ગધનો- ગધની – દીપક ત્રિવેદી

ગધનો- ગધની

ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર, ગધની એમાં ડૂબી જાય !!
ગધનો ખીલે સોળ કળાએ નદીયુંની મોજાર, ગધની એમાં ડૂબી જાય !!
કમળ એટલે ગધનો, ગધની કમળપાંદડી જેવી….
વમળ એટલે ગધનો, ગધની ગતિશાસ્ત્રની દેવી ….
ગધનો ઝીલે ઝરમર વરસે અનરાધાર, ગધની એમાં ડૂબી જાય !!
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર, ગધની એમાં ડૂબી જાય !!
કોઈ બગીચો ગધનો, ગધની એના ફરતી વંડી….
મઘમઘ જંગલ ગધનો, ગધની એની તો પગદંડી….
ગધનો ફુગ્ગો ફૂલાનશીનો નો ફૂટે પારાવાર, ગધની એમાં ડૂબી જાય !!
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર, ગધની એમાં ડૂબી જાય !!
શબદ એટલે ગધનો, ગધની થાતી કાનો-માતર….
પવન એટલે ગધનો, ગધની એના ફરતી ચાદર…
ગધનો અર્ધો પાણી જેવો અર્ધો છે પગથાર, ગધની એમાં ડૂબી જાય !!
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર, ગધની એમાં ડૂબી જાય !!

દીપક ત્રિવેદી

Published in: on June 23, 2010 at 9:19 pm  Comments (2)  

ગાંધીનગરમાં ફૂંકાયેલ વાવાઝોડા “ડૅન” નિમિત્તે- ગગુભા રાજ

ગુજરાતના ગાંધીનગરમાં ફૂંકાયેલ વાવાઝોડા “ડૅન” નિમિત્તે ઓફીસની બારીએથી કંડારેલ કેટલાંક દ્રશ્યો

ઝળૂંબે…. (બારીમાંથી દેખાતો લીમડો)
લીલો પાઘડીયાળ ઝળૂંબે,
હરખે ડાળોડાળ ઝળૂંબે,
ચકલાંઓનો કાળ ઝળૂંબે,
વેગીલો વિકરાળ ઝળૂંબે….
માનવ હૈયે ફાળ ઝળૂંબે,
પર્ણે પર્ણે ઝાળ ઝળૂંબે,
ઉભો અંતરિયાળ ઝળૂંબે,
આઘો ‘ને ઓતરાળ ઝળૂંબે…..

ઊડે…. (ડમરી અને વંટોળ)

ધરતીમાની ઓઢણી ઊડે,
કોપિત કો’ જોગણી ઊડે,
ચોંટેલાંના ચાપ ઊડે,
પગલાં કેરી છાપ ઊડે,
સર સર સરતા સાપ ઊડે,
રજ રજ થઇ, સંતાપ ઊડે,
આડું ‘ને વળી અવળું ઊડે,
ઉપર-નીચે સઘળું ઊડે…..

-ગગુભા રાજ ગાંધીનગર (ગુજરાત)

Published in: on June 6, 2010 at 10:58 am  Leave a Comment  

પહેલો વરસાદ-૨ ડૉ જગદીપ નાણાવટી

પહેલો વરસાદ-૨

કેવા મઘમઘતાં ભાણાઓ પહેલા વરસાદમાં પરોસો
જાણે ધગધગતાં તાવા પર છમ્મ કરે ઐયરનો ઢોસો

પાછાં છબછબીયા, છાંટા, ને ગારો કીચડ બધાં ખૂંદે
ખીલે થનગનતાં બાળ, અરે બાકી રહે ના કોઈ ડોસો

ઓલ્યા સણસણતાં શેઢાના ભીનાપા સાદ ફરી પાડે
હાલો ખળખળતાં ખેતર જઈ, કાછડીને કમ્મરમાં ખોસો

તારી લથબથ આ કાયાથી નિતરતાં એક એક ટીંપે
મારી મનગમતી વાત કરી મારી લઉં સહેજ તને ઠોંસો

ઝીણી ઝરમરતી મસ્તીમાં એક વાર જાત ને ઝબોળો
સાલી બળબળતી આખી આ જીંદગીનો કાંઈ ના ભરોસો

ડૉ જગદીપ નાણાવટી

Published in: on June 6, 2010 at 10:52 am  Leave a Comment  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers