આવ આપણે રમીએ ધુળેટી
આવ આપણે રમીએ ધુળેટી, ગમ્મતને ગુલાલે એકમેકને રગદોળીએ,
આંખે ઉગેલ ગુલાબી રંગોમા, અતીતની ગમતી ફોરમ ભેળવીએ
ઘડી બે-ધડી ભારેખમ શબ્દાર્થોના કોથળા કાતરીયામાં લાદીએ
કોઇ કારણ વગર હસીએ ને, અમથુ અમથુ દેકારા માટે બોલીએ
આકાશે ઉગેલી સંઘ્યાની, ભરી ભરી પીચકારી છીનવી લઇએ
કેસુડાની વાંકી કળીથી વાંકુ વાઢી, કેસરી કેસરી થૈ મન ભરીએ
દૂરી થોડી દૂર કરીને પ્રીત્યુની પીચકારી, ભરી એકમેકને પલાળીએ
અણગમતાની કરી હોળી કાલે, ગમતાની આવ આપણે ધુળેટી રમીએ.
“કાકુ”