આજ દીકરીને અઢારમું બેઠું – દિલીપ ર. પટેલ

આજ દીકરીને અઢારમું બેઠું એની રે વ્યથા હું તો આઠે પહોર વેઠું
હાં ખેલતી અમથી હુતુતુતુ કે દિલમાં એના ભૂત બોયફ્રેન્ડનું પેઠું

પરણેતર એને બસ ગુજ્જુ ડૉક્ટર જોઈએ ને પંડે બનવું છે નર્સ
રાજ્જા થકે વાઢકાપ કરાવી ગજવા કપાવી ભરવી રે એને પર્સ
હાં રે સોચે ક્યારે ટળશે વિધિનો કર્સ કે ના રહે રાજકુમારથી છેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

દાણો એક ખિલનો પાંગરે કે ચહેરો એનો અખિલ થૈ જાય વિહ્વળ
હરી વાળ રુંવાટી કરી ચામ સુંવાળી કલેવરે રે ખીલવવા કમળ
યુ ટ્યુબ દર્પણ સમક્ષ સર્પણ થઈને નાચે એ પ્યારું પાલતું ઘેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

ના દિશાભાન કઈ મંઝિલ લેવી પણ શૉફર ઝંખે સ્પોર્ટ કાર લેવી
જાણી ખુદને રૂપરૂપની દેવી ગિફ્ટ તો જોઈએ હિરા માણેક જેવી
યુએસ પરદેશ પેલે પાર જાવા શમણાંમાંયે એ તો હાં શોધે સેતુ
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

રસોઈ ને ઘરકામ ના જાણે થોડું અને શિખામણ દેતાં ફેરવે મોઢું
બેડરૂમ કે બાથરૂમમાં બસ એતો જીવતી ને શોપીસ જાણે રસોડું
ફોન બિલ મોટું લાવે ઘેર રાતે મોડું આવે ના રે થાતું હું તો ચેતું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

બેખર્ચાળ બ્રાંડ લઈ પાર્ટીઓ ગ્રાંડ દઈ એ ગુંજતી ડૉન્ટ વરી ડૅડ
મોજશોખ જ ગમે રોકટોક ન ખમે બહુ રે બોલતી ડૉન્ટ ગેટ મૅડ
ચેનચાળામાં રે વદે આઈ લવ યુ ડૅડ મનમાં થતું વારંવાર ભેટું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

‘દીકરી તો છે પારકી થાપણ’ એહ વિચારે આજ ભિંજાઈ પાંપણ
જળ જેણે ન કદીયે પાયું હાથ એ ટીસ્યુ લાયું શું આયુનું ડહાપણ
બાલમંદિર બાળા મેલી દિલ સ્મૃતિમાળા માંજજે સાસરીયે બેડું
આજ દીકરીને અઢારમું બેઠું કે દિલમાં એના ભૂત બોયફ્રેંડનું પેઠું

આજ દીકરીને અઢારમું બેઠું એની રે વ્યથા હું તો આઠે પહોર વેઠું
હાં ખેલતી અમથી હુતુતુતુ કે દિલમાં એના ભૂત બોયફ્રેન્ડનું પેઠું

દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા
સપ્ટેમ્બર 28, 2010

આજ પોયરાને પંદરમું બેઠું – દિલીપ ર. પટેલ

આજ પોયરાને પંદરમું બેઠું એની હાં પીડા હું આઠે પહોર વેઠું
લાડકું રે બેટું મારું લાગે ટેંટું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

શોધવા મૂંછનો દોર જ્યાં દર્પણ વિહ્વળ મથતો દેવા એને વળ
દાઢી તો ભાલપ્રદેશ તોય શેવ કીધા વિણ એને ન પડતી કળ
વાતેવાતે ગર્જી કહેતો યુ ડૉન્ટ નો ડૅડ ખોયું મેં તો પાલતું ઘેટું
આજ પોયરાને પંદરમું બેઠું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

ના સાનભાન શી મંઝિલ લેવી પણ કાર છે લેવી કોરવેટ જેવી
છે બેખબર રૂઠી લખમીદેવી ના રે ગમતી મારી સેકંડહેન્ડ સેવી
પાળ્યો પોષ્યો જાણી ધ્રુવકુમાર આજ તો બન્યા અમે રાહુ કેતુ
આજ પોયરાને પંદરમું બેઠું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

શિખામણ હાં પૂછપરછ બધી ઠુકરાવે ગણી શરણાગતિનો બોધ
મોબાઈલમાંજ મળે કરી રે ક્રોધ ફ્રેન્ડ સંગે છોડે સ્માઈલનો ધોધ
બોય બિચ્ચારો બાયપોલર લાગે મનડુંયે મારું શંકાશીલ રહેતું
આજ પોયરાને પંદરમું બેઠું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

પ્રોટીનશેક જાણે મેવા ભાણે પરસેવા માણે ઓઢે ફીટનેશ બુક
ગોટલો ઘાલી એ તો પંડે પાડે ફોટા ફેસબુક કાજે કરી ફેક લુક
યાદપાટી ખોલી તો દિલ છે મૂક રે બાપ બેટામાં ના જરી છેટું
આજ પોયરાને પંદરમું બેઠું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

આજ પોયરાને પંદરમું બેઠું એની હાં પીડા હું આઠે પહોર વેઠું
લાડકું રે બેટું મારું લાગે ટેંટું કે મનમાં એના ભૂત મર્દાની પેઠું

દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા
સપ્ટેમ્બર 28, 2010

ટેંટું- કેફથી ચકચૂર; મર્દાનગીના નશામાં ચકચૂર
મર્દાની- મર્દાનગી

દિલદાર કિરતારનો રે આલાપ છે – દિલીપ ર. પટેલ

દિલદાર કિરતારનો રે આલાપ છે: મુઠ્ઠી શો એ મુલક મારો આવાસ છે;
શ્રધ્ધા સ્થાનકમાં ભર્યાં ભાવનાં સ્મારક તો એ ના મંદિરનો આભાસ છે.
દિલદાર કિરતારનો રે ..

વાલમ વિશ્વાસના હરિયાળા શ્વાસ લઈ વિષયની વાસના તેં જો ઉથાપી;
રગ રગના મારગ વહી રોમ રોમમાં રહી સચ્ચિદાનંદી ચેતના મેં થાપી.
મંદિરના પાષાણમાં જ મને માનવો એ તો જુગ જુગનો જડ રિવાજ છે;
કામનાની કૂંપળે કોરી જો કલ્યાણની કુંજ તો એમાં જ મંદિરનો રાજ છે.
દિલદાર કિરતારનો રે ..

દયા દુઆના દરિયે જરા વ્યાધિ જુવાળ તો નાથ હાથ શું હલેસું તું માંગ
હરજીની મરજી શી મસ્તીમાં હસ્તિ વાળી બ્રહ્મ ભવ ભવનો ભ્રમ તું ભાંગ
ભક્તિની છોળોમાં હર્ષ કે દર્દ હિલ્લોળે એ તો હેતનો હિતકારી ઉઘાડ છે;
કર્મની સાધનામાં સમતા શી યોગ-સમાધિ એજ મંઝિલ એજ ઉધ્ધાર છે.
દિલદાર કિરતારનો રે ..

દિલદાર કિરતારનો રે આલાપ છે: મુઠ્ઠી શો એ મુલક મારો આવાસ છે;
શ્રધ્ધા સ્થાનકમાં ભર્યાં ભાવનાં સ્મારક તો એ ના મંદિરનો આભાસ છે.
દિલદાર કિરતારનો રે ..

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા

આ ભક્તિ-ગીતમાં કરવામાં આવેલ એક ફેરફાર:
પહેલી પંક્તિ બે દિવસ પહેલાં આ રીતે મૂકેલી-
રુદિયામાં વસેલા વિશ્વંભર વદે છે, આ મુઠ્ઠી શો મુલક મારો આવાસ છે;

માનવી નું જીવન- પારૂ કૃષ્ણકાંત “પિયુની”

માનવી નું જીવન

મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ ,
માનવ જીવન જાણે કે હાથ વણાટની જાજમ .
ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ ,
તો ક્યારેક ,સાદગીસભર સૌમ્ય શાંત .
ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર ,
ને અજોડ એવી દાંપત્યની સોનેરી કોર .
ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ ,
તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી .
ક્યાંક સામાજિક બંધનોની ગૂંચવણ ,
તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ .
જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર,
પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ,
ને ઝાઝી ના લઈએ મન પર વાત ,
નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ ,
ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન ,
જો જાય છૂટી મનની આંટી ,
તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી .
બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન.

- પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Published in: on February 9, 2011 at 7:47 pm  Comments (1)  

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

સજા તેં જીવનની દીધી ત્યારની
હું ચક્કી પિસું શ્વાસની, ત્યારની

પડી દોસ્તોના શહેરમાં જુઓ
તડાપીટ ખંજર ખરીદનારની

સમયના પડીકે ઉતાવળ દીધી
પડી ના સમજ અમને વ્યવહારની

અસર મૌન કરતું હદે કેટલી
કહી કાનમાં વાત ચકચારની

દવા ને દુઆના સતત જંગમાં
કફોડી દશા, હાય બિમારની

- ડૉ. જગદીપ નાણાવટી

Published in: on February 9, 2011 at 7:45 pm  Comments (4)  

નિર્મળ બની નહી કાયા- ચુંથાભાઈ જીજીદાસ પટેલ

કરી જાતરા જીવ ભરમાયા તોયે નિર્મળ બની નહી કાયા
ગણા મંડપ મેળાવડા રચાયા તોયે એવા ને એવા જણાયા

પંચ વિષયના પ્યાર
નથી છુટતા લગાર
ગંગા યમુનાના નિરમાં નાહ્યા તોયે નિર્મળ બની નહી કાયા

સુણ્યાં પોથી પુરાણ
તોય રહ્યા અજાણ
સાત દિવસ સપ્તાહમાં ગુમાવ્યા તોય એવ ને એવા જણાયા

લાગ્યો પુરુષોત્તમે રંગ
જાણ્યો મેશ્વો નદી ગંગ
ગંગા નદીમાં દિવડા જગાવ્યા તોય એવા ને એવા જણાયા

તિલક માળાનો ને’મ (નિયમ)
તોય મનમાં ગણો વ્હેમ
કંઠે તુલસીના મણકા લગાવ્યા તોય નિર્મળ બની નહી કાયા

મળ્યા સદ્‍ગુરૂ દેવ
કરી ચરણની સેવ
ચુંથારામ પુરણ મનોરથ પાયા પછી હરખે ગુરૂના ગુણ ગાયા

- ચુંથાભાઈ જીજીદાસ પટેલ

Published in: on February 9, 2011 at 7:44 pm  Comments (1)  

પાણી – “કાકુ”

પાણી – “કાકુ”

ગુલાબ પંખુડીએ મોતી જેવુ ચળકે ઓસ-બુંદ એ પાણી

ધરતી ભીતર સળવળે સરવાણી કુવે તકતકે એ પાણી

પાતલડી નટકન્યા જેમ છમછમ નાચે ઝરણુ એ પાણી

સ્વર્ગથી સિંધુ લગી જન્દાદિલ દેવકન્યા નદી એ પાણી

પ્રેમપાશે પૃથ્વી પોણી ઢાકી, ઘુઘવતો દરિયો એ પાણી

અરુણ્ર-રશ્મી દોરે બંધાઇ પતંગ થઇ ઉડે વાદળ એ પાણી

સળવળે જીવન ધરણી ખોળે સ્નેહ વરસે વરસાદ એ પાણી

ઉરની આંધી નેણ અટારીએ આવી છલકે આંસુ એ પાણી

નસનસ ધબકે ધબધબ ધબકે જીવન વને રક્ત એ પાણી

પાણી પાણી બેરંગીએ રંગી દુનિયા રંગબેરંગી એ પાણી!!

– “કાકુ”

Published in: on February 9, 2011 at 7:36 pm  Comments (1)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers