ત્રણ સોનેટ્સ – મનોજ શુક્લ

સોનેટ
(ઇન્દ્ર્વ્રજા)

“જેણે કદી હો વગડાને છાંયે
ખોલી પછેડી ગરણેથી કાઢી
ભાતુ હસીને હળવાશે ખાધું
તેને કદી ના ભવનો મિરાતો
બાંધી શકેલા ચમકીલી ગાંઠે,”
-એવું કહેતા કણબી સુણ્યો’તો.

દ્ર્શ્યો બદલ્યા તખતા પરે ‘ને
કાંટાસમા ખુંચત તાપ આજે,
એ.સી. વિના ક્યાંય સુખી ન કોઈ
ક્યાં શોધવી સોડમ માટી કેરી
માટી ઝુરે છે મમતા મનુની
બીજો સહે છે બળના પ્રયોગો

શું ઝંખના એ પરિપૂર્ણ થાશે
પુત્રોને આપું સબળા કણો હું !

———-

પિરોટન પ્રવાસ
(શિખરિણી સોનેટ)

હતું તેવે ટાપુ પરયટનથી શું ય કરશે
છતાં પહોંચી જાતા જન હરખભેળા તહિં ખરે !
અને કિલ્લોલે સૌ ડગ સરકતા રેત ભરતા,
વળી પામ્યા જોવા નવલ નવલાં છીપ છપલાં.

વહી આવે વાતો ઉદધિ ઉરથી વા સરકતો
તપે તાપે તો યે તન તપનનો ભાવ ન ધરે,
શિયાળોની લાળી, અજબ તબકે આંખ ચમકી
નિશાએ ન્યાળી ત્યાં ગજબ રમણે ઉભય ભર્તિ.

પ્રભાતે કેવા એ સરક સરકી પીઠ ફરતો,
અહા ! જોયો ભીનો ધરવ ધરતીનો ધબકતો.
સવારે ઉલ્લાસે અરવ પગ લૈ સૌ પકડતા
ઘણાયે શંખો જે હરફર કરે શાંત સહસા.

અરે, એ જીવો તો ગ્રુહવસનમાં ના જ બચતા,
અરે, શાને લોકો અભય હરતા જીવ હણતા.

————

સોનેટ
(મંદાક્રાંતા)

એ શિલ્પો જે મરક મરકી મોહતા માનવોને
અંગાંગોના લચક નમણે ભાસતો જીવ તેમાં,
ભાવો જાણે નયન ફરકે માંડતા વાત લાગે,
વારી જાતું મન કર પરે, પુરતાં જીવ તેમાં.

તો યે ક્યાંથી સમય સરતાં આવતા ફેરફારો !
લાગે શાને અકળ રણમાં ક્ષીણ થાતું અમોહે !
મુગ્ધાભાસો જળ વિણ જ તો લાગતા ડૂબવાને,
કાળા મીંઢા પથરસમ કાં ભાસતા પૂતળાઓ ?

જેમાં મોહ્યા સજીવ સમજી તેહમાં જીવ પૂરૂં
તે ભાવેથી હળુક રહીને હાથ ફેલાવતાને
દોદી ચાંપું હ્ર્દય સરસા શિલ્પને સાવ સાચે
પાષાણોથી બદન દબતાં ફૂટતું લોહી ખરૂં

પ્રાણે પાછા નહી જ વળતાં શોધવા લાગતો હું
લોહી કેરાં ગઠિત ટપકાંમાંહિ કો’ નવ્ય શિલ્પો !

મનોજ શુક્લ
પ્રકાશિત કાવ્યસંગ્રહ: લઈ ખિસ્સામાં તડકો
જન્મ તારીખઃ ૨૦-૪-૧૯૫૯
અભ્યાસઃ બી.કોમ.
જન્મ સ્થળ-વતનઃ જામનગર
વ્યવસાયઃ રાજકોટ જીલ્લાન્યાયતંત્રમાં ન્યાયાધીશના અંગત મદદનિશ તથા અંગ્રેજી લઘુલિપિજ્ઞ.

Published in: on મે 27, 2011 at 7:11 pm  Comments (3)  

મન તો ચાહે – વંદના જેઠલોજા

મન તો ચાહે…!!!

મેઘ ધનુષ્યના સપ્ત રંગો હતાં આસપાસ,
છતાં આ ખાલીપો શોધે ઉજ્જવળ પ્રકાશ.

ચમનમાં હતી ફૂલોની અનેરી સુવાસ,
છોડે છે આ મન તો માટીની ભીનાશ.

આકાશના તારાઓની હતી મોહક ઉજાશ,
મન તો ઈચ્છે ચાંદનીનો પ્રવાસ.

સાગરની લહેરોમાં પણ હતી ફિકાશ,
સંભારે છે નિત સરિતાની મધુરાશ.

પ્રભાતના રંગોની રંગોળી હતી ખાસ,
છતાં મન તો ચાહે સંધ્યાનો વિલાસ.

જીવનને આંબી જતો અપ્રતિમ વિકાસ,
પણ “વંદના” ચાહે બસ મનની મીઠાશ.

વંદના પી. જેઠલોજા
૦૧.૦૫.૨૦૧૧
(ગુજરાતીમાં ટાઈપ કરવા બદલ રક્ષિત દવેનો આભાર)

“MAN TO CHAHE”

Meghdhanusya na sapt rango hata aspas,
Chhata aa khalipo sodhe ujaval prakas.

Chaman ma hati phuloni aneri suvas,
chhode chhe aa man to matini bhinas.

Akash na tarao ni hati mohak ujas,
man to Ichchhe chandni no pravas.

Sagar ni lahero ma pan hati fikas,
sambhare chhe nit sarita ni madhuras.

Prabhat na rangoni rangoli hati khas,
chhata man to chahe sandhya no vilas.

Jivanne aambi jato apratim vikas,
pan “VANDANA” chahe bas man ni mithas……

VANDANA P. JETHLOJA

Published in: on મે 2, 2011 at 9:52 pm  Comments (1)  

આ ધરામાં કઈંક છે એવું……રમેશ પટેલ ‘આકાશદીપ’

આ ધરામાં કઈંક છે એવું…

જગ પોથીઓ વાર્તા માંડે
સાગર લાંઘી વિશ્વે ખૂલે
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

દે આવકારો દરિયા જેવો
મૂઠી ઊંચેરો ગુર્જરી ભેરુ
હૈયું વરસે વાદળ જેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

રંગોની છાબથી ધરતી ગાતી
ગઢ તીર્થોને પાળીયે ખ્યાતી
ખ્વાબ ખમીરે રમતા રહેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

સોમ શામળાને માના ખોળા
કોયલ મોરને પંખીના ટોળા
પ્રભાતે ખીલે મંગલા જેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

સંત સાવજનાં પારણાં ઝૂલે
ખુદને ખીલવે લીલુડાં જેવું
પર કલ્યાણે દીવડા જેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

હસ્યા અંગ્રેજ આ છે ગાંધી
ચપટી મીઠે ઉડાડી આંધી
વાહ રે ગાંધી વિશ્વનું કહેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

વટ વચનના ગૌરવ સૌરભ
અખંડતાનો શિલ્પી વલ્લભ
શ્વેત ક્રાંતિના મશાલ જેવું
આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on મે 2, 2011 at 9:47 pm  Leave a Comment  

ગીત – વીરેન પંડ્યા

કોને રે કહીએ વાત!
કોઈ અમોને સમજે નહીં ત્યાં જઈને શી કરીએ પંચાત?

જે પળેથી આવ્યો ગોકુલ છોડી, જાત તરછોડી ખુદથી દૂર;
ખૂણે ખાંચરે ત્યારથી ઊભરે આંખ્ય વચાળે જમુના પૂર ..
શું કહીએ? ગયા અમારાં દિનો કેમ, ને કેમ વીતી છે રાત!.. કોને રે કહીએ..

રે! અહીં તો દયારામથી ર. પા. લગણ સૌ ભાળે એની રીસ;
હ્રદય આ મારું અહોનિશે જે પાડે અહીં તે કોઈ ના સૂણે ચીસ!
અપરાધ બસ કર્યો એ જ અમોએ, કે નહીં જન્મ્યાં નારી જાત!.. કોને રે કહીએ..

-વીરેન પંડ્યા (ટાણા)

Published in: on મે 1, 2011 at 2:07 pm  Comments (1)  

ગઝલ – કવસર હુસૈન આગા ‘કવસર’

ચીક્ચીકાર ભરેલી બોટલ અને ખાલી જામ છે,
મારી પાસે છે એ બધુ જેનુ બસ ખાલી નામ છે.

મીણબત્તી મારા હાથમાં ને અંધારુ મારે ગામ છે,
ફક્ત એક ચીનગારીનું મારે કામ છે.

અંતરમાં પાપ અને મંત્રમાં રામ-રામ છે,
નફરતવાળાની પ્રેમના પણ મોંઘા દામ છે.

દિલના દુખાવા મટાડવા બન્યો ક્યાં કદી બામ છે,
ખુદા જ બસ એવા મરીઝોની દવાનું નામ છે.

આથમી ગયો સુરજ ને આવી ફરી એ જ શામ છે,
આવ, આજે પણ ‘કવસર’ને તારું જ કામ છે.

- કવસર હુસૈન આગા ‘કવસર’

Published in: on મે 1, 2011 at 2:07 pm  Comments (1)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers