નોરતાં – રમેશ પટેલ ‘આકાશદીપ’

નોરતાં

નવલાં નોરતાં ને નવલી છે રાત
ગરબે ઘૂમે આજ ભવાની માત
દઈ દઈ તાળી આજ ગાઓને રાજ
નવ નવ દેવીઓનાં દર્શનની રાત

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલે નોરતે ધબૂકિયાં રે ઢોલ
ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ

કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ
સૂણો સૂણો ઝાંઝરના ઝણકાર
હોમ હવન ને ભક્તિના નાદ

માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

રમે રમે લાલ કુકડાની જોડ
ચાચરના ચોકે મા બહુચરના બોલ
ઊડે ઊડે ગુલાલો ની છોળ
ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ

ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે લોલ …આવ્યાં આવ્યાં…

ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ
મંગલ વરતે માને દીવડે રે લોલ
આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on September 23, 2009 at 9:56 pm  Comments (2)  

શ્રાધ્ધ – રમેશ પટેલ ‘આકાશદીપ’

શ્રાધ્ધ

ભાદરવાના કૃષ્ણ પક્ષે પુનિત ‘ મહાલય’ શ્રાધ્ધ
ને છે ખ્યાત દેવ પૂજા શુક્લ પક્ષે આ દેશ

દઈએ પીંડ દાન અમરકંટક પર્વતે ધરતા ભાવ
સદા વરસે શીશે , પિતૃઓની પ્રીતિ વિશેષ

લઈ ખોબામાં તલ પુષ્પ ને કરું આજ સંકલ્પ
સ્મરું શ્રધ્ધાથી નામ ગોત્ર ને તમ દિવ્ય સ્વરુપ

ત્રિકાળ સ્નાન સંધ્યાથી કરું ભાવે આજ પિતૃ પૂજન
થાય અમારું શ્રાધ્ધ ફળદાયી, કૃપા કરો અમ સ્વજન

જાશું ગંગાજી કે નર્મદાજી તટે કે જાશું સરોવર તીર
ગયા, સિધ્ધપુર સરસ્વતીએ નમી અર્પીએ શ્રધ્ધા તર્પણ નીર

પધારો પિતૃલોકથી પંચ મહાયજ્ઞે વિશ્વદેવોને સંગ
ઉતારીએ પિતૃ ઋણ ને પામીએ સંસારે સર્વ આનંદ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on September 14, 2009 at 9:00 pm  Comments (1)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers