ગુરુ પૂર્ણીમા પ્રસંગે – ચુંથાભાઇ જીજીદાસ પટેલ

ગુરુ પૂર્ણીમા તા ૨૫ જૂલાઇ ૨૦૧૦ રવિવાર

અષાઢ સુદ પુનમનો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા જે આદિ- અનાદિથી મનાવવામાં આવે છે, સનાતક વૈદિક હિન્દુ ધર્મમાં ગુરુ પરંપરા ભગવાન નારાયણે જયારે સૃષ્ટીનો આરંભ કર્યો ત્યારથી શરુ થયેલી છે. નારાયણ જ આદિ ગુરુ છે, અને નારાયણ જ વેદ- વ્યાસ થઈને પ્રગટ થયા (જેમણે યજૂર્વેદ, સામવેદ ઋગ્વેદ અને અથર્વેદ એમ ચાર વેદોનું સંકલન કર્યુ હતુ માટે તે વેદ-વ્યાસ તરીકે પ્રસિધ્ધ થયા) માટે આને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુ પૂર્ણીમા એટલે ગુરુ (વડીલો) પ્રત્યેનો ૠણ ભાવ વ્યક્ત કરી, અહોભાવથી વંદન કરી ગુરુ મહિમા ગાવાનો શુભ અવસર. (સંસ્કૃત: गुरु) શબ્દએ બે શબ્દો, ‘ગુ’(અંન્ધકાર) અને ‘રુ’(પ્રકાશ)ની યુતી છે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિત. વ્યવહારીક દ્રષ્ટિએ શિ઼ક્ષક અથવા માર્ગદર્શકને પણ ગુરુ તરીકે સંબોધવામાં આવે છે.

સચ્ચિદાનંદ પરમહંસ (જય પ્રભુ) કહે છે કે “તારી અંદર રહેલો આત્મા જગતના તમામ ગુરુઓ કરતા અનંત ગણો મહાન છે” (સદગુરુ)

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ ગુરુ (સદગુરુ) નો મહિમા ગાતા કહે છે કે………………

(રાગઃ આ સંસાર મુસાફિર ખાનું……….)

ગુરુની ગાદી હ્રદય કમળમાં નિત નિત દર્શન થાય
સુરતા આનંદે લહેરાય સુરતા આનંદે લહેરાય

પ્રભાત સમયમાં વ્હેલા ઊઠી, ગુરુ ચરણમાં ચિતને રોપી
સાધક જનની શુધ્ધ મનેથી ગુરુની નમની થાય સુરતા આનંદે લહેરાય (૨)

હરિગુરુ સંત સ્વરૂપે ફરતા, પરખી જોતાં પાતક હરતા
ધર્મ નીતિ વિવેક સમર્પી શુધ્ધ બનાવે કાય સુરતા આનંદે લહેરાય (૨)

ભગવદ ભાવ ભરોસો ભારી, સંત શ્બ્દમાં દ્ર્ઢતા ધારી
અદેખાઇની અગ્નિ ટાઢી શિતળ જેવી થાય સુરતા આનંદે લહેરાય (૨)

અમી ભરેલાં નયનો જોઇ, સૌ કોઇને મન અચરજ હોઇ
હસતા મુખડે અમૃત સરખી વાણીથી સુખ થાય સુરતા આનંદે લહેરાય (૨)

જગત નિયંતા જગથી ન્યારો ગુરુગમથી પોતામાં ભાળો
અંતરથી તન મનથી ચુંથારામ જાણી લો જગરાય સુરતા આનંદે લહેરાય (૨)

——————————————————

મારે ધડપર ગુરુના શિશ હવે કાચી કલ્પના કેમ થાયે
મારે સમરથ ગુરુ જગદિશ હવે કાચી કલ્પના કેમ થાયે

સુરતા છોકરી ઢીંગલે રમતી બાળપણાની રીત
સમય જાતાં સમજણમાં આવી વિવેકે રંગ્યા ચિત હવે કાચી કલ્પના કેમ થાયે

શરીર હું નહી સગુણ રૂપે ગુરુજી તણો દિદાર
ધર્મનીતિનું પાલન કરવા સ્વિકાર્યો સંસાર હવે કાચી કલ્પના કેમ થાયે

વસ્તું માથી પરમ વસ્તું જાણી લીધી નિર્ધાર
અમીરસ ઘૂંટડો ગળે ઉતરીયો તુરંત થયો પ્રકાશ હવે કાચી કલ્પના કેમ થાયે

સદગુરુ શબ્દે સુરતા ચાલી નિજપદમાં નિર્ધાર
દાસ ચુંથારામ સદગુરુ સંગ ભરતાં ભવનો બેડો પાર હવે કાચી કલ્પના કેમ થાયે

——————————————————

વારી વારી ગુરુજી બલિહારી રે
મારા ર્હદય બગીચાના માળી ગુરુજી બલિહારી રે

કુણા અંકુરે જ્ઞાન પાણી પોશિયા રે
કાંટા કાકળા વળાવ્યા વાડી ઓપી ગુરુજી બલિહારી રે

કીધી સડકો સાહેબ દરબારની રે
ચાર ચૌટાની બાવન બજારી ગુરુજી બલિહારિ રે

કીધી બોંતેર બેઠકની બંગલી રે
ત્યાં ગાદી ગુરુની રંગ પ્યારી ગુરુજી બલિહારી રે

ફૂલ ખીલ્યાં ચાદર નવરંગની રે
ગુરુ છેલ છબીલો વનમાળી ગુરુજી બલિહારી રે

જાણે વિજળી ગગનમાં ઝબકી રે
દાસ ચુંથારામે નયને પરખી ગુરુજી બલિહારી રે

——————————————————

ગુરુજી ખેવટીયા પાર કરો નૈયા ભવસાગરની માંય પાર ઉતારો ને
પકડો બલૈયા, સાગર તરૈયા, સંસાર સાગર માંય પાર ઉતારો ને

સંસાર સાગર મહાતોફાની ગહેરાં ગંભીર પાણી
મોજાં ઉછાળે રવ રગદોળે તરંગો જાયે તાણી
દોરી સોપી ગુરુના કર માંય પાર ઉતારો ને

કડવા, તીખા ખારા, ખાટા શબ્દો મગર તોફાની
ઇર્ષા તૃષ્ણા લાલચ આશા લાંબી ચાંચો ફાડી
ઘેરો ઘાલી કરે ઘમસાણ પાર ઉતારો ને

નૌકા મધ્યે ગુરુ દયાથી સ્થિરતા સ્થંભ રોપાવી
નિવૃત્તિ શઢમાં જ્ઞાન પવનની ચોટો જબળી લાગી
ચુંથા નાવ ચલી સડસડાટ પાર ઉતારો ને

——————————————————
ગુરુજીની જુક્તિમાં આવિચળ વાણી
અવિચળ વાનીનો પડઘો લગ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

સખીઓનો સંગ છોડી જાવું નિર્વાણે
અનવય અનામી લાગ્યો મીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

વિવેક વિરોજી આવ્યા સુરતા વળાવવા
ઝાંપે જગદીશનો માફો દીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

માફામાં સુરતા બેની વિરે પધરાવ્યા
ચૌવા ચંદનનો ચાંદો ચોડ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

અનહદ પૂરીના વાજાં નોબતો વાગી
ચુંથારામ મોક્ષ દરવાજો ખુલ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

——————————————————
ગુરુજી રણબંકા રાજ મેઘ અષાઢી
મોર નાચેને ચલ્લી પાંખ પ્રસારે રાજ બપૈયા બોલે

જ્ઞાનની ધારા વૃષ્ટી વરસવા લાગી
પત્થર ર્હ્દયની ભુમી પોચી બનાવી રાજ બપૈયા બોલે

ચોખા બનેલા ક્ષેત્રે બીજ વવાયાં
અંકુર ફુટીને ડળે પાંદે છવાયાં રાજ બપૈયા બોલે

ગુરુની કૃપા દ્રષ્ટીથી પુષ્પો રે ખીલશે
પુષ્પો ખીલીને પાકાં ફળ અનૂભવશે રાજ બપૈયા બોલે

પૂર્વના પૂન્યે મળીયા ગુરુ ભલાભાઇ
ચુંથારામ ર્હ્દયમાં દિવડો ઝગમગ ઝગાવ્યો રાજ બપૈયા બોલે

—————————————————-

ગુરુ રસિયા પુરણ કામ ગુણના ધામ ગુરુજી હમારા દીનોના તરણહારા
ગુરુ જ્ઞાનની ગોળી આપે છે,
મહારોગ સમૂળો કાપે છે

રગરગમાં જ્યોતિ તેજ તણા ધબકારા દીનોના તારણહારા
મુક્યુ નામનું નસ્તર સુખકારી,
મારી અંતર વેદના સૌ ટાળી

પરઉપકારી ગુરુ સમરથ વૈદ હમારા દીનોના તારણહારા
ગુરુ નયનોમાં નયન મિલાવ્યા કરું
ગુરુ ચરણોમાં શિશ જુકાવ્યા કરું

દાસ ચુંથારામના હૈયે અમૃત રસની ધારા દીનોના તારણહારા

-ચુંથાભાઇ જીજીદાસ પટેલ

Published in: on July 25, 2010 at 1:38 pm  Leave a Comment  

શબ્દોને ચડી ગઈ છે ખાલી- ડૉ. રાજેશ પ્રજાપતિ

શબ્દોને ચડી ગઈ છે ખાલી,
ને નિતરે છે કલમ થી પાણી.. શબ્દો ને ચડી..

આભાસ વસંતનો ભરપૂર થયો,
ને પાનખરે કર્યા ઝાડવાં ખાલી…. શબ્દો ને ચડી..

આ જોને હમણાં બાળપણ હતું,
ને જુવાની’ય છીનવાઇ ગૈ ખાલી….શબ્દો ને ચડી..

હજુ સમરું છુ સ્મરણો હું તારા,
ને વિદાયથી તારી ઘર થયું ખાલી….શબ્દો ને ચડી..

નિત નવા સુખ-દુ:ખ પોષી પીધાં,
ને કાળજે ચડી યાદોની વેલ ખાલી…. શબ્દો ને ચડી..

ડૉ. રાજેશ પ્રજાપતિ

Published in: on July 19, 2010 at 9:20 pm  Comments (3)  

હું મને મળી શકતો નથી- ડૉ. રાજેશ પ્રજાપતિ

હું હમણાંથી મને મળી શકતો નથી,
કોઇને પણ ઈચ્છું તો
લગભગ મેળાપ થઈ જાય છે,

મારા જ ફોનથી,
જો માર નંબર પર
મને ડાયલ કરું તો,
હંમેશા એંગેજ ટોન સંભળાય છે…

થાય છે કે …
શું ખરેખર હું વ્યસ્ત થૈ ગયો છું?

ફરી પ્રયત્ન કરું છું અન્યને,

ક્રુપા કરી ને થોડી વાર પછી ડાયલ કરો,
સંભળાય છે માર એક અંગત નંબર પર..

ઘણી વખતે પહોંચની બહાર જતા રહે છે તે,
જે હંમેશા દિલ ની ધડકનો સાથે રહ્યા છે,

રીંગ વાગે છે સામે છેડે,
ને દીલ ની બેતાબી તેજ થતી રહે છે;

‘કટ’ થતો ફોન આપોઆપ
‘સ્વીચ ઓફ’ થૈ જાય છે!!!

ફરી ડાયલ કરું છું

મારા ફોન થી મારો નંબર
ને
સંભળાય છે…

‘ઇસ રુટકી સભી લાઈને વ્યસ્ત હૈ!!!’

થાય છે કે
ખરેખર હું મને મળી શકતો નથી!!!…

ડૉ. રાજેશ પ્રજાપતિ

ડૉ. રાજેશ પ્રજાપતિ વિશે વિશેષ જાણવા અને એમના બ્લોગ્સ માણવા આ લિંકો પર ક્લિક કરશો.

http://www.shashvatxama.blogspot.com/

http://www.rajesh-prajapati.blogspot.com/

http://www.shashvatgujarati.blogspot.com/

Published in: on July 15, 2010 at 9:16 pm  Comments (1)  

તજીએ માન ને ગુમાન- ચુંથાભાઈ જીજીદાસ પટેલ

(રાગઃ મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે……)

સજીએ સદગુરુની શાન તજીએ માન ને ગુમાન,
અહમતા મમતા ત્યાગ કરીને મનની મટકી ફોડીએ,
ભજીએ ભવતારણ ભગવાન તજીએ માન ને ગુમાન.

કરમ ભરમના મોહ જંજાળો ગુરુના શબ્દે તોડીએ
કરીએ નીજ સ્વરૂપનું ભાન તજીએ માન ને ગુમાન.

એક રૂપ જગ વ્યાપક ભરપૂર અનુંભવ આંખે દેખીએ,
અહંકાર ઓઠે રહ્યો ભગવાન તજીએ માન ને ગુમાન.

ખોજ કરીલે દિલની અંદર તનનો તાપ મીટાવી દે,
ચુંથારામ ગ્રહી લઇએ ગુરુ જ્ઞાન તજીએ માન ને ગુમાન

સજીએ સદગુરુની શાન તજીએ માન ને ગુમાન

ચુંથાભાઈ જીજીદાસ પટેલ

Published in: on July 15, 2010 at 9:15 pm  Leave a Comment  

આવ તું મારી પાસ – રીટા પટેલ

આવ તું મારી પાસ,
લાગણીભીનાં હ્રદયની વાતો, કહેવી છે તને ખાસ.

વરસાદી આંખોમાં વસતું એક સોનેરી શમણું,
કોરાકટ હૈયે ચિતરાય બસ, મુખ તારું નમણું,
આ આંખોમાં-રુદિયામાં, નથી કોઈનો વાસ.
આવ તું મારી પાસ……

ખળખળ વહેતા ઝરણાની જેમ, આપણે વહેતા રહીએ,
જીવનના તડકા-છાયાં સૌ, સંગે સહેતા રહીએ,
યાદો તારી આવે જાય, જાણે શ્વાસ-ઉચ્છવાસ.
આવ તું મારી પાસ……

રીટા પટેલ

Published in: on July 13, 2010 at 7:14 pm  Comments (2)  

એક ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

મોસમ બધી ગુલાબી હજુ એ ની એ જ છે
ઝાંખપ કદાચ મારી નજરમાં જ સહેજ છે

સુક્કા થયેલ ઓષ્ટ, અને શુષ્ક ચામડી
કિંતુ હ્રદયમાં પ્રેમનો એવોજ ભેજ છે

સાધુ, જતિ ને શોભતી વાણી હવે વદું
વાતો અમારી ક્યાં હવે એ નોન-વેજ છે..!!

લાગે નહીં કે માલ આ જુનો થયો જરી
તોયે કરચલી, તારીખો ચહેરે લખે જ છે

સંસારના આ બોજને લાદીને પીઠ પર
કાયા અમારી ખુદ હવે જાણે લગેજ છે..!!

બપ્પોરને સમય તમે સંધ્યાના રંગ દો
અલ્લાહ ઉતાવળ કરી થોડી તેં છે જ છે

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on July 13, 2010 at 7:13 pm  Leave a Comment  

સાજણ રહે છે સાવ કોરા! – વિમલ અગ્રાવત

આયખામાં આવી છે આષાઢીસાંજ અને ઝરમરિયા વરસે છે ફોરાં.
સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા.

સાજણ કરતા તો સારું બાવળનું ઝાડ જેને છાંટો અડતા જ પાન ફૂંટે.
સાજણ સંતાય મૂઓ છત્રીમાં આખ્ખું આકાશ અરે મારા પર તૂટે.
પલળી પલળી ને હું તો ગળચટ્ટી થાઉં પછી સાજણ લાગે છે સાવ ખોરા.
સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા.

ચૈતર વૈશાખ તો સમજ્યા પણ આષાઢી અવસરને કેમ કરું પાર.
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર.
વરસાદી વાયરાઓ ચાખી ચાખીને હવે ચાખું છું છેલ્લા કટોરાં.
તોય મારા સાજણ રહે છે સાવ કોરા.

વિમલ અગ્રાવત

પરિચય:
વતન: કવિ બોટાદકરની ભૂમિ બોટાદ.
અભ્યાસ: કવિ શ્રી બોટાદકર કોલેજમાં કવિતાનો ક ભણીને સંસ્કૃત વિષય સાથે અનુસ્નાતક.
વ્યવસાય: રાજુલાની જે.એ.સંઘવી હાઇસ્કૂલમાં શિક્ષક.
નિવાસ-સ્થાન: જાફરાબાદ, જિ.અમરેલી

http://agravatvimal.wordpress.com/ વિમલભાઈના બ્લોગમાંથી સાભાર.
કવિતામાં ગીત એ મારું પ્રિય સ્વરૂપ છે.અહીં મુખ્યત્વે મારા પ્રકાશિત ગીતો જ મૂક્યા છે. ગીતો કેવા લખાય છે એતો તમેજ કહેજો.આ બ્લોગ દ્રારા હું કાવ્યરસિકો સુધી પહોંચવા ઇચ્છું છું.જેથી મને મારી રચનાઓ વિશે અભિપ્રાયો મળે,ત્રુટીઓ સુધરે,સાહિત્યરસિક મિત્રો મળે,પ્રત્યાયન થાય અને કશું વધારે પામી શકાય. આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે.

Published in: on July 8, 2010 at 7:23 pm  Comments (1)  

આપણે કેમ મળતા નથી ? – ડૉ. સુરેશ કુબાવત

આપણે કેમ મળતા નથી ?
———————————–
એ તરફ હવે રસ્તાઓ વળતા નથી
શું એટલેજ આપણે મળતા નથી ?

ઉગુ ઉગુ થાય એક કેડી તારા તરફની
ખૂટે છે એટલું કે પગલા હજુ પડતા નથી

વ્યર્થ મથો છો એને ઝીલવા, ઓ આયનાઓ
સૂર્યના પ્રતિબિંબો એમ રેઢા- રઝળતા નથી

માંડો કાન તો દરિયો ઘૂઘવશે મહી
ઝાંઝવાઓ કદી એમ ખળભળતા નથી

ઉઘડી ગઈ છે આંખ ક્યારની અમારી
એટલું ખરું કે હવે સળવળતા નથી

ખૂટે છે એમાં જે અટવાણા સાત સૂરમાં
ને આઠમા સુર કાજ ટળવળતા નથી.

ડૉ. સુરેશ કુબાવત

શબ્દ, સંવેદના અને સંગાથનું મેઘધનુષ માણવા એમના બ્લોગની મુલાકાત લેવી જ રહી.

http://koobavat.wordpress.com/

Published in: on July 8, 2010 at 6:57 pm  Comments (1)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers