વેરાયાં વ્હાલ – રમેશ પટેલ ‘આકાશદીપ’

વેરાયાં વહાલ

અહો વેરાયાં વહાલ શું વસુંધરાએ!
માવતરની મમતા બની જગે રમે

પ્રેમ રસ ઉરે ઝરે ઝરે,
ને વાત્સલ્યથી `નયનનાં નેહ ભીંજવે

વસતે ખીલ્યું વૃક્ષ ઝૂમતું
જાણે ગુલાબી શ્વેત સુમનથી મઢ્યું

પુષ્પ પતંગિયાની દીઠી રમતું,
શું આ જ છે યૌવનની રસિક પ્રીત્યું?

છલકાવી પ્રેમ પ્રકૃતિ સઘળે હસી
વર્ષા ભીંજવે ઝણઝણાવી પ્યારથી

પ્રેમની વાત છે ગહન ઊંડી
ઝીલે સજન હૈયે પ્રીતિ મસ્તીથી

પ્રેમ છે અનુભુતિ, વાતોમાં કેમ જડે?
પ્રેમ છે ધૂપસળી, જલે તો સુગંધી મળે

સાકરનો સ્વાદ વર્ણનથી ના ખીલે
પ્રેમમય ઈશ્વરથી જ આ જગત નભે

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on મે 11, 2009 at 12:33 pm  Comments (4)  

માવલડી – રમેશ પટેલ ‘આકાશદીપ’

માવલડી

તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવે જી રે

બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળે જી રે

માનો તે ખોળો પ્રેમનું પારણું
સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે

જનનીનું હૈયું ધરણીનું ભરણું
નિત નિત વ્હાલે વધાવે જી રે

અમી વાદલડી વરસે નયનોથી
જીવનમાં તૃપ્તિ સીંચે જી રે

તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
દિઠું ઋણી જગ સારું જી રે

મા ને ખોળે ઝૂલ્યા જાદવજી
વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે

પૂજું મા તને ચરણ પખાળી
તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on મે 11, 2009 at 12:29 pm  Comments (3)  

પહેલી મે – રમેશ પટેલ ‘આકાશદીપ’

ગુજરાત રાજ્યના સ્થાપના દિન પ્રસંગે શ્રી રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’ના આ બે કાવ્યો માણીને આપણા ગુજરાતના આ આગવા દિનની ઉજવણી કરીએ.

પહેલી મે

દે એક રવિ આશીષ આકાશે
રવિ બીજા મૂક સેવકની શાખે

પહેલી મે એ પ્રગટ્યા દીપ ધરાએ
રાજ ગુજરાતનું ઝગમગ્યું આજે

મહા ગુજરાતના ઓ વીર લડવૈયા
ક્રાન્તીવીર ગુર્જર અસ્મિતાના રખવૈયા

ઑગષ્ટ માસે ઈન્દુલાલ ગરજતા
યાદ કરી નમીએ ,સૌ સંતાન સવૈયા

અમે તારા સાવજ સંતાનો
સાત સમંદર ઘૂમતા રહેતા

વાદળ જેમ નીત ઉપર ઉઠતા
સદા સઘળે વરસતા રહેતા

શ્રીફળ સમ અમે ઉપરથી રુક્ષ
હર ડગલે રોપતા પ્રગતિ વૃક્ષ

વતન અમારું પ્યારું ન્યારું
ગાંધી સરદારનું ગુજરાત અમારું

રમેશ પટેલ ‘આકાશદીપ’
_________________________________________

વ્હાલું રતન મારું ગુર્જર વતન
પહેલી મે એ પથરાયા અજવાળા
પધાર્યા રવિ આકાશે કંકુવરણા
પ્રગટાવે દીવડા રવિશંકર મહારાજા
રાજ ગુજરાતની હરખે ગાઓ ગાથા

બાંધતી ગુર્જરી પાવન બંધન
ખીલ્યું ગગન ને સાગર ઢોળે પવન
પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન
શુભ દિન પહેલી મે એ ગાશું કવન

સાત સાગરે ધર્યા પ્રેમના સ્પંદન
સંપદાથી શોભતાં વગડાં ને વન
પાવન સરીતાને કરી એ વંદન
વહાલું રતન મારું ગુર્જર વતન

સંતોને વીરોની ભૂમિ આ મહાન
ધરતીના કણકણમાં રમતું શૂરાતન
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ
કરશું વંદન શીરે બાંધી કફન

નવયુગના ઝૂમે આજ સ્વપ્નો ગગન
અહીંસા આદરથી રેલાવીએ અમન
ગાંધી સરદાર અમારી વિભૂતીઓ મહાન
માત ગુર્જરીને કરીએ ભાવે વંદન
વતન અમારું પ્યારું ન્યારું, અમે બહૂરંગી ફૂલ
પ્રેમ ધરમે રમાડે હૈયાં માનવતાનાં મૂલ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on મે 1, 2009 at 8:11 pm  Comments (2)  

એક ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

ફરી આજ તેઓ હસાવી ગયા છે
નગર સ્મિત નામે વસાવી ગયા છે

ન જાણે ધબકતાં આ દિલ નામે મૂડી
કયે ભાવ દિલબર કસાવી ગયા છે

અછંદાસ, બિંદાસ થઈને ફરે, ને
મને છંદમાં એ ફસાવી ગયા છે

બળે હાથ લખતાં ગઝલ (પ્રાણવાયુ)
કવિ એક એવું ઠસાવી ગયા છે..!!

ઘડી મુક્ત થાવાની આવી મરણશી
ખરે ટાંકણે, કસકસાવી ગયા છે

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on મે 1, 2009 at 8:02 pm  Comments (3)  

એક કાવ્ય – અભિષેક દેસાઈ

દીઠાં અમે સાત રંગો આભની અટારીએ
મેઘધનુષ રૂપે હજીએ સંભારીએ

નદી થઈ દર્પણ ઝીલીને રંગો સાત
લીલા તારી ગજબ, અમે શું વિચારીએ

હારમાળા વૃક્ષોની મુજ સંગે ડોલતી
કેમ કરી યાદો મનથી વિસારીએ?

કુદરતની શોભા સુંદરતા અપાર
ચમત્કાર પ્રભુનો બળ અમે ધારીએ

વરસાદી મોસમ ને પવન શીતળ
હસતા રમતા સૌ અમે આવકારીએ

અભિષેક દેસાઈ

ઉમ્મર: વર્ષ 14.

Published in: on મે 1, 2009 at 7:57 pm  Comments (2)  

મેળો – રમેશ પટેલ ‘આકાશદીપ’

મેળો

સૂરના સંગાથે સંગીતના તાલે, વરસે છે વ્યોમેથી વ્હાલ
આવોને મેળે મહાલીએ સહિયરો, મલકે છે આભલે ચાંદ

આભની અટારીએ દોડે રે વાદળી, સંદેશા સાંભળે સાજન
આવોને સખીઓ ખોલીએ,આજે અંતરના ઓરડાની યાદ

ભાતીગળ ચૂંદડી છેલ છોગાળા,ધબકે છે દિલડાનાં ઢોલ
જામી છે રમઝટ દેજો રે તાળી,મનગમતા મળ્યા છે સાદ

હાથનો લચકોને પગનો ઠૂમકો, નાચે છે મનડાનો મોર
આવોને સાહેલીઓ યૌવનની પાંખે,ગોતીએ દીલડાનો ચોર

આવોને સખીઓ ગરબે ઘૂમીએ, સજ્યા છે સોળ શણગાર
ઢોલ ધબૂકે ને મલકે જોબનિયું,રણઝણે ઝાંઝર ઝણકાર

નયનોના મચકાને કમ્મરના લટકા, રૂમઝૂમ રુપેરી તાલ
મુખડું મલકેને જોબન થડકે, અંગ અંગમાં રમે તલસાટ

રતુંબલ ગાલને હસે છે હોઠ, આજ વાગે છે પ્રીત્યુંના પાવા
ઘૂમે છે ચગડોળ મનના આભલે,માણવા છે યૌવનના લહાવા

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on મે 1, 2009 at 7:29 pm  Comments (1)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers