હિમ લહરમાં….
છંદ- શિખરિણી
અરે! છૂપાઈ ક્યાં, તમ પ્રખરતા, દેવ સવિતા
ધરા ઉષ્મા ખોળે, રવિ વિણ નભે, ખેદ પ્રસરે
કસોટી ભારે આ, ઋતુ બદલતી, નિત્ય ધરતી
સરે નીચે પારો, હિમ લહરમાં , કાય થથરે
છવાયા માર્ગો આ, બરફ ઢગલે, સ્તબ્ધ દુનિયા
હિમે છાયી પૃથ્વી, ધવલ પટને, વૃક્ષ ધવલાં
થયા કેદી સર્વે, વિદ્યુત રિસણે, પંગુ સરિખા
ઠરે ધીરે ધીરે, સરવર બધાં , પાક સઘળાં
પહાડો શ્વેતા આ, ઉપવન સમા, ધન્ય વસુધા
સમાધિસ્થે દીસે, પશુપતિ સમા ,આંખ ભરતા
વહેશે ધીરેથી, વિમલ જલ આ, સૂર્ય તપતાં
લહેરાશે વાડી, શત રૂપલડે’ ધૈર્ય ધરતાં
મહા શક્તિઓથી, ચતુર પ્રભુ તું , શ્રેય સજતો
ખુશી પામી હૈયે, ગગન ભરશું, ક્ષેમ ધરજો
રમેશ પટેલ ‘આકાશદીપ’