મેલી ભારત માભોમ ઘેલી અમેરિકી રે ભોમ જનાવર શું જીવી રહ્યો
જોઈ લખમી દોમ દોમ ખોઈ જનૂન ને જોમ જનાવર શું જીવી રહ્યો
સાધવા ડોલરિયા કોડ સજીને હું હરણાં દોડ દોડી કરતો બબ્બે જોબ
ખમી ડફણા ને દોષ દબાવી દિલડે રોષ ખરેખરો ખર શું જીવી રહ્યો
બસ ઓઢીને થાક સમણાંયે બોસની ધાક નસકોરાં ઝંખી જાગે નાક
ગઈ કામ ઢસરડાંમાં ઉંધ તોયે પટપટાવી પૂંછ કુક્કર શું જીવી રહ્યો
જમી ફાસ્ટફૂડ શી એંઠ કરી હાથીપગા શું પેટ ભમું લઈ ગામની વેઠ
હું તો ગરજડાં કેરાં ગાઈ ‘હા’જી હાલરડાં શુકર ડુક્કર શું જીવી રહ્યો
બૈરાં સામે ગમાર ભેંશ ખરગોશ શો નરમ ઘેંશ રે દિલ તબેલો સૂનો
ઘાંચી બળદ છોરાં સાથ રે નાચી માંકડા નાચ વાનર શું જીવી રહ્યો
બધે હો કાગડા છો કાળા અહીં તો બોલબાલા જો શબદ રૂપ રૂપાળા
બદલી રંગ કાચિંડા શા યા ચીતરી રૂપ કાં ના કાબર શું જીવી રહ્યો?
દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નિયા
NRG/NRIની વ્યથા કથાનું વેધક નિરૂપણ કર્યું છે.
ખાસ કરીને:
દોમ દોમ લખમી
ફાસ્ટફૂડ શી એંઠ, હાથીપગા શું પેટ
ગરજડાં કેરાં હાલરડાં
કાચિંડા શા રૂપ
જેવા તાજગી સભર શબ્દપ્રયોગો વાતને વધુ ઉત્કટ કરે છે.
પરદેશના આ નવયુગના જીવનને એક એક શબ્દથી ચિતાર આપી
સાચી મનઃસ્થિતિને આપે આબેહૂબ રજૂ કરી છે.શ્રી દિલીપભાઈ,
ધંધો કે નોકરી આજે આ ડોલરને રળવા ,માણસ ઘરનો મટી જઈ
મહા વેઠિયો બની પરાણે આનંદનો ડોળ કરી રહ્યો છે.ઝાકમઝાળ
પણ કાગળના ફૂલોની..શું જાણે બીચારો વસંત શું છે.
રમેશ પટેલ(આકાશદીપ)