હોઠ હસે તો
હોઠ હસે તો ફાગુન
ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.
તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.
અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ.
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;
તવ શ્વાસોનો સ્પર્શ
હ્રદય પર મનભાવન.
કોઈને મન એ ભરમ, કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;
પલ પલ પામી રહી
પરમ કો મુદ્દા મહીં અવગાહન.
હરીન્દ્ર દવે
the good poet in gujarati sahitiya