, 2009 at 10:21 pm Leave a Comment

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2009/04/19/%e0%aa%9a%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%87%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-%e0%aa%a1%e0%ab%89-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a6%e0%ab%80%e0%aa%aa/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment