મારો જ ચેહરો – હેમંત ત્રિવેદી ‘અલીફ’

મારો જ ચેહરો …

મારો જ ચેહરો આજ ખુદ મુજને નડે છે,
સાવ આંધળો એક આઈનો ક્યા મળે છે?
અલગ રંગો વડે રંગી ચીતરી દીધો મને,
સાચા રંગની સહુને હજુ સૂઝ ક્યાં પડે છે?

હકીકતનો ભરોસો હું હવે કરતો નથી,
મરીચુક્યો બહુ પહેલા હવે મરતો નથી.
કરી’તી બંદગી તારી ખુદા મેં હર કદમ
એ વાતની તુજને હજુ ખબર ક્યાં પડે છે?

ના કોઈ ફૂલ ચડશે, અલીફની મઝાર પર
રોશે ના કોઈ કે યાદ પણ કરશે નહિ લગીર
દફન કરશે બધા રાતે સહુથી અલગ એને,
એની જાતની જમીનને પરખ ક્યાં પડે છે?

હેમંત ત્રિવેદી ‘અલીફ’

Published in: on September 20, 2011 at 8:16 pm  Leave a Comment  

આતંકવાદી વાયરે હાય રે! .. દિલીપ ર. પટેલ

આતંકવાદી વાયરે હાય રે! ..

વિધર્મવાદી કાયરે વસુધા કૂખે દીધો જીવન વિલોપનનો દંસ કો
આતંકવાદી વાયરે હાય રે! હરી લીધો નાઈન ઈલેવનનો દસકો
આતંકવાદી વાયરે હાય રે! ..

આંધી આણી ધર્માંધ અથડાયા કે ત્રણ ઝાટકે હોમાયા ત્રણ હજાર
સેવાયજ્ઞો વડવાનળ તહીં પ્રેમ રહેમના રચાયા પણ વ્રણ અપાર
અલ્લાહ! અલઅમાન નહિ સુણી શેં દર્શ્યો બેય મિનારાનો ભુસકો?
આતંકવાદી વાયરે હાય રે! ..

ખપ્પર ખેલિયાં ઓબામા બુશ ઓસામા ઈરાક જુધે ભુલી શૂધબૂધ
દેશ સેનાની છ હજાર હણાયા નિર્ધનિયાં રાજ હાં લુંટાયા લખલૂટ
રક્તસર રેલ્યાં તોયે અમીધારે રે ધુએ સ્વાતંત્ર્યદેવી મેલી ડુસકો
આતંકવાદી વાયરે હાય રે! ..

બુલેટ બોંબ ફાયરે જીત્યા ઘણાય એ કાયરને દિવેટ થ્યા શું ગણાય
કાફિર કાલાં કાંતવા કાશ કરવાં કાલાવાલા કે પોત કપોત વણાય
સુપર-પાવર સત મશાલ સદા ઝળહળ ભલે ભાવર મારતા મસકો
આતંકવાદી વાયરે હાય રે! ..

દિલીપ ર. પટેલ
સપ્ટેમ્બર 11, 2011

ધન્ય છે મેઘ રાજા…રમેશ પટેલ ‘આકાશદીપ’

(છંદ-સ્ત્રગ્ધરા)

કાળાં ડીબાંગ ઘૂમે, રૂપ અવનવલાં, ગાજતાં ઘોર નાદે
છૂપાયો સૂર્ય ઓથે, પણ તન તતડે, બાફલો અંગ અંગે
પોકારે જીવ સર્વે, ધરણ ધખધખે , આવ દોડી પધારો
ધીરે ધીરે છવાયો, ગગન ગજવતો, મેઘલો વાયુ સંગે

ઝીલો દોડી હું આવ્યો, ફરફર ફરણે, ભીંજાજો ભાવ ભીંના
ખુશ્બુ છૂટી ઉરેથી, મિલન પરિમલે, વ્હાલ વેરે ધરામા
ઝીલે પુષ્પો રૂપોથી, તરબતર ધરા, સપ્ત રંગો સુહાણા
ઝૂમે વૃક્ષો લળીને, મન વન ટહુકે, ધન્ય છે મેઘ રાજા

ભવ્ય દીસે તટો એ, નયન મન હરે, લોકમાતા સુભાગી
તોડે એ ભેખડોને , નવયુવ સરખી, જોમથી જાય વેગે
ઝીલી આ વેગ હૈયું, ઝરણ સમ રમે, વાત માંડે મજાની
લાગે ભીંનાશ વ્હાલી, પુલકિત મનડે, ગીત કોઈ જ ગોતે

વર્ષા તારી કૃપાથી, કુદરત સજશે , વૈભવે દાન દેશે
મા મેઘાની ઉદારી, શત સુખ ઋતુઓ, ઝીલશું પાય લાગી

-રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on September 2, 2011 at 8:18 pm  Leave a Comment  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers