સંસ્કૃતિનું દેવું – દિલીપ ર. પટેલ

  ગૂર્જર વસ્યો યુએસ જાણી એને  કુબેર ભંડાર જેવું

સંપત્તિનું સપનું કરવા સાકાર કીધું સંસ્કૃતિનું દેવું

વટલાયો વાઈન સંસાર ભૂલીને ડિવાઈન સંસ્કાર

ડોલર નામે ગોબરની કમાણી આ તે ગણિત કેવું ?

                                                       

બેન્ક બેલેન્સની હસ્તે ખુજલી ને થતું ખિસ્સું ઠાલું

અંતર નાડી અશ્વવેગી દોડે ચૂકવવા ભોગનું ભાડું

અઠવાડિયું લાગે એંઠવાડિયું રજાની મજા પશ્ચાત

હર ખોરડે ગાડી તોયે જીવતર જાણે રગશિયું ગાડું

                                                      

પારકા પારણે પરાણે ઝૂલી બાળપણનું બહેકી જાવું

ના પળ પ્રેમાળ ને પૈસા બળે સંતતિનું મોટા થાવું

સંસ્કારે સજેલું ઘર ગુમાવી  સર્જ્યું મજેદાર મકાન 

જાહોજલાલી ભલે, ઘરે ભૂત બંગલાનું ખાવા ધાવું  

                                                       

મુક્ત મિજાજી દેશ ઈન્દ્રિયોનું ગુલામી ગીત ગાવું

સંસ્કાર-દાઝે રામકથા દાઝ્યાનું છાશ ફુંકીને પીવું

નિવૃત્તિના શમણા સાટે સ્વીકૃત મોહાંધ દોડાદોડી

ચોરાશીની ચગડોળે જીવનું જાણે ફેરાં ફરવા જાવું

                                                            

– દિલીપ ર. પટેલ            

આપણે ભરોસે – પ્રહલાદ પારેખ

આપણે ભરોસે આપણે હાલીએ,

હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

એક મહેનતના હાથને ઝાલીએ,

હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

                              

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો 

ખુદાનો ભરોસો નકામ;

છો ને એ એકતારે  ગાઈ ગાઈને કહે,

‘તારે  ભરોસે,  રામ !’

એ તો ખોટું રે ખોટું પિછાણીએ,  –  હો ભેરુ … 

                               

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,

સાગર મોઝારે ઝુકાવીએ;

આપણા વહાણનાં સઢ ને સુકાનને

આપણે  જ  હાથે  સંભાળીએ,  –   હો ભેરુ…

                                

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,

કોણ લઈ જાય સામે પાર?

એનો કરવૈયો કો આપણી બહાર નહીં,

આપણે  જ  આપણે  છઈએ,  –  હો ભેરુ ….  

                    

પ્રહલાદ પારેખ

                    

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com      

કૃષ્ણ – 1992 – કૃષ્ણ દવે

ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર,

અને ઉપરથી ગોપીઓ ને રાધા..

અહીં મારે તો જીવવાના વાંધા ..

                                           

આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?

ભાંભરડા દેતી આ ભૂખી ઈચ્છાઓનાં  ધણનાં ધણ ક્યાં  જઈ ચરાવીએ?

આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા

અહીં મારે તો જીવવાના વાંધા ..

                                         

પૂરેલાં  ચીર  એમાં  માર્યો  શું  મીર ?  એનું  કારણ એ રાજાની  રાણી

નજરે  ના  કેમ  ચડી  આછેરા   જીવતરની  માંડેલી  આમ  ખેંચતાણી

ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે

ને તોય કરવાના રોજ રોજ સાંધા?

અહીં મારે તો  જીવવાના વાંધા ..

                                      

ગોકુળનો શ્વાસ લઈ,  મથુરાની હાશ લઈ  દરિયામાં જાત  તેં  બચાવી

મેં તો આ પ્હાનીના  હણહણતા  અશ્વોને   ખીલ્લાની  વારતા  પચાવી

ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા

અહીં મારે તો જીવવાના વાંધા ..

                                     

કૃષ્ણ દવે

                                        

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com      

                                        

ફરવા આવ્યો છું – નીરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું!

હું  ક્યાં  એકે  કામ  તમારું   કે   મારું  કરવા  આવ્યો   છું?

                       

અહીં પથ પર શી મધુર હવા

ને  ચ્હેરા  ચમકે  નવા નવા!

– રે ચહું ન પાછો  ઘેર જવા!

હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

                                 

જાદુ    એવો    જાય   જડી  

કે  ચાહી  શકું બે  ચાર  ઘડી

ને  ગાઈ  શકું બે  ચાર  કડી

તો ગીત પ્રેમનું આ  પૃથ્વીના  કર્ણપટે  ધરવા  આવ્યો  છું!

                                

નિરંજન ભગત 

                       

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com      

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? – આદીલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું  કરું?

દૂર  ઝંઝા  પુકારે,  તો  હું  શું  કરું?

                                      

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,

તું જ એ રૂપ ધારે, તો  હું  શું  કરું?

                                         

હો વમળમાં તો મનને મનાવી લઉં,

નાવ ડૂબે  કિનારે,  તો  હું  શું  કરું?

                                         

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં

કોઈ પાલવ પ્રસારે, તો હું શું  કરું?

                                      

તારી ઝૂલ્ફોમાં  ટાંકી દઉં  તારલાં,

પણ તું આવે સવારે, તો હું શું કરું?

                                        

આદિલ મન્સૂરી

જન્મ કરાંચીમાં, ઉછેર અમદાવાદમાં અને એમની શાયરીની બોલબાલા દિગદિગંતમાં; આદિલ મન્સૂરી પોતાની ઓળખ એક મિસરામાં આ રીતે આપે છે: ધર્મ, ધંધો જન્મ ને જાતિ ગઝલ ; અત્યારે અમેરિકામાં વસે છે, પણ એમનું હ્રદય હજી ભઠિયારગલીમાં ભમતું જોવા મળે છે- ચિનુ મોદી                              

સુખનવર શ્રેણી (આદિલ મન્સૂરી) માંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com                 

હું તો માનું છું કે હું છું શાયર – અદમ ટંકારવી

હું તો  માનું છું  કે હું છું  શાયર

કિન્તુ  ડાર્લિંગ  કહે  છે : લાયર

                                 

સ્હેજ અડતાં જ  શૉક લાગે  છે

લાગણી હોય છે  લાઈવવાયર

                                

અર્થનો  રોડ  છે  ખાબડખૂબડ

ને વળી  ફ્લૅટ  શબ્દનું  ટાયર

                                   

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ

ધૅટ  ગર્લ ઈઝ  સ્પિટિંગ  ફાયર

                                   

ફાસ્ટ ફૂડ  જેવી  ગઝલ  વેચું છું

કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

                                        

અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા.

ગુજલિશ ગઝલોમાંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com                           

                                          

   

સનમ- અદમ ટંકારવી

બાગમાં  ક્યાં  હવે  ફરે  છે સનમ

વૅબસાઈટ  ઉપર  મળે  છે સનમ

                                    

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

                                           

મૅમરીમાં  ય  હું  સચવાયો  નહીં

તું મને  સૅઈવ  ક્યાં કરે છે સનમ

                                   

ડબ્લ્યુ  ડબ્લ્યુ  ડબ્લ્યુની   પાછળ

ડૉટ થઈને તું  ઝળહળે છે  સનમ

                                   

આ  હથેળીના  બ્લૅન્ક બૉર્ડ  ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

                                    

શી  ખબર  કઈ  રીતે  ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

                                    

ક્યાં છે  રોમાંચ  તારા  અક્ષરનો

ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

                                  

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે

એને ગ્રૅફિકમાં  ચીતરે છે  સનમ

                                    

લાગણી  પ્રૉગ્રામ્ડ  થઈ  ગઈ  છે

ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

                                     

આંખ મારી  આ  થઈ ગઈ  માઉસ

કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

                                       

અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા.

ગુજલિશ ગઝલોમાંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com                                    

વૈષ્ણવજન તો – નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને કહીએ,  જે  પીડ પરાઈ  જાણે રે;

પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ.. ટેક

                                                                     

સકળ  લોકમાં  સહુને  વંદે.   નિંદા  ન  કરે  કેની  રે; 

વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ..
                                                             

સમદ્રષ્ટિને  ને  તૃષ્ણા  ત્યાગી,  પરસ્ત્રી  જેને  માત રે;

જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ  ઝાલે હાથ રે… વૈષ્ણવ..
                                                                 

મોહમાયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે;

રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તના તનમાં રે… વૈષ્ણવ..
                                                               

વણલોભી  ને  કપટ  રહિત  છે,  કામ ક્રોધ  નિવાર્યા રે;

ભણે નરસૈયો તેનું દર્શન કરતાં,  કુળ એકોતેર  તાર્યાં રે… વૈષ્ણવ..

                                                     

–   નરસિંહ મહેતા