બનવું કદમ્બ કુંજગલીનો છોડ
તૃણ શા સૂકા સૂના આ આયખામાં વનરાવન વાવવાના વાલમ જાગ્યા છે કોડ
તું એક વનમાળી માવા ઝંખુ ત્હારી જોડ રુદિયામાં રહી મારા જીવતરને તું મોડ
વક્ષવેલીને બનવું કદમ્બ કુંજગલીનો છોડ
મેદ વિષય વાસનાનો મેલી મેં તો કલેવર કીધું પોલો વાંસ
રાહ જોઉં છું ક્હાન ખોલી આંખ કાન શા ઈન્દ્રિય દ્વાર જે પાંચ
લઉં જે શ્વાસ ભરી તારો સાદ વેણુ મારી એવી વગાડ ધેનુ થઈ મળવા મૂકું દોડ
વક્ષવેલીને બનવું કદમ્બ કુંજગલીનો છોડ
કળી કુરુક્ષત્રે કર્મઠ કામઠે માણવો મનડે નિમિષ્યારણ માહોલ
યમુના તીર રાગ ગિર પીગાળી પંડે મ્હોરવો મહિમાનો મોલ
ધાર્યું મેં ગાંડિવ પંડ પ્રતિ ગોવિંદ છોડ સુદર્શન ચક્ર સ્નેહે ને મનખાભાવ તું તોડ
વક્ષવેલીને બનવું કદમ્બ કુંજગલીનો છોડ
તૃણ શા સૂકા સૂના આ આયખામાં વનરાવન વાવવાના વાલમ જાગ્યા છે કોડ
તું એક વનમાળી માવા ઝંખુ ત્હારી જોડ રુદિયામાં રહી મારા જીવતરને તું મોડ
વક્ષવેલીને બનવું કદમ્બ કુંજગલીનો છોડ
દિલીપ ર. પટેલ
જૂન 26, 2009