ભારતની ગૌરવગાથા – સ્વપ્ન જેસરવાકાર

ભારતની ગૌરવગાથા

(રાગ— આંધળી મા નો કાગળ )

ભારત છે દેવતાઓની ભૂમિ , થયા ઋષિ મુની ને સંત
એવી આધ્ય્ત્મીક્તાની ધરતી પરથી, દીપેશ લખે ખત
ભાઈ મારો નોર્વોક ગામે
બ્રિજેશ જેસરવાકર નામે
રામ -કૃષ્ણ -બુદ્ધ -નાનક ને થયા મહાવીર સ્વામી
હનુમાનજી-જલાબાપા-કબીર ને સહજાનંદ સ્વામી
સવાર-સાંજ આરતી કીર્તન થાયે
ભક્તિ ભાવમાં સૌ તરબોળ દેખાયે
સૂર્ય -ચંદ્ર – અગ્નિ – ધરતી- પવન ને ગૌમાતા
મહેનત પ્રમાણે આપે છે સૌને ઉપરવાળો અન્નદાતા
ગંગા-જમના- ગોદાવરી ને સરસ્વતી
તાપી- નર્મદા- મહી ને સાબરમતી
આ ધરતી પર માનવતા છે એક રૂડી ચીજ
આવેલા ને આવકાર આપે ઈજ્જતની છે બીક
ભૂખ્યાને એ ભોજન કરાવે
મુસીબત ટાણે દોડી રે આવે
સંસ્કૃત છે ધર્મની ભાષા અંગ્રેજી વેપારે વપરાય
હાંડી તો છે રાષ્ટ્ર ભાષા , ગુજરાતીએ વિવેક દેખાય
તમારે ત્યાં પાણીના પૈસા લેવાય
અહી તો મફત પરબો મંડાય
ઝાંસીની રાની- તાત્યાટોપે ને થયા બહાદુરસા ઝફર
સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓએ કરી કુરબાનીની સફર
થયો વિક્રમ પરદુઃખભંજન રાજા
રાણા પ્રતાપ ને શિવાજી મહારાજા
આ દેસની ધરતી પર થઇ ગયો એક ફકીર
આફ્રિકાની ભૂમિ પર ફેક્યું સત્યાગ્રહ નું તીર
સાબરમતીનો સંત એ કહેવાયો
અહિંસાના રસ્તે આઝાદી લાવ્યો
ભગતસિંહ -આઝાદ-મોલાના -લાલ-બાલ ને પાલ
શાસ્ત્રી-સુભાષ -નહેરુ ને સરદારે કરી છે કમાલ
અંગ્રેજી હકુમત ને ધ્રુજાવી
અખંડીતતા ની ધૂણી ધખાવી
ગેટ વે ઓફ ઇન્ડિયા મુંબઈમાં ને કલકત્તામાં બ્રીજ હાવરા
કુતુબ ,લાલકીલો દિલ્હીમાં ને તાજમહાલ છે આગ્રા
આણંદ માં છે અમુલ દેરી
રથયાત્રા માટે અમદાવાદ કે પૂરી
ગ્વાલિયર ને વડોદરા શ્રીમંત રાજવી ના શહેર
અજન્તા-ઈલોરા ની ગુફાઓ ને લખનઉંની છે લહેર
જયપુર તો છે ગુલાબી નગર
પટના મદ્રાસ ને અમૃતસર
અમેરિકા -રશિયા-ઇન્ગ્લંદ-દુબઈ ને પાકિસ્તાન
ભારતને જ માતા કહેવાય ના ચીન કે જાપાન
સમર્પણ ની ભાવના શિખાએ
પડોસી રાષ્ટ્રો ની મદદે જાયે
હવે વિગતવાર જણાવો ,મનડું હજુ ના ધરાય
અહીના લોકો કલ્પના કરે ,અમેરિકા કેવું દેખાય
ભારતની ગાથા દુનિયામાં ગવાય
‘સ્વપ્ન’ ની પાખે જો બેસવાનું થાય

સ્વપ્ન જેસરવાકાર

(૧૯૯૨ ના ફેબ્રુઆરીમાં લખેલું)

Published in: on January 17, 2010 at 2:21 pm  Comments (3)  

મારા ઉરનો પતંગ ઉડે આભમાં- ડૉ જગદીપ નાણાવટી

HAPPY SANKRAANTI TO YOU ALL.…..
DR. NANAVATI

ચાલ ભેરુને સંગ
લાલ દોરીને રંગ
ચિત્ત ચોટેના આજ કોઈ કામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

ચોક ફળીયા સૂમ સામ
પોળ કરતી આરામ
ગામ રંગે ચડ્યુ છે બધું ધાબમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

લાલ પીળા ચટ્ટક
ફુલ ખિલ્યાં અઢળક્ક
જાણે ધરતી વરસી’તી આસમાનમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

બોર ગંડેરી પાક
ખાવ ઉંધીયાના શાક
સાંજ રડવડતી ખાલી સૌ ઠામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

માર કાઈપા ની બૂમ
પછી પકડ્યાની ધૂમ
કોઈ દોડે લઈ ઝાંખરાંને વાંસમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

ફરરર ઉડી ગઈ લાજ
છેડ બિંદાસી સાજ
વહુ તાળી દે સસરાનાં હાથમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

ક્યાંક હૈયાનાં તાર
ક્યાંક છુપો અણસાર
પેચ લાગે છે ક્યાંક કોઈ આંખનાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

ચાંદ તારાને રાત
ઉગે સરખું પરભાત
તોયે કરતી ઉત્પાત
સાલી માણસની જાત
આભ વહેંચે છે અલ્લા ને રામમાં

ડૉ જગદીપ નાણાવટી

Published in: on January 13, 2010 at 9:29 pm  Comments (3)  

ઉતરાયણી અભિવ્યક્તિ…ગગુભા રાજ

ઉતરાયણી અભિવ્યક્તિ…

“એક તો વિશાળ ગગન, ‘ને એમાં આછો અડિયલ પવન,
વળી કરવાના કંઇ કેટલાય પેચ !!.,
કાચી દોરીનો, કાચો રંગરેજ, કયમ કરી કરવા અમારે પેચ?”

“કોમળ તે હાથે બંધાયેલ કિન્યા, ‘ને ઢઢ્ઢો વાળેલ,
લોટણ-ગોથણ અને છપ્પાવાનું , વિધિએ રાખેલ,
વળી મંઝિલ ક્ષિતિજે છેક.. કયમ કરી કરવા અમારે પેચ…”

ઉડી ઉડીને અમારે આઘે જવાનું? તો ફીરકીના સંબંધ શું કાચા?
તાર તાર થઇએ તોય છોડીએ નહીં,સંબંધો એવા નહીં સાચા?

ગગુભા રાજ
ગાંધીનગર, ગુજરાત

Published in: on January 13, 2010 at 9:28 pm  Comments (1)  

પતંગ- રમેશ પટેલ ‘આકાશદીપ’

ઉત્તરાયણ એય ગુજરાતની અને કાઈટ ફેસ્ટીવલની ધમાધમ, સાબરમતી રિવર ફ્રન્ટની શોભા અને દેશ અને વિદેશી પતંગબાજોના આકાશી ખેલ..તો આવો પતંગની મસ્તીથી ગીત ગાતા વ્યોમે વિહરીએ.

પતંગ

મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ
વહોને વાયરા ધીરે,મારે ઊડવું ગગન
મકર સંક્રાંતિનો પાવન છે પર્વ
પ્રકૃતિ પ્રેમ દોરે , મારે બાંધવું બંધન

હું ને પતંગ……………………

પતંગ તને ઊડવું ગમે
ને મને ઊડાડવું ગમે

નખરાળો પવન તને સતાવે ભલે
મોજથી મનગમતા પેચ લપટાવીએ હવે

નીરખે ગોગલ્સમાં કોઈ તને
દૂરથી જુએ કોઈ છાનું મને

એક આંખવાળો પાવલો સતાવે ભલે
હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે

ઓલો વિદેશી ઢાલ કેવો હંફાવી હસે
ને તારી જબરી શ્રીમતી લોટાવે મને

ખાઈ માલપૂડા ખખડાવ હવે થાળી ખાલી
લે હું પણ મારું અમદાવાદી ખેંચ છાનીછાની

દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ
સૂરતી દોરીની મોટી છે લૂમ

લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી
ઊંધીયા જલેબીથી ભરીએ મોટી થાળી

આકાશે ચગી અમારે દેવા સંદેશ
દાદા સૂરજ હાલ્યા મકરને દેશ

ઘરઘરનો દુલારો મારો ઉત્તરાયણ તહેવાર
રૂપલે મઢી પતંગથી છાયો કલશોર

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on January 13, 2010 at 9:28 pm  Comments (2)  

મારે ગામ- ગગુભા રાજ

મારે ગામ

અહીં…
વહે છે હવા અહીં અદ્દલ ગોકુળ-મથુરા જેવી..!!
વળી, મળે છે રોજ રોજ.. ખેતરના શેઢે મોરપીચ્છ,
ગાયોના ધણ અને આંગણે ચણ,
ગોરસ,છાસ અને દોણી-માખણ,
રચાય છે હજી રાસ…
સંસ્કાર અને શિસ્તના; પ્રાથમિક શાળાના ચોગાને…
નિશાળિયા ગોવાળિયા બની, મસ્ત ઝૂમે છે…
ત્યારે હજી મને લાગે છે…
કે અહીં… કાનાને અવતરવાની હજી જગા છે!!!

ગગુભા રાજ
ગાંધીનગર, ગુજરાત

Published in: on January 11, 2010 at 11:45 pm  Leave a Comment  

સ્વાગત નવા વર્ષનું- રમેશ પટેલ ‘આકાશદીપ’

સ્વાગત નવા વર્ષનું

ઝૂલે શાખે પુષ્પોના હારલા
કરતા સ્વાગત નવ વર્ષના
પ્રભાત નવલું ધરે સંદેશા
દિલથી આવકારો દેવાનું શીખીએ તો કેવું?

હરખાતું આંગણું રંગોળી ભાતે
ને સબરસના શુકન છે ઉંબરે
મધુરા સંગીતમાં મનને ભીંજવી
થોડો ખુદનો પ્રેમ વહેંચીએ તો કેવું?

ભરજો રે છાબ મેવા મીઠાઈની
ને દેજો સૌને ઉમંગે વધામણી
હળવેથી જઈને ઝૂંપડીની જીંદગીમાં
ભાવથી થોડી ખુશાલી ભરીએ તો કેવું?

રટજો મંત્ર પ્રગતિનો નવયુગે
પણ ના ડૂબાડતા જીંદગીને તાણમાં
નથી સમય એમ કહેતા ના કોઈને
થોડા હળવા થવાનું શીખીએ તો કેવું?

દૂરદર્શનની દુનિયામાં ખોવાઈને
શીદ એકલતામાં જાતને પૂરવી
પીરસાયે પ્રસાદ ૠતુ ૠતુના ભાવથી
કુદરતના ખોળામાં થોડા મહાલીએ તો કેવું?

ઘોંઘાટ પ્રકાશને કાગળના ફૂલોથી
છે ભપકો ભલા ભાઈ બહારથી
અંતર પટમાં ઝાંખી પરમ પ્યારને
ભીતરનું સૌંદર્ય ખીલવીએ તો કેવું?
નવલા પ્રભાતના સોનેરી સ્વપ્નો ઝીલીએ તો કેવું?

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on January 1, 2010 at 12:08 am  Comments (1)  

નગર ચર્યા – ડૉ જગદીપ નાણાવટી

નગર ચર્યા

ઉગતા સુરજની શેહમાં રમતું મળે નગર
હર શ્વાસ ને ઉચ્છવાસમાં રમતું મળે નગર

દફતર ભરી સવારમાં, જનનીની લ્હાયથી
પીઠે લદાયા ભારમાં, રમતું મળે નગર

રસ્તા, ગલી, કુચી ને વળી ફ્લાય ઓવરે
ચોગમ વળેલી ગુંચમાં, રમતું મળે નગર

ગિરજા મસીદ હો, કે હો મંદિરનાં દ્વાર પર
યાચી રહેલા હાથમાં રમતું મળે નગર

પકવાન દોઢસો ને ઓડકાર દંભનાં
ભભકે ભરેલી નાતમાં, રમતું મળે નગર

સઘળાં નિયમને ઓકતી નફ્ફટ આ ચીમનીઓ
ગળફે પડેલા રક્તમાં રમતું મળે નગર

આદર, અદબ, ને સ્મિત બિડાયા છે મૌન માં
ભંકસ, ટપોરી વાતમાં રમતું મળે નગર

ઓળા ઉતરતાં રાતના, વ્હિસ્કીને બોતલે
છલકી જતાં એ જામમાં રમતું મળે નગર

મણની તળાઈ રેશમી હો કોઈની ભલે
ફુટપાથ પરના સખ્શમાં રમતું મળે નગર

શહેરીજનો તો ઠીક ભલા ગામે ગામનાં
એકેક જણના ખ્વાબમાં રમતું મળે નગર

-ડૉ જગદીપ નાણાવટી

Published in: on January 1, 2010 at 12:08 am  Leave a Comment  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers