કેટલીક ગઝલ – વિજય સેવક

રસ્તા

ક્યાંક જો ફંટાય છે રસ્તા,
તો પછી ખોવાય છે રસ્તા.

‘ને તિરાડો લાખ પૂરીએ
તો ય ક્યાં સંધાય છે રસ્તા?

આંખમાં આંજો જરા શમણું,
તો નવા પથરાય છે રસ્તા.

માત્ર એક ડગલું ભરી ચાલો,
પ્હાડમાં કોરાય છે રસ્તા.

છે બધાની એક તો મંઝિલ,
કેમ નોખા થાય છે રસ્તા!

ભાર વેંઢારી અમે થાક્યા
કેટલા લંબાય છે રસ્તા!

હા, વિજય ચાલ્યા ગયા લોકો,
એકલા વળ ખાય છે રસ્તા.

____________________________________

ઑફિસ

વ્હેલી સવારે ટ્રેનમાં કચડાય એ પછી
હું કચકચાટ બાંધતો ઇચ્છાને ધૂંસરી

પ્હેરીને ડાબલા સતત ઘૂમ્યા કર્યું છે મેં
હાંફી ગયો છતાં ય છે આ દોડ વાંઝણી

તારા ગયા પછી જ હું પામી શક્યો મને
ખાલીપણું જ વિસ્તર્યું ‘તું મારા નામથી

ઑફિસ સમી છે આપણી આ જિંદગી વિજય
આખો દિવસ ચહલપહલ પણ સાંજ ઝૂરતી

________________________________
સત્ય શું?

આપણા હોવાપણાનું સત્ય શું?
જિંદગી તો એક પાનું, સત્ય શું?

એક પડછાયો જરા થથર્યો અને
કોડિયું મલકે છે છાનું, સત્ય શું?

કેટલું ભરચક હતું ટેબલ છતાં
સાવ ખાલી એક ખાનું! સત્ય શું?

રણઝણી ગઈ રાત આખી દોસ્તો
દર્દ એ કેવું મજાનું! સત્ય શું?

છે વિજય રસ્તો અજાણ્યો, તે છતાં-
આપણે ચાલ્યા જવાનું! સત્ય શું?

_______________________________

એક કે બે શ્વાસ …

એક કે બે શ્વાસ છે આ જિંદગી
મોતનો ઈતિહાસ છે આ જિંદગી

એક દી’ એ રેત શી સરકી જશે
આપણો પરિહાસ છે આ જિંદગી

આયનાથી બ્હાર આવી જો જરા
ભાસ, કેવળ ભાસ છે આ જિંદગી

દોડવું ને ભાગવું ને તૂટવું
એ જ તો સંત્રાસ છે આ જિંદગી

આપણે વરસ્યાં અને ભીનાં થયાં
તો જ શ્રાવણ માસ છે આ જિંદગી

ક્યાં સુધી હું શ્વાસને ગણતો રહું?
આખરી અજવાસ છે આ જિંદગી

__________________________________

આપણો સંબંધ

વાગતો ના શબ્દનો યે ગજ કદી
થાય ના એનું મને અચરજ કદી

આંજવું છે આંખમાં આકાશ પણ-
ક્યાં મળે છે આટલી યે રજ કદી?

આમ રસ્તામાં તમે મળતાં અને
થઈ જતી પૂરી અમારી હજ કદી

આપણો સંબંધ ભીના મૌનનો
ઝળહળે છે શબ્દનો સૂરજ કદી

‘ને હવે આકાશ ખાલી છે વિજય
તારલાની શી હતી સજધજ કદી!

______________________________

સૂક્કા ઘાસની ગંધ

સાવ સૂક્કા ઘાસની હું ગંધ છું
પાનખર આલાપતો સંબંધ છું

ટળવળ્યા કરતી તરસ તડકો ચઢ્યે
ધોમ ધખતા ગ્રીષ્મ જેવો અંધ છું

ઓ સમંદર ઉછળીને આવ તું
ખાબકી લે, આજ હું નિર્બંધ છું

ચોપડીનું એક પાનું વાળતાં
વાંચવો બાકી રહ્યો એ સ્કંધ છું

દોષ શો દેવો વિજય દીવાલને
હું ઉઘાડા બારણામાં બંધ છું

___________________________________

ઊભા કિનારે વેગળે

આંગળીના ટેરવે આવી મળે
એ ગઝલમાં તું જ આવીને ભળે

એક પથ્થર ફેંક તું પાણી ઉપર
’ને તરંગો કેટલાં ટોળે વળે!

શાંત રાતોમાં નદી ખળખળ વહે
ભીતરી એકાંત એને સાંભળે

આપણે સાથે વહ્યાં ‘તાં કો’ક દી
આજ તો ઊભા કિનારે વેગળે

જે સપાટી પર નથી આવી શક્યા
એ જ પરપોટા હવે જો ઑગળે

લાખ કોશિશો કરે તો પણ વિજય
જિંદગી હંમેશ આપણને છળે

આ નદી પામી શકે જો તું વિજય
તો જ એકાકાર થઈ તું ઑગળે

વિજય સેવક

Advertisements

19 Comments

 1. શ્રી વિજયભાઈ

  કેવું સુખદ આશ્ચર્ય આપ્યું શ્રી દિલીપભાઈએ.

  તમે ઉપાસનાના વિમોચનના મારા વતન મહિસામાં

  મુખ્ય અતીથી હતા. અહીં અમેરિકામાં આપને પ્રસંગની વિડીઓમાં

  સાંભળવાનો લ્હાવો મળ્યો છે.તમે જીતુભાઈ , ડાકોર ને સુરતની

  મીઠી યાદ આપી દીધી.

  આપની ગઝલો ઉત્તમ કક્ષાની છે,ખૂબ જ ગમી.

  લાભ આપતા રહેશો.

  અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • આપના કાર્યક્રમમાં મારું હોવું એ તો આપણો સમ યોગ.
   મહિસામાં મજા પડી હતી.
   વર્ષો પછી ગયો હતો મહિસા.
   શાળાના જે નવા મકાનની ઈંટો ઉચકી હતી ત્યાં કાર્યક્રમ હતો.
   સાહિત્ય અને જ્ઞાનવર્ધક વાતો થઈ હતી.
   મુરબ્બી અને મિત્રોને મળાયું હતું. મારા શિક્ષક મુ.શ્રી.વિષ્ણુભાઈ સાથે પણ ઘણી વાતો થઈ હતી- શાળામાં અને પછી ઘરે. મઢી પણ ગયો હતો. મનભરીને માણ્યો હતો પ્રસંગ અને મહિસા- બંન્ને. બધું આપના પુસ્તક નિમિત્તે. બસ, આપની કમી હતી. ક્યારેક તમે પણ મહિસામાં હો ત્યારે કાર્યક્રમ ગોઠવાય એવું કરો. મજા પડશે. ત્યાં સુધી બ્લૉગ દ્વારા મળતા રહીશું.
   જીતુભાઈ અત્યારે અમદાવાદ રહે છે. તેમને તમારી યાદ આપીશ.
   વિજય

 2. માત્ર એક ડગલું ભરી ચાલો,
  પ્હાડમાં કોરાય છે રસ્તા.

  છે બધાની એક તો મંઝિલ,
  કેમ નોખા થાય છે રસ્તા!

  હા, વિજય ચાલ્યા ગયા લોકો,
  એકલા વળ ખાય છે રસ્તા.

  Reallistic gazal,nearer to life.
  Very nice
  Ramesh Patel(Aakashdeep)

 3. સરસ ગઝલ !
  વિજયભાઈ સેવક ને રુબરુ સાંભળવા એ પણ એક લ્હાવો છે. તેઓ નાટ્યકલાના ઊંડા અભ્યાસું માણસ છે,મે એમને કિલ્લા-પારડી [વલસાડ] માં શીબીર માં સાંભળેલા ત્યારે તેમણે નાટ્યકલાની સરસ માહીતી આપેલી તે ઓ સારા ગઝલકાર છે તે આજે જાણ્યું, lots of thanks

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s