અસ્તિત્વ ની ખોજ- હેમંત ત્રિવેદી

અસ્તિત્વ ની ખોજ

આજ તક બહુ શોધવા પ્રયત્નો કર્યા છે
ક્ષણો તપાસી પણ ઉપાયો વ્યર્થ થયા છે .
આ અસ્તિત્વ નો તાગ ક્યાંય જડતો નથી .
પડછાયો મારો ક્યાંય પણ પડતો નથી.

હું યાદો ની પાંખો કપાયેલો જટાયુ છું ?
કે બાણ શૈય્યા પર સૂતેલો ચીરાયુ છું?
કે યુગો નાં દુ:ખ લઇ ફરતા ને ભટકતા
અમર અશ્વસ્થામા ની અસીમ આયુ છું?

શું હું અજન્મા છું કે શક્ય જનની નથી ?
શું છું આત્મા જેને જરૂરત તન ની નથી.
મારી યાત્રા છે એવી કે કોઈ રસ્તો નથી,
સદા નો એકલો છું એટલે જ રિશ્તો નથી.

- હેમંત ત્રિવેદી

Published in: on July 28, 2011 at 9:40 pm  Comments (1)  

હોઠે ચડેલા આ શબ્દો વાળી ગયો – યોગેન્દુ જોષી

હોઠે ચડેલા આ શબ્દો વાળી ગયો,
તોફાન ભાતરના પછી ખાળી ગયો.

બાજી હવે જે રાહ લે, મંજૂર છે;
પ્યાદા વડે હું હાર તો ટાળી ગયો.

એની પરિક્ષાઓ મને ગમતી હતી,
પણ કેમ જાણે હું જ કંટાળી ગયો.

નાચી નજર ના રાખ તું મારી તરફ,
કોનો હતો શું વાંક એ ભાળી ગયો.

આ ભેદ આંસુનો કહું કોને ખુદા,
કે પ્રેમમાં હું જાત ઓગાળી ગયો.

છે યોગ એવા કે સુરા ઓછી પડે,
તો જામ પણ આંસુ ભરી ગાળી ગયો.

ચાડી કરી ગ્યો કાફિયો મારી છતાં,
આખી ગઝલમાં છંદ હું પાળી ગયો.

રાખી હતી મેં આંખ ખુલ્લી મોત પર,
હા એટલે સાચા સગા ચાળી ગયો.

- યોગેન્દુ જોષી 01/04/2011
Blog : www.yogendu.blogspot.com

Published in: on July 21, 2011 at 10:32 pm  Comments (2)  

એક છો’રીએ ઝાડની આડાશ લીધી – વિજય ચલાદરી

એક છો’રીએ ઝાડની આડાશ લીધી

એક છો’રીએ ઝાડની આડાશ લીધી
ડાળે ડાળે પાંદડે પાંદડે પંખીના કલરવની વાતો કીધી.

પ્હાડના ઢોળાવથી ઢળતી કમખા કેરી કસ,
આભ વચાળે ચૂંદડી ઊડે વાયરો થાતો વસ.

આંખનું આંજણ આંખમાં આંજી આંખ ભરીને પીધી,
એક છો’રીએ ઝાડની આડાશ લીધી.

વળાંક લેતી, વાડીઓ જોતી મતવારી જાય ચાલી,
ધૂળ ઊડતી ઝાંખી પાંખી કેડીઓ થાતી ખાલી.

સંધ્યા ટાણે પાદરે બેસી વાડને તાળી દીધી
એક છો’રીએ ઝાડની આડાશ લીધી

વિજય ચલાદરી

Published in: on July 21, 2011 at 9:06 pm  Comments (1)  

ગઝલ – વિજય ચલાદરી

ગઝલ

હાથમાં કાગળ ધરીને પૂછ ના,
પ્રેમમાં આગળ વધીને પૂછ ના.

આજ જેવી કાલ કોને ના ગમે ?
રાત દિન અટકળ કરીને પૂછ ના.

વાત તારી કાન ખોલી સાંભળું,
પ્રશ્ન કોરાકટ દળીને પૂછ ના.

કૉલ આપીને ય એ ચાલ્યાં ગયાં,
કેમ છો ? એવું હસીને પૂછ ના.

સાત ભવની વારતા જૂઠ્ઠી ઠરી,
આંખમાં આંસું ભરીને પૂછ ના.

વિજય ચલાદરી

Published in: on July 21, 2011 at 9:03 pm  Comments (1)  

ક્યાં? – મોના લિયા

ક્યાં ?

ઘર મહીં આકાશ જેવું હોય છે ક્યાં ?
તિમિરમાં પ્રકાશ જેવું હોય છે ક્યાં ?

મનને સમજાવ્યા કરું છું રાત આખી
પાસ મારી આશ જેવું હોય છે ક્યાં ?

પાંપણોમાં રજકણો શોધ્યા કરું પણ
આંખમાં ભીનાશ જેવું હોય છે ક્યાં ?

પાનખર ધેરી વળે છે બાગને જ્યાં
પણ પાસે લીલાશ જેવું હોય છે ક્યાં ?

આમ ભરતી ઓટ દરિયામાં સતત છે
લેરમાં ખારાશ જેવું હોય છે ક્યાં ?

મોના લિયા

Published in: on July 21, 2011 at 8:55 pm  Comments (3)  

એજ બેતાલા – દિલીપ ર. પટેલ

એજ બેતાલા
(છંદ: લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

કરી લો દીર્ઘ દિવ્ય દ્રષ્ટિ દર્શન એજ બેતાલા
અરિ ‘સ્વ’ભાવ કાપો લૈ સુદર્શન એજ બેતાલા

લટકાવી મિરાજોને ચક્ષુમાં ઝાંખ જેહ્ આણી
નજર ઊતારવા નટરાજ નર્તન એજ બેતાલા

બુઢાપો એટલો શું પાસમાં છે કે ન દેખાતો ?
નિહાળી મોત જીવનપાથ દર્શન એજ બેતાલા

ન જોવા જોખમો બસ જોઈ લેવા ફાયદા સઘળે
પસીના રે પછીના વા શું સર્જન એજ બેતાલા

મહાલ્યા ચગડોળે ચોરયાશીના મદાંધ છો
વિચારી લ્યો દીધાં કરવા તર્પણ એજ બેતાલા

સરસ જે કાંઈ લાગ્યું આજ સુધી છે તમે જોયું
દીધું હાં દર પણ જોવા દર્પણ એજ બેતાલા

તમે તો દિલ બધાં પાસે લીધે રાખ્યું ન કૈં દીધું
દયા દુઆ રહો દ્રગે સમર્પણ એજ બેતાલા

દિલીપ ર. પટેલ
માર્ચ 19.2011
ઓરેન્જ, કેલિફોર્નીયા

પિંડ કરમાયા – દિલીપ ર. પટેલ

પિંડ કરમાયા
(કત્આ – છંદ: લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

જણી જૂઠી એ જગમાયા મૂઠી રુદિયે પથરાયા
ન પરખાતું એના થ્યા આપણે હાયે પડછાયા
ચુસી લોહી સ્વયં ઓક્યા કુડો હાં કાર્બની કેફી
ધરા સારી પચાવી થૈ કુત્તા ભટક્યા હડકાયા

શરીરી રૂપ એ એવા છુપાયા કે ન પરખાયા
દુકાને માલ એનો તોય ‘મારું’ માં અટવાયા
ગર્ભ વ્યથા છતાં કર્તા દમ્ભે દર્ભેય ના પામ્યા
‘અહં બ્રહ્માસ્મિ’ ભ્રમે ના ભજી હરિ ભવ ભરમાયા

ગર્ભપીઠે ખીલે ક્રોસે કળિકાળે એ ધરબાયા
ગુનેગારો છડેચોકે મુક્તિદા ફંદ ફરમાયા
સજી ચશ્મા સૂતાં ઊંધા રખેવાળો મદે મોહે
કણોમાંયે વસ્યાં ઐશ્વર્યધારી પણ ન પરખાયા

લડ્યાં રે ક્રોસ કાબા ઓમ તારક એ ન હરખાયા
ધર્મ ધતિંગ ખેલી ચાહ લૈ મેલી ન શરમાયા
કુટુમ્બ જ્યાં વસુધા તોય હાઉસ કાજ થ્યા માઉસ
કમ્પ્યુટરી બ્રહ્માંડે ડૉટ થૈ દિલ પિંડ કરમાયા

દિલીપ ર. પટેલ 6/6/11

Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers