સાજણ ધોધમાર વરસાદ પડે છે- વિમલ અગ્રાવત

તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઢાલ ફગાવી,બખ્તર તોડી,લોક વીંધાવા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઘેઘેતીટ તાગીતીટ તકતીર કીટ્તક પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો,ચુંદડી,કંગન,કાજળ,લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

હું દરિયે દરિયાં ઝંખું ને તું ટીંપે ટીંપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય, અરે ભરચક ચોમાચા જાય ને મારું અંગ સકળ અકળાય રે નફ્ફટ! ધોધમાર વરસાદ પડે છે.

વિમલ અગ્રાવત

Published in: on December 29, 2010 at 8:08 pm  Comments (3)  

નારી – વિપુલ પરમાર ‘હાસ્ય’

દીવડા કેરી જ્યોત બની અંધારાને ખાળી,
ધૂપસળીની સુગંધ બની ખુદનું જીવન બાળી,
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.

પતિના પગલે પગલે ચાલી, વનની કેડી કેડી,
રાજપાથના સુખ છોડ્યાને છોડી ઉંચી મેડી,
બેઠી ચિતામાં ચુપચાપ, સૂણી રાઘવ કેરી વાણી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.

પરમેશ્વરને પતિ માનીને ઘૂઘરું બાંધી નાચી,
રાણાનું એ ઝેર પી, બની અમૃતે મધમાતી,
માધવને મજબૂર કરે, આ મેવાડની મહારાણી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.

સંસ્કાર અને શૂરવીરતાના હાલરડાં તું ગાતી,
દોષ નહિ તારો છતાં પણ તું શલ્યા બની જાતી,
પત્ની, માતા, બેન બનીને ઘર ઘર મહી પૂજાણી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.

ખાઓ …કસમ સૌ સાથે મળીને,
દીકરીને રાખશું દીકરો ગણીને,
ભણી, ગણેલી નારી આખા કુળને લેશે તારી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.

વિપુલ પરમાર ‘હાસ્ય’
સ્વરાંકન : આનંદ સોની

અનુસૂચિત જનજાતિની પચાસ શાળામાં ત્રીજા નંબરનું વિજેતા ગીત
સ્થળ : કપરાડા, વલસાડ.

Published in: on December 9, 2010 at 8:59 pm  Comments (1)  

બે ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

જીવનની સાપ સીડીના અમે મહોરા હતાં
કદી ટોચે કદી તળીયે ભટકનારા હતાં

નથી અમથો તમારો બાગ નફરતનો ખિલ્યો
તમારી લાગણી ખાતર-અમે ક્યારા હતાં

અમારી આંખ ફરકે, દિલ જરા થડકે વધુ
તમારા આગમનના બે જ વરતારા હતાં

કલમમાં શાહી ક્યાં, લોહી અમારૂં બોલતું
તમે માન્યુ અમે અવસર ઉજવનારા હતાં

ઝઝુમ્યો મોત સામે, જીદગી આખર સુધી
બધા કહેતા, ખુદાને કેટલા પ્યારા હતાં

—————————————

સહજતા પામવી કપરી ઘણી છે
મુલાયમ કાચ પર હીરા કણી છે

સમયના કાંગરા ભુલી ગયા કે
ઈમારત સાવ તળીયેથી ચણી છે

તમારી હર અદા, મૃગજળ સરીખી
અમે ઓ બેવફા, અંગત ગણી છે

ભલે ગાતા ન હો, જાહેરમાં પણ
ગઝલ મારી બધાએ ગણગણી છે

સતાવ્યા જીંદગીના સહુ, સુતા છે
મઝારે એક સરખી લાગણી છે

- ડૉ. જગદીપ નાણાવટી

Published in: on December 9, 2010 at 8:59 pm  Leave a Comment  

મારી આંખ ખુલે તો સારું! – રાજેન્દ્ર ત્રિવેદી

મુજને મનમા નિશદિન થાતુ આ જીવન શુ છે મારૂ ?
મોડી વહેલી આપણ સૌની આંખ ખુલે તો છે સારું !
મારી આંખ ખુલે તો સારું !

મુજને મનમા નિશદિન થાતુ શા માટે જીવન મારુ ?
મોડી વહેલી આપણ સૌની આંખ ખુલે તો છે સારું !
મારી આંખ ખુલે તો સારું !

નયનાની આળસમા મે તો ના નિરખ્યા જીવનદાતા,
ઝુરી ઝુરી જીવન ગાળ્યા અન્ધારા જીવન ભાસ્યા.

મન મન્દીરમા બેઠા પણ સારી દુનિયા એ ઢુઢે સૌ,
પ્રાણ પિયુને મેળવવા સૌ વિરહે વિચરે દુનિયા સૌ.

પ્રેમ કૃપાએ પામ્યો પ્રિતમ પિતામ્બર વાઘાધારી,
વ્રુન્દાવનમાં રાસે રમતો સૌ સાથે એ વનમાળી.

સુતા સુતા પરોઢ થાતાં આંખ ખુલે નિરખે મારી,
મલકે સામે મુજની મારી મોહન મુરલીનો ધારી.

રમતા રાસે રાજે આજે માણયો મનનો મોહનીયો,
ગીતે ગીતે ગરવે ગાતો રાધે રાઘે ગોવિન્દો.

રાજેન્દ્ર ત્રિવેદી

Published in: on December 9, 2010 at 8:56 pm  Leave a Comment  

બે ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

હજી ચીઠ્ઠી ખોલી મેં તારા ગામની
નરી ખુશ્બુ આવી રે તારા નામની

ભરી મહેફિલને સહેજે ગરમાવવા
કરો હરકત બે, બરકત “બેફામ”ની

નથી તસ્બીથી પામ્યા અલ્લાહને
પછી ઈર્ષ્યા કરે કાં, એ જામની..?

તને શમણે મળીને આંખ ખોલતાં
જુઓ ઝાકળ બાઝી ગઈ બદનામની

મને દફનાવ્યો, કારણ બસ એજ છે
નડી અમને પણ શંકા શ્રી રામની

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌——————————————-

પડઘા સાથે ખામોશીના સગપણ જેવું
જીવતર મારૂં અંધારામાં દર્પણ જેવું

ખુશ્બુ તારી, ના હો સહેજે, શ્વાસોમાં જો
મધમાં લાગે ખુટતું હો કંઈ ગળપણ જેવું

જે કંઈ છે તે આ છે અલ્લાહ, મયખાનામાં
પ્યાલીને તું સમજી લેજે તર્પણ જેવું

મારૂં હોવું મહેફિલ વચ્ચે તારી, જાણે
પગમાં ચોંટી મેલી શી એક રજકણ જેવું

ક્ષણના તાણા વાણા વણતાં ઘટના સાથે
પહેરી લીધું આખર પહેરણ ઘડપણ જેવું

ખુલ જા સીમ સીમ બોલ્યા ન્હોતા, તોયે ખુલતાં
મૃત્યુના આ દ્વારે લાગે અડચણ જેવું

- ડૉ. જગદીપ નાણાવટી

Published in: on December 5, 2010 at 1:53 pm  Leave a Comment  

ગઝલ – વિજય ચલાદરી

ઝરમર ઝરમર વરસે કેવું!
ચાતક જોઈ મલકે કેવું !

વીજ વગરની વાત કરો મા,
વાદળ વાદળ ચમકે કેવું!

કોયલ ભૂલી ગીત મઘૂરાં,
મોર બનું તો મળશેકેવું ?

તારે મારે ભીંજાવાનું,
હૈયે હૈયું છલકે કેવું !

શબ્દો મૂકી વાત કરું તો,
અક્ષર અક્ષર તરસે કેવું !

- વિજય ચલાદરી

Published in: on December 5, 2010 at 1:49 pm  Leave a Comment  

લયસ્તરોની છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે

ગુર્જર-બ્લોગમાં ટહુકી પ્રભા હાં પ્રગટી એ લઈ લયસ્તરો
જામી જુઓ પ્રબુધ્ધોની સભા મૂક્યાં છો બુક પેન બિસ્તરો
રોજબરોજ એ પીરસે રાજભોગ રેલી રાગિણી રસથાળની
કોળી કલ્પવૃક્ષ કાવ્યોના ઘટ પનઘટમાં સદા એ વિસ્તરો

છ છ વરસથી સતત બેનમૂન કાવ્યોની આસ્વાદ સહ રસલ્હાણ પીરસી અમ જેવા કાવ્ય પિપાસુઓની ક્ષુધા છિપાવતી આ લયસ્તરો શી પરબડીનું સેવાકાર્ય કરવા બદલ ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ ટીમનો આભાર અને કવિલોક.કોમ વતી શુભેચ્છાઓ.

દિલીપ ર. પટેલ
જયેશ ર. પટેલ

Published in: Uncategorized on December 5, 2010 at 1:43 pm  Comments (2)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers