ઓ પ્રલય ! – તેજપાલ રમણલાલ ” તેજ “

જાપાનમાં તા.૧૧.૦૩.૨૦૧૧ન તોજ મહાભયંકર ભૂકંપ આવ્યો. એ પછી ઊઠેલી સુનામીના પ્રચંડ તાકાતમાં જાપાનના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં ખુવારી, તારાજી સર્જાઈ છે એનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની ગયું છે, ધ્રુજી ઉઠ્યું છે, રડી રહ્યું છે….

આ સંદર્ભે હજ્જારો માનવ ને મહાલયને ડૂબાવતા મહાપ્રલય શા ધરાકંપ ને સુનામીની પીડા ને વ્યથા અમદાવાદથી તેજપાલ રમણલાલ ” તેજ ” અત્રે રજુ કરે છે.

ઓ પ્રલય !( સાંપ્રત કાવ્ય )

શાને ધ્રુજાવી ધરતી અને
શાને દીધો ધ્રુજતો – સમય ?
વિનાશ વેરી ચાલ્યો ગયો
સુનામીનો મહાપ્રલય !

દરિયો બધુંયે પી ગયો
તોતિંગ જહાજો, મહાલય !
ખુવારીના માતમ મહીં
રઝળી રહ્યાં લાખ્ખો હર્દય !

ઓ પ્રલય !

હસતું – રમતું નગર હતું એ
શાને દીધો ડૂબતો – સમય ?
સગપણ, સંપત્તિ , સ્વપ્નો હતાં
શાને દીધો રડતો – સમય ?

કાળમીંઢ
ઓ પ્રલય,
તે છાપી દીધો કાળો-સમય !

છિન્ન-ભિન્ન ભલે આજે
પામશું અમે કાલે વિજય !
લુછી આંસુ એકબીજાનાં
કરશું માનવતાનો જય !

વિનાશ વેઠ્યો ભલે આજે
ઉગાડ્શું ઉગતો – સમય !
ઘોર અંધાર પછી આવે
” ઉગતા સૂર્ય ” નો સમય !

ઓ પ્રલય ,
ઓ મહાપ્રલય,
મ્યાન કર તારા ” તેજ ” વલય ! !

ॐ શાંતિ

તેજપાલ રમણલાલ ” તેજ ”
૧૫.૦૩.૨૦૧૧, અમદાવાદ
info@tejpalramanlal.in
Mobile : 09898195410

Published in: on March 20, 2011 at 1:50 pm  Comments (2)  

જયંત પલાણના પાંચ ગીત

1.

આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…

ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…

જેણે જગાવી ઊરે વેદના અજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

આ..આ..આ..આ…

લાવે રે વાયરા વાત એક છાની જી
શેણે રે ભુલાય ઓલી આંખ હરણાની હો જી…

સૌએ માંડી રંગ રૂપની ઊજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

- જયંત પલાણ

2.

દાન દે, વરદાન દે, પ્રભુ દાન દે
નરસિઁહ અને મીરાં સમા
કંઠમાં કંઇ ગાન દે… દાન દે…

વૈભવ તારા રૂપનો, ઝીલી શકું એ ભાવ દે
તારા વિના તડપી મરું, એવા કલેજે ઘાવ દે
વસંત જ્યાં વરસે કૃપાની, એવા ઊરે વેરાન દે…. દાન દે…

કંપી ઊઠે તારો વીણાના તારા જ કેવળ રાગમાં
મઘમઘે આ ફૂલ મનનું, તારા પ્રેમ પરાગમાં
ભાળીશકું સર્વત્ર તુજને, એવું આતમ જ્ઞાન દે… દાન દે…

- જયંત પલાણ

3.

મન મતવાલું માને શેણે?
ઘાવ ઝીલે એ વજ્જરના ને
ભાંગી પડે મૃદુ વેણે :
મન મતવાલું માને શેણે?

સાત સમંદર પાર કરે, ને
ડૂબે ઝાકળબિન્દુ:
અગ્નિભડકે બળે નહિ એ
સળગે શીતલ ઇન્દુ

ઉગ્ર તૃષા ઓલાશે ક્યાંથી
છો ઘન વરસે નેણે :
મન મતવાલું માને શેણે?

ગિરિવર સરખો બોજ ઉઠાવે
પુષ્પ તળે કચડાતું;
ઝેર ઘૂંટડા જીરવી જઇને
અમી છલોછલ પાતુ.

આપ ભવોભવ એ નિષ્ઠુરને
દીધી વેદના જેણે :
મન મતવાલું માને શેણે?

- જયંત પલાણ

4.

મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
- મારી પહેલી …

ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
‘લોચન કોક લપાયું;’
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
- મારી પહેલી …

પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
- મારી પહેલી …

- જયંત પલાણ

5.

હે અલબેલો…
હે અલબેલો ફૂલ છોગળીયાળો રસિયો ફાગણ આયો
હે કામણગારા…
હે જી કામણગારા….
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
…રસિયો ફાગણ આયો !

વનરાવનમાં તનમાં મનમાં થનગન જોબન લાયો
ફોરંતી પાંખડીએ આંજેલી આંખડીએ આવી
મઘુ ટપકટે મુકુલડે મલકાયો ફાગણ આયો
…રસિયો ફાગણ આયો !

હે આવ્યો મસ્તાનો ગોપી-ગોપ કેરા રાસે
કળીઓના કાળજળે આવ્યો પ્રેમભરી
મનમોહનની યાદ બનીને અંતરમાં સમાયો
…રસિયો ફાગણ આયો !

- જયંત પલાણ

Thanks & Regards
- Kamal Jayant bhai Palan

Published in: on March 20, 2011 at 1:49 pm  Comments (3)  

હોળી…એક વૃધ્ધ દંપતિની…

હોળી…એક વૃધ્ધ દંપતિની…

ચાલ ફિલમ “હમદોનો” માફક, રંગ ફરીથી ભરીએ
જે કંઈ થોડા વેશ હજુ બાકી છે પુરા કરીએ

રંગ ઉષાનો શ્વાસ ભરી, ઝાકળ ઝીણી ઓઢીને
સહેજ અડપલે એક બીજાને વહાલ થકી ભિંજવીએ

ગાલ તણો ગુલ્લાલ ભરીને યાદોની પિચકારી
ધ્રુજતા હાથે મારૂં ત્યારે બન્ને બોખું હસીએ

ફાગણ બાગણ ઠીક ભલા, દિકરાનાં માગણ છઈએ
ડાળ લઈ કેસુડા કેરી ડગમગ પંથ નીસરીએ

સઘળી ઘટના કડવી આજે, ડહાપણ ચોકે ખડકી
લાગણીઓની દિવાસળીએ હૂંફની હોળી રચીએ

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on March 20, 2011 at 1:49 pm  Comments (1)  

રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ – દિલીપ ર. પટેલ

આજનું આઈપેડ થ્યું બુક પેન ગેમ, ભૂલકાં ભલા ભણશે ગણશે ભૈ કેમ?
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

અહીં તો બસ તર્જનીથી પાઠ સહુ ભણતાં ને વેઢાં મૂકી લાખમાં ગણતા
દ્રોણાચાર્ય એકલવ્યને રે ભુલી સોફામાં જ રમતા મેલી અંગુઠા રખડતા
ચાખી બાંધી મૂઠ્ઠી રાખની ના એ સમજશે ગુરુ દેવો ભવ સમ બુદ્ધ પ્રેમ
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

અજાણ પેન્સિલ કેમ છોલાય વદે વાય વાય રે વેણ ન તાજવે તોલાય
ભણતાં પંડિત નીપજે લખતાં લહિયો થાય હાય એમ કેમ હવે બોલાય
યુ ટ્યુબમાં જ ઝુલી સ્વાધ્યાયને ભુલી આમ બોલકાં બની જશે બેરહેમ
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

કૃષ્ણ સુદામા રોજ ફેસબુકમાં જ મળશે તો નહીં કળશે ગોધણની સુગંધ
ના હળવું મળવું ના બાથંબાથ ભળવું હાં કકળશે લંગોટિયો સ્નેહ સંબંધ
આઘાપાછી વિના ટુકડા ટુકડા એક કરી કેમ રે ઉકેલશે આયખાની ગેમ?
રે કક્કો બારાખડી એમ નૈ રહેશે હેમખેમ

વિદ્યાસાગરે રેલ્યાં મેઘધનુષી રંગ રે ગાગરે માણો ઘેર બેઠાં આવી ગંગ
ગમતો ગુલાલ ગૂંજે ભરી ગુણ કેરાં ગુલાબ દો ધરી કે હો સરસ્વતી દંગ
સ્ક્રીન પાન પાન ગુંજો સારેગમ પ્રેમ ને પ્રતિઘોષે એના ટળો દિલ વહેમ
કે કક્કો બારાખડી એમ ભૈ રહેશે હેમખેમ

દિલીપ ર. પટેલ
ફેબ્રુઆરી 27, 2011

“કહે કહાન કર મનવા કાબુમાં જહાન” જાપાન સુનામી પ્રસંગોચિત

‘રીંગ ઓફ ફાયર’ પર ગગનચુંબી ઈમારતો ને વસ્તીવાળી વસાહતો રચીને સુનામીને આવકારો શું આપણે જ નથી આપ્યો?
વિનાશકારી મહા ધરાકંપ ને શક્તિશાળી સુનામી બાદ આજે જાપાનને આંગણ કુકુશીમાના ન્યુક્લિયર પાવરપ્લાંટ પરથી બીજો ચેર્નોબીલ ન રચાય એ માટે ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે ને નીકળેલા રેડીએશનની આશંકા હેઠળ આડઅસર ટાળવા આયોડીનની દવાનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે ભગવાન કહાન મનુષ્યને પૂછી રહ્યા છે કે પર્યાવરણ પર તેં ગુજારેલા ત્રાસને કારણે કુદરતને કાબુમાં રાખવાનું કામ આજ મારા તાબામાં નથી રહ્યું. મનવા તારે આ જહાન પર કાબુ કરવાનો છે.
તો વાંચો પ્રસંગોચિત ગીત…..

આયો દિન ગોઝારો આયોડીન કેરો આજ તારો જાપાન
રીંગ ઓફ ફાયર પરે હાય! દાવ તેં કેવો ખેલ્યો નાદાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન

પાતાળી પાષાણ પ્રતિ પરાક્રમો પોલાદી તોય તકલાદી
સુનામીના કિનારા કને રે મઢે મિનારા માનવી તકવાદી
વિલાસ કાજ કરી વિકાસ વેરે વિનાશ વિકરાળ વિજ્ઞાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન

મજા મોજાંની રોજ માણે તો કદીક સજા સોજાંની પરાણે
ચક્કર આ તો એવું ચાલે આદિ અંતની સંતાકૂકડી જાણે
રાખ એટલું ધ્યાન તલવાર તો જ રક્ષે જો તું રચે મ્યાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન

તૈલધારે માછલાં મારે ના રે સૂણે ડુસકાં દરિયાના ભારે
હે ચાંચિયા તું તરાપ મારે એના અધિકારે ને ના વિચારે
ધરા ધન ચૂસી કૂડો કાર્બની થૂંકી મેલાં કીધાં જળ પાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન

જાન માલ ગયા જે પાયમાલ થયા એ પંચભૂતે ભળ્યા
દયા દરિયો દુઆ ભરિયો ખાર લઈ દે અમીરસ ગળ્યા
અધ્યાત્મે ઓગાળી વિજ્ઞાન સહજીવને સંભાળજે સુકાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન

દિલીપ ર. પટેલ
માર્ચ 12, 2011

માનુષી માઉસ- દિલીપ ર. પટેલ

કમ્પ્યુટર શા આ સૃષ્ટિના આયુષી હાઉસમાં મ્યાઉં કરતા મનુષ્ય શા માઉસની ઉણપો ઉકેલતી કવિલોકમાં પા પા પગલી પાડતી પૂર્વે પ્રગટેલી રચના નવા છંદોબધ્ધ રૂપમાં. સૂચનો આવકાર્ય રહેશે.

સુપર સુપર્બ ક્મ્પ્યુટર હાં મનહર મળીયું આયુષી હાઉસ
પ્રભો પ્રોગ્રામર જ્યહીં મહીં મ્યાઉં જ કરતો માનુષી માઉસ

શશી સૂર્ય પકડદાવે અહીં ના રે થતા કોટિ કલ્પે આઉટ
લખચોરાશીમાં ચકરાઈ લથડાઈ મરતો માનુષી માઉસ

દીધી વિશાળ વર્લ્ડ વાઈડ વેબે જ્યહીં દિવ્ય દ્રષ્ટિ દાન
જીવી રે વંશવેલામાંહી મોહાંધ ભટકતો માનુષી માઉસ

ભુતળ થાયે ન ઓવરહીટ છો દાવાનળ કેરી મહીં હસ્તિ
વિષયોના જળમાં આસુરી દવથી બળતો માનુષી માઉસ

દરિયો ધારતો સઘળું સલિલ આવતી છો ઓટ કે ભરતી
દુ:ખે ડાઉન સુખમાં ઓવરલોડ થૈ ફરંતો માનુષી માઉસ

મહાભૂતો તણા આવેગ આક્રોશે રહેતી સંતુલિત સૃષ્ટિ
વિચારોના જ બાઈટથી દિલદર્દે મરંતો માનુષી માઉસ

અખિલ આંગણે રેલી અનંત સૃષ્ટિ ઓજસતી પરમવૃત્તિ
અહંશૂન્ય નહીં ને શૂન્ય એકનો મુનિમ થતો માનુષી માઉસ

પહાડ વન સમંદર કેવી વોલપેપરી પૃથ્વીની ગૂંથણી
સ્વ નેપ્થ્યે શટડાઉન મન વિંડો જ કરતો માનુષી માઉસ

મજા હાં આયખું આખું રળવાને મહામૂલી દીધી પૃથ્વી
પણ પંચાતી મામૂલી શી દોટે ડૉટ થતો માનુષી માઉસ

નભ છત્ર ધરા શૈયા કબીલો એક આ વિશ્વ તણી વસ્તી
તહીં હાઉસ સમો ટુકડો લભવા મ્યાઉ થતો માનુષી માઉસ

દિલીપ ર. પટેલ

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

સ્તબ્ધતાના શહેરમાં પગરવ બનીને નીકળ્યો
રામ સામે અશ્વમેઘે લવ બનીને નીકળ્યો

વ્રત ધરીને શાંત ઉભા મોરના ટહુકા તણા
મૌનના પડઘે ફરીથી રવ બનીને નીકળ્યો

આયને સંબંધના પ્રતિબિંબ સઘળા જોઇને
પાર્થનું સંધાન થઈ, અવઢવ બનીને નીકળ્યો

અવનવા મીઠા અને કડવા પ્રસંગો પી ચુક્યા
બોખલા મુખથી શબદ, આસવ બનીને નીકળ્યો

બે નઝર ટકરાઈ ને તણખો ઝર્યો જે ઈશ્કનો
એક તારી હા પછી એ દવ બનીને નીકળ્યો

જીંદગી પર્યંત બધાંયે વેશ મેં ભજવી લીધાં
એક જે બાકી હતો, એ શવ બનીને નીકળ્યો

-ડૉ. જગદીપ નાણાવટી

Published in: on March 12, 2011 at 2:50 pm  Comments (1)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers