‘શૂન્ય’ પાલનપુરી
હેમને કસતાં જોયો
પ્રેમને કાળનાં બંધન મહીં ફસતાં જોયો!
એક પર્વતને અમે ખીણમાં ધસતાં જોયો!
બાગની આંખમાં જે ખારને વસતાં જોયો,
ફૂલના રક્તની રસલ્હાણ પીરસતાં જોયો!
ભાન ભૂલી પડ્યા છે અહીં લાખો પંથી,
સર્પની જેમ સ્વયમ્ પંથને ડસતાં જોયો!
કાલ જે રડતો હતો અશ્રુને અશ્રુ માની,
એ જ માનવને અમે વ્યંગમાં હસતાં જોયો!
અશ્રુઓ પણ ન બુઝાવી શક્યા દિલની જ્વાળા,
નીરને કાજ સમંદરને તરસતા જોયો!
શૂન્ય છે શૂન્ય જગતનું આ બધું મૂલ્યાંકન!
એક પથ્થરને અહીં હેમને કસતાં જોયો!
‘શૂન્ય’ પાલનપુરી