હરિના ઉત્સવ – રમેશ પટેલ ‘આકાશદીપ’

હરિના ઉત્સવ

રઢિયાળી રાત સજતી શણગાર, ટમટમે તારલાની ભાત
ધુમ્મર ચાલે મહાલતી વહાલે, વરઘોડાની વરણાગી ચાલ
ઓવરણાંએ હરખ્યું પ્રભાત અંતર મંદિરીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

ચાંદનીના ચંદરવે સાગરનાં શમણાંએ, ઊછળતો નૃત્યોનો નાદ
મોંઘેરાં મોતીનો થાળ ભરીને , ગજવો રે શંખોના સાદ
અવની અંબરના મધુરા મેળ અમે માણીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

વીજના હાર હીરલે વાદળ દંદુભીએ, આછેરા દેવ તમે ઝૂમજો
ઘેરા નાદે વગડો વંઠાળીને છાતીએ સુસવાટા ના તણાવજો
આવડા હરખે હરજી તાંડવ ના પલાણીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

ઝરમર ઝરમર ઝીલીએ અમીને, વ્યોમેથી વરસે રે વહાલ
ખળખળ સાદે સંગીતના તાલે , કુદરત છેડે રે સાજ
પથ્થરમાંથી પ્રગટતા સંગીતે અમે ડોલીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

સુમન શણગારે રેશમ ગાલીચે મહેંકતું મઘમઘી જંગલ
ચૈતન્ય ઝીલે આનંદ મંગલ ને ઊછાળે ઉમંગ અનંગ
ભાવ નજરિયે અંતરમાં આશરો ઝીલીએ
હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on July 22, 2009 at 8:25 pm  Comments (4)  

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

સબંધો આપણાની ડાળખી બટકી રહી છે
ન જાણે વાત શા મુદ્દા ઉપર વટકી રહી છે

અમે તો પહાડને પણ કહી દીધું રસ્તો કરી દે
સવારી શી ખબર કઈ કેડીએ અટકી રહી છે

ઉડે જો ઝુલ્ફ સહેજે પણ, કરૂં દિદાર તારા
હવામાં ક્યારની એ પળ હજુ લટકી રહી છે

ન રાખું જામ હાથોમાં, તને સઝદા કરૂં જો
અમારી એજ દિલદારી તને ખટકી રહી છે

હજુયે વણફળી ઇચ્છાની રાધા ગોકુળોમાં
બિચારી ગાય થઈ ગલીઓ મહીં ભટકી રહી છે

સતત શ્વાસોમાં જકડેલી અમારી જીંદગાની
સમયની રેતની માફક હવે છટકી રહી છે

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on July 22, 2009 at 8:20 pm  Comments (5)  

પ્રગટ દેવ – રમેશ પટેલ ‘આકાશદીપ’

પ્રગટ દેવ

પરબ્રહ્મ પરમેશ્વરે જગતને આપેલું અણમોલ નઝરાણું એટલે
પ્રત્યક્ષ દેવ માતાપિતા.આજ ભાવ શ્રી પ્રિયકાન્ત મણિયારની
,’આ નભ ઝૂક્યું તે કાનજી’ ની રચના સાથે રમ્યા અને
માતપિતાનું ઋણ સ્વીકારતાં આ કવન ગૂંજ્યું.

પ્રગટ દેવ

આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે

આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે

આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે

આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે

આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે

આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે

આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે

આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on July 22, 2009 at 8:17 pm  Comments (2)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers