(છંદ-સ્ત્રગ્ધરા)
કાળાં ડીબાંગ ઘૂમે, રૂપ અવનવલાં, ગાજતાં ઘોર નાદે
છૂપાયો સૂર્ય ઓથે, પણ તન તતડે, બાફલો અંગ અંગે
પોકારે જીવ સર્વે, ધરણ ધખધખે , આવ દોડી પધારો
ધીરે ધીરે છવાયો, ગગન ગજવતો, મેઘલો વાયુ સંગે
ઝીલો દોડી હું આવ્યો, ફરફર ફરણે, ભીંજાજો ભાવ ભીંના
ખુશ્બુ છૂટી ઉરેથી, મિલન પરિમલે, વ્હાલ વેરે ધરામા
ઝીલે પુષ્પો રૂપોથી, તરબતર ધરા, સપ્ત રંગો સુહાણા
ઝૂમે વૃક્ષો લળીને, મન વન ટહુકે, ધન્ય છે મેઘ રાજા
ભવ્ય દીસે તટો એ, નયન મન હરે, લોકમાતા સુભાગી
તોડે એ ભેખડોને , નવયુવ સરખી, જોમથી જાય વેગે
ઝીલી આ વેગ હૈયું, ઝરણ સમ રમે, વાત માંડે મજાની
લાગે ભીંનાશ વ્હાલી, પુલકિત મનડે, ગીત કોઈ જ ગોતે
વર્ષા તારી કૃપાથી, કુદરત સજશે , વૈભવે દાન દેશે
મા મેઘાની ઉદારી, શત સુખ ઋતુઓ, ઝીલશું પાય લાગી
-રમેશ પટેલ ‘આકાશદીપ’