અક્ષરો વંચાતા નથી… વંદના જેઠલોજા

કોરા કાગળ પર અક્ષરો અંકાતા નથી,
વાંચવાને ચાહું તોયે વંચાતા નથી.

બે ઘડીની મસ્તી, અર્ધ ડૂબેલ કસ્તી,
પવનના જોકાને મારાથી રોકતા નથી.

ઝાકળબુંદની વચ્ચે હોય ફોરમની હસ્તી,
તોયે કળીઓના પાન ભીંજાતા નથી.

નસીબ આવી જાય છે મારગમાં હંમેસા,
વિધાતાના લેખ રબરથી ભુંસાતા નથી.

“વંદના” ખરો જામ્યો છે ખેલ આજે,
દ્રષ્ટિના આંસુ નયનથી લુંછાતા નથી.
મારા અક્ષરો આજ મુજથી વંચાતા નથી…

-વંદના જેઠલોજા

Published in: on October 28, 2011 at 6:08 pm  Comments (2)  

નૂતન વર્ષે… રાજેન્દ્ર ડી. શાહ

નૂતન વર્ષે…

નૂતન વર્ષ, નૂતન સવાર, જીવનમાં નૂતન પ્રકરણ,

ભૂલવા જૂના ભેદભાવો, વેરઝેર અને જૂની લઢણ.

સૌના જીવનમાં સુસંવાદિતા, ના દેખાય ક્યાંય ચણભણ,

અધૂરપની મધુરપ માણવી, જવું પૂર્ણતા ભણી ક્ષન-ક્ષન,

સૌનાં સપનાં સાચાં પડે, દૂર થાય મનની મુંઝવણ.

સામેનાના મનની વાત સમજીએ , ભલે એ ન બોલે કંઈ પણ,

નવા ઉમંગો, નવી ચેતના, રાધાવરનું રાત દિ’ રટણ,

હસીએ મુક્ત મને ખડખડાટ , છોડીને રોજીંદી પરોજણ,

આબાલવૃદ્ધ, નરનારી સૌ સંકળાયા છે એક તાંતણ,

સર્વાંગી વિકાસ યાત્રામાં જોડાયા હર ભારતી જણ.

નૂતન વર્ષાભિનંદન , નૂતન વર્ષાભિનંદન

- રાજેન્દ્ર ડી. શાહ

Published in: on October 27, 2011 at 8:50 am  Leave a Comment  

રાજા દીપોત્સવી તું…રમેશ પટેલ ‘આકાશદીપ’

છંદ-સુવદના

રાજા દીપોત્સવી તું, સબરસ મધુરાં, પ્રાગટ્ય દિવડે
રંગોળી આંગણેતો, તમસ વિજયશ્રી, આનંદ વરતે

મીટાવી શત્રુતાને , હરખ સભર હો, ચૈતન્ય સઘળું
ફોડી વ્યોમે ફટાકા, ઘર ઘર ટહુકે, ઝૂમે જ ગરવું

ધર્યા છે અન્નકૂટો, પ્રભુ ચરણ મહીં, છે ધન્ય ધરણી
આવો ભાવે પધારો, શુભ પથ જગ હો, ઉત્તમ કરણી

ભેટી દે સ્નેહ પૂંજી, જન જન હરખે, ઐશ્વર્ય ધરતો
ઝીલી હૈયે ઉજાશી, વિનય સભર આ, સંસાર ગરવો

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on October 25, 2011 at 11:01 pm  Leave a Comment  

મેઘધનુષ્ય- રાજેન્દ્ર ડી. શાહ

મેઘધનુષ્ય

રક્તદાનનો ભાવ છે ઉમદા, આનંદ જિંદગી બચાવવાનો સદા;
ભલાઈ એ જ જીવનની સાર્થકતા, હાસ્યનો લાલ રંગ મેં દીઠો.

પીતાંબરધારી પુરુષોત્તમ, રાધા સાથે રાસ ઉત્તમ;
આનંદનાં છે ઘોડાપુર મહત્તમ, હાસ્યનો રંગ મેં પીળો દીઠો.

આકાશ આંબતું ગિરિશિખર, પ્રસન્નતા છલકાતી પ્રખર,
સમાધિ તો લાગતી સહજ , હાસ્યનો વાદળી રંગ મેં દીઠો.

હરિયાળીમાં કુદરત હસતી, પ્રદુષિત હવા પર્યાવરણ ગ્રસતી;
શુદ્ધ હવાના મફત શ્વાસ, હાસ્યનો લીલો રંગ મેં દીઠો.

મયુરપંખ નો જામલી રંગ, મેઘ વરસતાં હૈયે ઉમંગ,
કળા કરવાનો ભાવ અઠંગ, હાસ્યનો જામલી રંગ મેં દીઠો.

લાફીંગ ક્લબ કસરતની પ્યાલી, લાવે એ તો હોઠે લાલી,
ખુશીઓની “બારાત” ચાલી, હાસ્યના સાતેય રંગ મેં દીઠા.

- રાજેન્દ્ર ડી. શાહ

Published in: Uncategorized on October 22, 2011 at 10:24 pm  Comments (1)  

જોડવું પડશે …. હેમંત ત્રિવેદી ‘અલીફ’

જોડવું પડશે ….

શબ્દમાં કંઈ જોડવું પડશે,
અર્થમાં કંઈ ખોળવું પડશે.

રક્તમાં શું છે એ શું ખબર?
વ્રણ ને હવે ફોડવું પડશે.

પંજમાં એક જે પુરાયો છે,
ઘર હવે એ છોડવું પડશે

ન થાય તુષ્ટ નીલકંઠ તો,
વખ સહુ એ ઘોળવું પડશે.

અલીફ બહુ દોડ્યો ખમી જા.
પંથને હવે દોડવું પડશે.

હેમંત ત્રિવેદી ‘અલીફ’ (Alif Paddharia)

Published in: on October 22, 2011 at 10:21 pm  Leave a Comment  

ગઝલ- કિંજલ્ક વૈદ્ય

ગઝલ

ગમે તેટલા એમાં આગળ વધીએ
અપેક્ષાની કેડી ન ખૂટે કદી એ

હશે છાપ સ્વપ્નોની પાંપણ ઉપર ક્યાંક
ફરી કાલમાં ચાલો પાછા ફરીએ

છે પથ્થર હ્રદય ? એક અખતરો કરીએ
વહી જાય ખળખળ, અશ્રુ ને કહીએ

છે એકાંત એકાંતનો ખેલ ન્યારો
પળો થોડી ખોવાઇ પાછા જડીએ

જો ખખડાવે ડેલી મરણ, તો ડરો નહિં
નિરાતે પછી આવજે, નોંતરીએ

કિંજલ્ક વૈદ્ય

Published in: on October 21, 2011 at 6:36 pm  Leave a Comment  

તારા ફેસબુક અકાઉન્ટનું.. ‘સપ્ત’ હિમાંશુ પરમાર

તારા ફેસબુક અકાઉન્ટનું સ્ટેટસ ‘કમીટેડ’,
મારી કંકુવરણી લાગણીઓ બધી આઉટડેટેડ.

તે આપેલી નવી ટીશર્ટ પર ચોંટેલી
તારા સ્મૃતિઅંશ જેવી ગળચટ્ટી ચોકલેટ.

મારા ટેરવાં જેમ એણેય હાથ કર્યાં હેઠાં
છે ખરબચડું ગસાયેલું સેલફોનનું કી-પેડ.

અધકચરી કુંપળ જેમ મારામાં ફૂટ્યા કરે
એને યાદો કહું કે ઘટનાઓની બોગનવેલ.

તારા હોવાપણાની એમાં શ્રદ્ધા છે, નહીતર
એક બ્લેન્ક મેસેજ શું કામ કરે બ્લેકમેલ

માન્યું કે પસ્તીનું અખબાર છે છતાંયે.
‘સપ્ત’ કવિતા લખી તને કરે છે અપડેટ

‘સપ્ત’ હિમાંશુ પરમાર

Published in: Uncategorized on October 15, 2011 at 10:09 pm  Comments (1)  

કાં ગ્યાં તમે જગજીત? – દિલીપ ર. પટેલ

ગઝલકિંગ થઈને ઘરોઘર હાં ઘટોઘટમાં ગૂંજતા એવા પદ્મભૂષણ જગજીતસિંગને આજે એમના દુ:ખદ અવસાન પ્રસંગે ભાવભરી શ્રધ્ધાંજલિ સહ સમર્પિત એક ગઝલ…

ગઝલ ઘેરી ગવાયેલી દઈ કાં ગ્યાં તમે જગજીત?
સજલ નૈના ઘવાયેલી દઈ હાં ગ્યાં તમે જગજીત

અંતર વાજીંતરે રેલી એવી દર્દીલી દાસ્તાન
કરી અમને મૂગાંમંતર અહીંયા, ગ્યાં તમે જગજીત

ભજન ગીતો નઝમ દુહા સુરીલો છોડી સંસાર
વહાવી સ્વર ને સંગીતની પ્રીત ગ્યાં તમે જગજીત

જીવનની તાણ તાણે તાલ બચપન કસ્તી બારિશી
અમર થૈ ગાઈ હોઠોં સે છુ લો, ગ્યાં તમે જગજીત

પદ્મભૂષણ, સુગંધી સુરાહી દિલ સદા મ્હેંકો
રહ્યાં ગાઈ પડઘાઈ એવા ના ગ્યાં તમે જગજીત

દિલીપ ર. પટેલ
10/10/2011

બે અછાંદસ કાવ્યો – પલ્લવી શાહ

1.
જયારે ઋતુ નવું નામ બદલી ,નવા કપડા પહેરી પોતાનો
ઉત્સવ ઉજવે છે ત્યારે ઋતુની સાથે ચાલતા વ્રુક્ષો ,આકાશ ,સમુંદર ,
વાદળો અને હવા પણ નવા કપડાં પહેરી ઋતુઓના ઉસ્તાવમાં ભાગ લે છે .
આ ઉત્સવ નવી નવી વાર્તાઓ સંભળાવે છે .
વાર્તાઓ ના પાત્રો- પર્ણો ,ફૂલો ,ફળો,,પતંગિયા ,ભમરા ,વ્રુક્ષ, નદી ,ઝરણા, સમુદ્ર ,ગગન
વગેરે સુંદર અભિનય દ્વારા બદલાતી ઋતુઓની ઉજવણી કરે છે .એ લોકો મને
વસંતની ,વરસાદની ઠંડીની અને પાનખરની વાર્તા સમજાવે છે અને હું પણ
મારી જાતને ઋતુ બનાવી દરેકે દરેક ઉત્સવની ઉજવણી કરું છું અને મારી જાતને પર્ણમાં ,
ફૂલોમાં ,સમુન્દરમાં અને ગગનમાં સમાવી લવું છું
આમંત્રણ છે આપને આમારા આ ઉત્સવમાં ભાગ લેવાનું .
આવશોને ?

2.
મને મારા તારા પ્રત્યેક શ્વાસે તારો ધબકાર સંભળાય છે .
લાગે છે કે મારા ધબકારમાં તારા ધબકારા મળી ગયા છે .
છતાં પણ હું તને પામી નથી . તું મારાથી બહુ દુર છે .
ક્યાં તારું ઘર અને ક્યાં મારું ઘર ,
તારા ઘરના આંગણા મારે સજાવવા છે .
તું મારા ઘેર કોઈ પણ ઘડીએ આવી પહુચશે , એ
આશાથી હું મારા ઘરનું આંગણું શણગારેલું જ રાખું છું.
તારા ધબકારા મારામાં છે ,પણ મિલન ક્યાં છે ?
શું મારા હદયના ધબકારા તારા હદયમાં ભળ્યા છે ?તારા હદયમાં ,
જો મારો ધબકાર હોત તો તું મારાથી આટલો દુર હોત ?
તારી સખી

પલ્લવી શાહ

Published in: on October 10, 2011 at 11:47 pm  Leave a Comment  

ગગન શરદનું…….રમેશ પટેલ ‘આકાશદીપ’

છંદ-સ્ત્રગ્ધરા

ધીરે ધીરે ઢળે રે, ગગન શરદનું, સાંજ લાગે સજીલી
ડોકાયો ચાંદ ગોરો, ધવલ રૂપલ એ, વ્હાલ ઢોળે ઉરેથી

શ્વેતાંગી પાવની એ, મનહર સરિતા, વૈભવી દર્શની એ
હૈયાં ઝીલે સુધાને, પરિમલ મધુરો, સ્નેહથી ભીંજવે રે

રેલાયે રેત પાટે, ગગન ઘટ અમી , ચાંદની રૂપેરી
ઊઠે જોમે લહેરો, જલધિ જલ રમે, વિંટતી સ્નેહ વેલી

વ્યોમે છાયી મજાની, ઋતુ શરદ ભલી, રાતડી પૂર્ણ રાણી
ઝૂમે વૃક્ષો રમંતાં, કુદરત હરખે, વાહરે આ ઉજાશી

શોભે તૃપ્તિ ભરીને, શરદ જન ઉરે, અમૃતાની કટોરી
કાલિન્દી રાસ લીલા, શરદ ઉજવણી, બંસરી કોણ ભૂલે?

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on October 10, 2011 at 11:42 pm  Leave a Comment  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers