વીર અભિમન્યુ – રમેશ પટેલ ‘આકાશદીપ’

નવી નવી રચનાઓના નજરાણાં પીરસીને વાચકોની સેવા કરતા રહેતા કવિલોક બ્લોગના સક્રિય સદસ્ય એવા પૂજ્ય રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’નો આજ રોજ શુભ જન્મદિન હોઈ એમને સહુ વાચક વર્ગ વતી જન્મ દિવસની હાર્દિક શુભ કામનાઓ અને સુસ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ.

ચાલો આજે રમેશભાઈએ ખાસ મોકલાવેલી વીર અભિમન્યુની લાંબીલચક પૌરાણિક કથાની ગીતગાથા માણીએ.

વીર અભિમન્યુ

યુગવર્તી મહાવીરોથી શોભે ભવ્ય ભારત ખંડ
ગાયે ગાથા આ રણભૂમિ ધરી ધરી આનંદ
સુણે સુભદ્રા શ્રીકૃષ્ણ મુખે મહા સાહસોના રંગ
ગર્ભમાં ઝીલી સંસ્કાર યુધ્ધના હરખે અંગે અંગ

ઝૂલે પારણે લાલો વહાલો , વીર પાર્થનો પ્યાર
વદને ચમકે ક્ષાત્ર તેજનો કસુંબલ પુંજ અપાર
હલાવે ભૂજા જાણે આવ્યો સાહસનો અવતાર
રમતો ઊછળી સુભદ્રાનો સિંહ અભિમન્યુ બાળ

યુધ્ધ અભ્યાસે કૌશલ્યથી શીખતો સઘળા દાવ
ગગન ગજવતો પરાક્રમે જાણે સિંહ સંતાન
રથ ને ગજ લઈ ઘૂમતો અતિ વિકટ વનવાટ
પાંડવ યદુકુળ અંશને દિઠો સાહસનો સમ્રાટ

ચઢીશ રણે કંપાવીશ યુધ્ધે, દસે દિશાએ શત્રુઓના હીર
સોળ વરસનો મરદ મૂછાળો, થનગને અભિમન્યુ વીર

કુરુક્ષેત્રે મંડાણું મહાભારતને, યુધ્ધે વરસે ઈર્ષાની આગ
મહારથીઓના જંગે છલકે ધરાએ લાલ રક્તની ધાર
વીરગતિથી અમર થવાની જાણે લાગી હોડાહોડ
ગુરુ દ્રોણે યુધ્ધે સંભાળી કૌરવ સેનાની દોર

શત્રુ સેના હણવા હાલ્યો, અર્જુન યુધ્ધે અંતરાળ
સમય પારખી દ્રોણે રચીઓ વિકટ ચક્રવ્યૂહનો દાવ
પાંડવ સભા થઈ ક્ષોભિત , સોચે કોને સોંપવું સુકાન
ચક્રવ્યૂહ ભેદવા ,બીડું ઝડપવા ઉભો થાય અભિ બાળ

યુધિઠિર વદે, તું સોળ વરસનો નટખાટ રાજકુમાર
અસ્ત્ર શસ્ત્ર ને પ્રપંચીઓને ના સમજે તું બાળ
છું પાંડવ ને પાંડવ પક્ષને કેમ દેખું લાચાર
રણે ચઢવું ને શાને રાખવો ભયનો રે ઓથાર

માતા સુભદ્રાના ઉરમાં ભણ્યો હું છ કોઠાનો ભેદ
સાતમે કોઠે હોય કાકા ભીમ, પછી શાને કરવો ખેદ
રણભૂમિ પણ જોશે કાલે, વીર અભિમન્યુનું શૌર્ય
જીવવું તો રણશૂરા થઈ જીવવું, યુધ્ધ એજ કૌશલ્ય

રથી મહારથી શંખ ધ્વનિથી રણે પાયે પોરસ નીર
દસે દિશાથી યુધ્ધ ભૂમિમાં , ઉતરી આવ્યા વીર

ગુરુ દ્રોણે રચ્યો વિકટ ચક્રવ્યૂહ કુરુક્ષેત્ર મેદાન
ક્રુપાચાર્ય ,શલ્ય ને અશ્વત્થામા આવી ઉભા થઈ દીવાલ
કર્ણ ને દુર્યોધન મલકે, પાંડવ માટે લડશે શું આ બાળ?
યુધિષ્ઠિરને પકડી આજે, પાંડવોને દઈએ બીજો વનવાસ

આવ્યો મરદ મૂછાળો ,સજી હથિયારો, અભિમન્યુ રણ મેદાન
કુરુક્ષેત્રે ગરજે રથી મહારથી ને કાળ કરે અટ્ટહાસ્ય
કૌરવ પાંડવ સાગર સેનાઓ , ગજવે શંખ ધ્વનિ આકાશ
વીરલાની વીર ભૂજાઓ, બળ કળથી રમાડે હાથીઓની હાર

સોળ વરસનો દૂધમલીઓ ,રથે ચઢી રણે આવ્યો રણવીર
વળ પાછો, વદે દ્રોણ, યુધિષ્ઠિરને કર આગળ ઓ ધીર
ધન ધનાધન છૂટશે તીરો ,વરસશે આકાશેથી મહા આગ
થશે નાલેશી ધર્મરાજની , ના જાણે બાળ તેનો તું તાગ

વીર અભિમન્યુ વદે, છું લાલ યદુવંશ, પાંડવ પાર્થનો પ્રાણ
મહાભારતે જોજો વીરોને માપતા આ અભિના એકએક બાણ
બીડું ઝડપ્યું ભર સભાએ, નહીં પડવા દઉં વીરોની શાન
થઈ પ્રલયંકર,રણભૂમિ રમાડતો થઈશ રણકેસરી વનરાજ

મુખ દ્વારે ઉભા ઢ્રોણ , ચઢાવતા પોરસ કરતા રે શંખનાદ
અસ્ત્ર શસ્ત્ર લઈ દોડે લડવૈયા, ગજવી પ્રત્યંચાથી અંબર આણ
ગાજ્યું ગગન ને ધરણી ધ્રુજી, લોહનાં બખ્તર વીંધતાં છૂટે બાણ
ધસ્યો અભિમન્યુ લઈ લશ્કર,વરસાવતો વાવાઝોડું અમાપ

ઊડે ગગને ગોટેગોટા ,ઢ્રોણના વીખરાયા વાળ ને સેના
ધોળામાં ધૂળ નાખી ધમરોળે અભિ, ને ઢ્રોણ દિસે લાચાર
પાર્થનો પ્રતાપી બાળ ભાણ,કંપાવે શત્રુ લઈ ફણીધર આણ
પ્રથમ કોઠે કરી જીત હુંકાર
અભિમન્યું રણે રમે લઈ ધનુષ્યને બાણ

આવ્યા કૃપાચાર્ય કરી ટંકાર, રોકવા રણમેદાને અભિમન્યુ બાળ
છોડી સહસ્ત્ર તીર ગગને , મહારથીએ ગૂંથી બાણોની જાળ
અભિ તાંડવ રુપધરી ત્રાટક્યો, શત્રુઓને રગદોળે રણની વાટ
તૂટી ધજા, હણાયા અશ્વ સારથિ, માનભંગ કૃપાચાર્ય બચાવે પ્રાણ

બીજે કોઠે કરી જીત હુંકાર
અભિમન્યુ રણે રમે લઈ ધનુષ્યને બાણ

ગુરુ પુત્ર અશ્વત્થામા ને શલ્ય, કોઠા યુધ્ધે ખીલ્યા થઈ મહાન
અભિમન્યુના પરાક્રમ આગળ,ઝાંખા પડીઆ એસૌ વીરોનાં હામ
તૂટ્યાં બખ્તર,ચૂભ્યાં તીર ને સેના થઈ વિહ્વળ પડ્યું ભંગાણ
બચવું હોય તો ઘાયલ છોડો મેદાન
અભિમન્યુ રણે રમે લઈ ધનુષ્યને બાણ

સૂર્યસમ ક્રાંતિ, દુર્યોધન મિત્ર, આવ્યો કર્ણ કરતો મહા ટંકાર
આાવ સામે થઈ જાય પરીક્ષા, ત્યાં તો પ્રત્યંચાથી અભિ દે હુંકાર
અસ્ત્રશસ્ત્રથી ગાજ્યું અંબર , જાણે સંગ્રામે ડણકે સાવજ ઝૂંડ
પ્રતિપક્ષો લડે, ઊછળે શૌર્ય, ભભૂકતી આંખે હાથી ઉચકે સૂંઢ

વાહ લડવૈયા, બાહુ બડવૈયા, અભિમન્યુ પરાક્રમે ગાંજ્યો ના જાય
કર્ણ વિચારે કયા શસ્ત્રથી તોલું,ત્યાંતો લાગ્યું છાતીએ અભિનું બાણ
અરે દૂધમલીયા, લાગે સાક્ષાત અર્જુન, શૌર્યમાં દિસે સવાયો સૂત
ધન્ય ધન્ય અભિમન્યુ વીર, કહેતાં ઢળ્યો મૂર્છાએ સૂર્યનો પૂત

દેખ દુર્યોધન,કર્ણનો ભાઈ ગયો યમ સદન,ને દુઃશાનને શોધે મારાં તીર
વિશાળ સેનાને રગદોળતો, આજ રણે રમે ધનુષ્ય લઈ અભિમન્યુ વીર

દુર્યોધન કપટી ગર્વીલો તીખો જુએ અભિમન્યુને વાળતો દાટ
કૌરવોના મહારથીઓને મહાત કરી ગયો,આ સોળ વરસનો બાળ

સમરી શ્રીકૃષ્ણ વરસાવે અભિમન્યુ આકાશે અગન બાણ
ઢળે ધરણીએ સૈન્ય, જાણે પાનખરમાં ખરે વૃક્ષનાં પાન
દુર્યોધન થઈ ડંખીલો , ખેલે રણે અવળા સવળા દાવ
અભિમન્યુના બાણે ઘાયલ થઈને લપાણો કૌરવોનો તાજ

એકલ વીર ,સાતમે કોઠે જુએ વીર ભીમસેનની રાહ
પણ દ્રોણે ભીડ્યાં દ્વાર ને , જયદ્રથ રોકી ઉભો રાહ
પરાક્રમી અભિમન્યુ શૌર્યથી, કૃતવર્મા બૃહદલને દેતો ઘાવ
હારેલા અધર્મી મહારથીઓ ભેગા થઈ, ઘેરી વળતા બાળ

જો હો શૂરવીર ને યોધ્ધાની શાન,આવો એક એક થઈ વીર
છટ કોણે કીધા મહારથી ,અધર્મી થઈ સાથે ચલાવો તીર
દ્રોણ ,અશ્વત્થામા ને કર્ણ આજે કાયર થઈ કરતા વાર
ચઢ્યું યુધ્ધે આજ પોરસ એવું, અભિમન્યુ દિસે વિકરાળ

હશે હાથમાં ધનુષ્યને બાણ, યુધ્ધમાં નહીં જીતવા દે આ શૂરવીર
દુર્યોધન કહે મારો સારથિ,ઉતારી ભૂમિએ પછી, તાકજો તાતા તીર

પડ્યો સારથિ, પણ તૂટી ના હામ, ગદા લઈ ઉતર્યો રણ મેદાન
ઢાળે શત્રુના ઢગલે ઢગલા, શોણિત ધારે કરે સ્નાન સિંહ સંતાન
ખડગ ઉઠાવી ઢાલ ધરતો , ઘૂમે અભિમન્યુ થઈ વનરાજ
શસ્ત્રો ખૂટ્યાં , તો ઉઠાવી રથ પૈડું કરતો શત્રુ પર વાર

ત્યાંતો દુઃશાસન પુત્રે દગાથી આવી, દિધો પૂઠેથી કારમો ઘાવ
પડતાં પડતાં કીધો શત્રુ પર વાર , પહોંચાડવા યમને ધામ

વદે અભિમન્યુ, નથી ઢળ્યો હું, ઢળી ગઈ છે કૌરવ તમારી લાજ
અધર્મી થઈ લડ્યા તમે,પણ કાલે નહીં ચોડશે તમને મારો તાત

સોળ વરસના મરદ મૂછાળે, ઉતાર્યા અધર્મી મહારથીઓનાં અભિમાન
લડ્યો એક લડવૈયો અભિ મહાભારતે, ધરી રણવીરોની મહા શાન

યુગો યુગો સુધી કીર્તિ અજવાળશે,
રણશૂરા અભિમન્યુ તારું નામ
માપી મર્દાનગી તારી કુરુક્ષેત્રે
તું વીરનું રળી ગયો યશનામ

‘આકાશદીપ’ કહે ઓ વીર અભિમન્યુ,
ફરીથી અમે જોઈ રહ્યા તારી વાટ
માગે મા ભોમ તવ સરીખા પરાક્રમી
જે રણે રમે લઈ શૂરવીરોની શાન

રમેશ પટેલ ‘આકાશદીપ’

Advertisements

12 Comments

 1. વીર અભિમન્યુ બસ નામજ પૂરતું છે.

  કવિલોકની મુલાકાતે આટલું સરસ ખંડ કાવ્યની રસ ધારા,સાચેજ કવિતા માણવાનૉ

  આનંદ આપી ગઈ.

  કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી ખૂબજ સાંભળેલું.

  પણ આજે આ કાવ્યને મનન કરતાં વાંચી ને યુધ્ધની

  પરિસ્થિતિનો ચીતાર ચીતરાતો ગયો.

  યુધ્ધની ભયાકનતાની વચ્ચે આટલા નાન બાળની

  યશોગાથા તેને વીર કહેવડાવવા લાયક છે.

  કેટલા શક્તિશાળી મહારથીઓના પાણી સાચેજ તે ઉતારી ગયો, અમર થઈ ગયો.

  આકાશદીપની સુંદર ભેટ ગુજરાતી કવન દ્વારા માણી અને આભાર પ્રગટ કરવાનું ફરીથી મન થયું.

  વીતલ પટેલ.

 2. vaah Abhimanyu
  છું પાંડવ ને પાંડવ પક્ષને કેમ દેખું લાચાર
  રણે ચઢવું ને શાને રાખવો ભયનો રે ઓથાર

  માતા સુભદ્રાના ઉરમાં ભણ્યો હું છ કોઠાનો ભેદ
  સાતમે કોઠે હોય કાકા ભીમ, પછી શાને કરવો ખેદ
  રણભૂમિ પણ જોશે કાલે, વીર અભિમન્યુનું શૌર્ય
  જીવવું તો રણશૂરા થઈ જીવવું, યુધ્ધ એજ કૌશલ્ય

  Lovely and કવિતા વાંચતા જોમ ચડી જાય bhai
  સુંદર વર્ણનાત્મક રજૂઆત.maja aavi

  Sweta Patel

 3. રમેશભાઈને જન્મદિન ની શુભેચ્છા.

  વીર અભિમન્યુ વદે, છું લાલ યદુવંશ, પાંડવ પાર્થનો પ્રાણ
  મહાભારતે જોજો વીરોને માપતા આ અભિના એકએક બાણ
  We enjoyed this poem remembering us
  Aakhyaana of Kavi Premanand.

  Paresh Patel

 4. આદરણીય શ્રી રમેશભાઈ,
  જન્મદિવસની શુભકામના.
  આપને આપના પુસ્તકથી મળ્યો છું.
  અભિમન્યુ ઢળ્યો નથી. એ મારા-તમારામાં જીવે છે.
  આપનું કાવ્ય તેનું જ સૂચક છે. ગમ્યું.
  વિજય સેવક

 5. રમેશભાઈને જન્મદિન ની થોડીક શુભેચ્છા,

  જન્મ દિવસના આ દિવસે નાનકડી ભેટ લાવ્યો છું
  શબ્દોના નાનકડા રુપમાં ભાવની ભરતી લાવ્યો છું
  ઈચ્છાઓ સદ ઈચ્છા બને, સદ ઈચ્છા યદ ઈચ્છા બને,
  તેવી અંતરની મહેચ્છાની થોડીક શુભેચ્છા લાવ્યો છું

  અભિમન્યુ નું બલિદાન ખુબજ પ્રેરક છે…
  દિલીપ ગજ્જર, લેસ્ટર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s